ટ્રાફિક દંડની લઘુકથાઓ


હેલ્મેટ

જિગ્નેશે વ્યવસ્થિત રીતે બાઈકને સાઈડમાં ઊભું રાખ્યું.

પછી બાઈકને વ્યવસ્થિત રીતે સ્ટેન્ડ ઉપર ચડાવી, માથેથી હેલ્મેટ ઉતારી, વ્યવસ્થિત રીતે બાઈકના મિરર ઉપર ભેરવી, તે થોડાં ડગલાં ચાલીને પાનના ગલ્લે ગયો.

‘કાચી સોપારી, લવલી, એકસો વીસ…’ તેણે પોતાના પાનનો ઓર્ડર આપ્યો.

હજી પાન બની રહ્યું હતું ત્યાં તો દૂરથી એક ડબલ સવારી સ્કૂટર ઝપાટાભેર આવતું દેખાયું. પાછલી સીટ ઉપર બેઠેલા શખ્સે હાથ લંબાવી બાઈકના મિરર ઉપર ગોઠવેલી હેલ્મેટ ઉઠાવી લીધી… !

ચીલ ઝડપ કરીને સ્કૂટર ભાગી છૂટ્યું !

જિગ્નેશ ચોંક્યો. તેણે બૂમ પાડી. ‘ચોર… ચોર…’

તે પાન પડતું મુકીને દોડ્યો. બાઈકની કીક મારીને સ્કુટરની પાછળ ભગાવ્યું. સ્કુટર સડસડાટ આગળ જઈને અચાનક ડાબી બાજુ વળી ગયું.

જિગ્નેશે પણ બાઈકને ડાબી બાજુ વાળી… પણ આ શું ?

જિગ્નેશ હેબતાઈ ગયો. માત્ર 200 ફૂટ આગળ અડધો ડઝન ટ્રાફિક પોલીસો શિકારની રાહ જોતા ઊભા હતા !

જિગ્નેશે હેલ્મેટ વિનાનું માથું બાઈક પર પછાડી મોટા અવાજે રડવા માંડ્યું :

“કાશ… મેં પેલો વિડીયો જોઈને મારું લાયસન્સ, આરસી, પીયુસી અને ઈન્શ્યોરન્સ વગરે… હેલ્મેટ ઉપર ના ચોંટાડ્યાં હોત !”

***

સગીર

સોળ વરસના ભૂરાએ જોયું કે ચંદુકાકાના સ્કુટરમાં ચાવી ભરાવેલી જ છે !

તેણે આમતેમ નજર નાંખી. ઝડપથી સ્કુટર સ્ટાર્ટ કરીને તે સોસાયટીની બહાર નીકળી ગયો.

આગળના ચાર રસ્તે ટ્રાફિક પોલીસ ઊભી જ હતી. લવરમૂછિયા ભૂરાને જોતા જ તેને ઊભો રાખ્યો.

‘હજી મૂછો નથી ફૂટી ને સ્કુટર ચલાવે છે? કોનું સ્કુટર છે ?’

‘અમારી સોસાયટીના ચંદુકાકાનું… એમણે જ મને કહ્યું કે જા ભૂરા, મારા માટે માવો (પાન-મસાલો) લેતો આવ !’

પોલીસવાળા ચલાન બનાવી રહ્યા હતા ત્યારે ભૂરો મનોમન ખુશ થઈ રહ્યો હતો :

“ક્રિકેટનો બોલ વાગ્યો ત્યારે ચંદુકાકાએ જ મને લાફો માર્યો હતો ને ? હવે લેતા જાવ, ચંદુકાકા…”

***

- મન્નુ શેખચલ્લી

Comments