ફિલ્મ 'સાહો'ને આમ 'સહો' !

આ ફિલ્મના તો નામમાં જ કોડવર્ડ છે : સહો ! યાને કે સહન કરો !


ફિલ્મને સહન કરવાની ઘણી રીતો છે. છતાં તે સાવ અસહ્ય તો નથી જ. ઉલ્ટું, એના અમુક ફાયદા પણ છે. દાખલા તરીકે જો તમને રાતે બરોબર ઊંઘ ન આવતી હોય તો આ મુવીની પાયરેટેડ કોપીની પેનડ્રાઈવ બનાવીને સૂતાં સૂતાં જુઓ... અડધો કલાકમાં તો ઊંઘ પાક્કી ! ગેરંટી છે.

બાકી જો તમારે સ્ટોરી જોઈતી હોય તો યાર, લાયબ્રેરીમાંથી એકાદ ચોપડી લઈ આવો ને !

અચ્છા, તમને કોમેડી ગમે છે ? તો આમાં ભરપૂર કોમેડી છે. ફરક એટલો જ કે તમારી પાસે એવી કોમેડી એન્જોય કરવાનો‘ટેસ્ટ’ હોવો જોઈએ.

દાખલા તરીકે શરૂઆતમાં મુંબઈની એક પાંચ માળની ચાલીમાં છેક છાપરા ઉપરથી એક સોનેરી દાઢીવાળાને ફાંસીનો ગાળિયો ભેરવીને લટકાવી રાખ્યો છે. એને છોડાવવા માટે સાહો (પ્રભાસ) શું કરે ?

સિમ્પલ, નીચેથી એક દાતરડું ઉપાડીને છૂટ્ટું મારે કે તરત દોરડું કપાઈ જાય ! અને બીજી જ ક્ષણે ચાલીના એક ખાટલાને લાત મારીને પડતા માણસને તેમાં ઝીલી લે ! રાઈટ ?

પણ ના, અહીં જ તો પ્રભાસ આખી એક્શન કોમેડી કરી બતાડે છે ! એ વારાફરતી દરેક માળ ઉપર જઈ જઈને મારામારી કરે છે. પહેલા માળે ચાકુ અને દંડાવાળા ગુંડા છે, બીજા માળે પહેલવાનોનો અખાડો છે ! ત્રીજા માળે તો આખો કસાઈવાડો છે ! ચોથા માળે વળી કંઈ ભાલા અને તલવારો છે... આ બધા વચ્ચે પ્રભાસને કોઈ રૂપાળી સ્ત્રી શાક સમારતી દેખાઈ જાય તો વચ્ચે બા-કાયદા દોઢ મિનિટ રોમાન્સ પણ કરી લે છે !

ટુંકમાં, આ ફિલ્મના પ્રોડ્યુસરો તમને (મારી મારીને) તમારા પૈસા પુરેપુરા વસૂલ કરાવી આપવામાં માને છે !

ત્યાં સુધી કે પ્રભાસ અને શ્રધ્ધા કપુરના રોમાન્સના સીનોમાં પણ જોડે જોડે મશીનગનો, રોકેટ લોન્ચરો અને હેન્ડ-ગ્રેનેડો ફૂટતા રહે છે ! સાલું, સમજ જ ના પડે કે રોમેન્ટિક સીન છે કે ફાઈટ સીન ?

હા, જ્યારે ગાયનો આવે છે ત્યારે વચ્ચે સ્હેજપણ ફાઈટ નથી આવતી ! એમાં સાલી ઊંઘ આવી જાય છે.

બાકી એક વાત સારી છે. ફિલ્મમાં મુંબઈની પોલીસને જરાય અન્યાય નથી થયો. પોલીસના ક્રાઈમ રૂમમાં બધુ જ છે. બાસ્કેટ બોલ કોર્ટ, કોફી શોપ, હેન્ડ-ફૂટબોલ, કોમ્પ્યુટર ગેઈમ્સ. અરે, કોઈપણ મામૂલી ચોરી પકડવા માટેનું પ્લાનિંગ લેસર-કિરણોથી બનતા થ્રીડી મોડેલ વડે જ થાય છે !

છતાં, કરોડો-અબજોની ચોરી કરતો એક ચોર કોમ્પ્યુટરમાં ફક્ત એક બાયો-ડેટા અપ-લોડ કરીને દેશના સર્વશ્રેષ્ઠ ‘સિક્રેટ’ એજન્ટની જગાએ ઘૂસી જાય છે !

એટલું જ નહિ, એક મહિના સુધી મુંબઈ પોલીસને ગોળગોળ ફેરવે છે ! છતાં મુંબઈના પોલીસ કમિશનર સુધ્ધાંને ખબર નથી પડતી કે આ કોઈ બીજો છે ! (મતલબ કે ‘સિક્રેટ’ એજન્ટ કેટલો બધો ‘સિક્રેટ’ હતો, નહીં ?)

મુંબઈ પોલીસની આવી બાઘાઈને બેલેન્સ કરવા માટે ફોરેનની પોલીસમાં પણ મોટા મોટા લોચા બતાડવા પડ્યા છે. દાખલા તરીકે ફોરેનનું આખું હાઈ-ફાઈ સિટી ડ્રોન કેમેરા, હેલિકોપ્ટરો, સેટેલાઈટો અને હવામાં ઉડતા સુપરમેનોથી સજ્જ છે છતાં એક 2BHK સાઈઝનો આખેઆખો ખટારો ચાલુ ચેઈઝમાં કઈ સાઈડે વળીને ક્યાં જતો રહ્યો તેની કોઈને ખબર જ નથી ! બોલો.

જોકે સૌથી બેસ્ટ કોમેડી તો વાહનો વડે કરવામાં આવી છે. અહીં બાઈક કરતાં કાર વધારે ફાસ્ટ છે. કાર કરતાં 2 BHK સાઈઝનો ખટારો વધારે ફાસ્ટ છે. અને એ બધાય કરતાં ફાસ્ટ શું છે ખબર છે ? JCB મશીન !!

અરે બોસ, આ જેસીબી મશીન, જે સામાન્ય રીતે ખાડાની માટી ખટારામાં ભરવા માટે વપરાય છે, તે પ્રભાસની સુપરબાઈક પાછળ દોડીને બાઈકને બચકાં ભરવા જતું હોય તેવું બતાડ્યું છે !

આખી ફિલ્મનું બેસ્ટ પાસું અને એડિટીંગ છે. એડિટરે હાથમાં કાતર લઈને વાર્તાની એવી આડેધડ રીતે કાપા-કાપી કરી છે કે છેક છેલ્લે ખબર પડે છે કે બોસ...

ફિલ્મમાં વાર્તા જ ક્યાં હતી ?

***

- મનનું શેખચલ્લી

Comments