શેખર કપૂર કંઈક ટ્વીટ કરે છે અને જાવેદ સાહેબ ટ્વીટર ઉપર એનો ઉઘડો લઈ નાંખે છે ! જોફ્રા આર્ચરે (ક્રિકેટર) 2015માં પૃથ્વી શૉ માટે કંઈક બે શબ્દો લખ્યા હતા તેને આજે ટ્વીટર ઉપર ‘ભવિષ્યવાણી’ માની લેવામાં આવે છે !
અરે, આજકાલ તો પોલિટિક્સ પણ ટ્વીટ કરી કરીને થઈ રહ્યું છે ! જમાનો જ ટ્વીટ અને રિ-ટ્વીટનો છે ! એ હિસાબે…
***
આજકાલ મિડિયામાં ચગી જતી તમામ સ્ટોરીમાં ‘ટ્વિસ્ટ’ નહીં, પણ…
‘ટ્વીટ’ હોય છે !
***
જો રિત્વિક રોશનને બીજા લોકોની ટ્વીટને રિ-ટ્વીટ કરવાની આદત હોત તો…
… એનું નામ રિત્વીક નહીં, ‘રિ-ટ્વીટ’ રોશન હોત !
***
એક ટ્વીટ એવું છે કે જેને મોદી સાહેબ કદી રિ-ટ્વીટ નહીં કરે ! એ છે…
… “સર, ‘આપ’ કે ટ્વીટ જબરદસ્ત હોતે હૈં !”
હવે તો ટ્વીટર ઉપર જ હેપ્પી-બર્થ ડે, હેપ્પી એનિવર્સરી અને હેપ્પી ‘દિવાસો’ પણ ઉજવાઈ જાય છે ! બિચારા વડીલોને ખબર જ નથી….
… કે જુના રીતરીવાજોને બદલે આ નવા ‘ટ્વીટ-રીવાજો’ છે !
***
પંદર પંદર વરસ લગી સતત મૌન રહેલા મનમોહનસિંહને ડોક્ટરોએ સલાહ આપી છે કે…
… સાહેબ, થોડી મેડિકલ ‘ટ્વીટમેન્ટ’ લો !
***
મોદી-ભક્તો અને સૂડો-સેક્યુલરો વચ્ચે જે રોજની એક બીજાને ધિક્કારની ટ્વીટો ચાલતી રહે છે તેને…
… ‘હેટ - ટ્વીટ’ કહે છે !
***
અરે, હવે તો મહિલાઓ પણ તીજ ત્યોહાર બનાવવાને બદલે…
… ‘ટ્વીટ-ત્યોહાર’ મનાવતી થઈ ગઈ છે !
***
જો જો, આ શ્રાવણ મહિના બાદ ભાદરવા મહિનામાં એક તહેવાર આવશે, જેનું નામ છે…
… ‘કેવડા-ટ્વીટ’ !
***
અને રક્ષા-બંધનના દિવસે બહેનો ભાઈઓને મોકલશે…
… સ્વીટ્સને બદલે ‘ટ્વીટ્સ’ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment