લો, શ્રાવણ મહિનો પતી ગયો …
જોકે એના ‘હેંગ-ઓવર’ની અસર હજી થોડા દિવસ ચાલુ રહેશે !
***
દાઢીવાળો શ્રાવણ…
જો તમારો ચહેરો લઘર-વઘર ફકીર જેવો થઈ ગયો હોય, તમારી દાઢી બગીચાને બદલે જંગલની જેમ વધી ગઈ હોય…
દાઢી સફાચટ કરાવવા તમે શનિવાર છોડીને રવિવારે હેર-કટિંગ સૂલનમાં જાવ, અને ત્યાં ‘વેઈટિંગ’માં બબ્બે કલાક બેસી રહેવું પડે…
- તો માનજો કે ‘દાઢીવાળો’ શ્રાવણ નડી ગયો !
***
ફરાળી શ્રાવણ…
જે પેટ ઢીલું-પોચું રહેતું હોય, અંદર ફુગ્ગાના પંપ વડે કોઈએ હવા ભરી રાખી છે એવું લાગતું હોય, વિચિત્ર ઓડકારો આવતા હોય, વિવિધ પ્રકારની ગંધવાળી વા-છૂટ થતી હોય…
- તો સમજો કે તમને ‘ફરાળી’ શ્રાવણ નડી ગયો !
***
જુગારી શ્રાવણ…
બેલેન્સ તળિયે ગયું હોય, ‘ભેદી’ ટાઈપના શખ્સો તમારી પાછળ પડ્યા હોય, રોજ ઘરે તથા ઓફિસે જવાનો રસ્તો બદલી નાંખવો પડતો હોય અને ઘરનાં બારણે ટકોરા પડે કે તરત પેટમાં ધ્રાસ્કો પડતો હોય….
- તો બોસ, ‘જુગારી’ શ્રાવણ તમને નડી ગયો !
***
શ્રધ્ધાળુ શ્રાવણ…
આ મંદી ક્યારે પુરી થાય… આ બજારમાં રૂપિયો ક્યારે ફરતો થાય… બધી ઉઘરાણીઓ ક્યારે પાછી આવે… લેણદારો ક્યારે જીવ ખાતા બંધ થાય…
આવી આવી આશાઓ સાથે તમે જે બાધાઓ રાખી હતી તે હજીયે ફળતી ના દેખાય…
- તો શ્રધ્ધા રાખો, ‘શ્રધ્ધાળુ’ શ્રાવણ તમને જ નડી ગયો છે !
***
ઉપવાસી શ્રાવણ…
વજન ચાર-પાંચ કિલો ઘટી ગયું છે, સ્ફૂર્તિ વધી છે, ભૂખ કકડીને લાગે છે... અને મસાલેદાર વાનગીઓ ઉપર ‘તૂટી’ પડવાનાં હવે તો સપનાં આવી રહ્યાં છે ?
- તો બોસ, ‘ઉપવાસી’ શ્રાવણ તમને ‘હવે’ નડવાનો છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment