થોડા દિવસ પહેલાં ટ્વિટર ઉપર એક નવી ચેલેન્જ ચાલુ થઈ હતી !
કોઈ ધોળિયાએ કરાટેની કીક મારીને સળંગ ત્રણ પાણીની બાટલીઓનાં ઢાંકણાં ખોલી નાંખ્યા. આ જોઈને અક્ષયકુમારે પણ કીક મારીને તેને અપલોડ કરી હતી.
અમે કહીએ છીએ કે થોડી ‘દેશી’ અને ‘કામની’ ચેલેન્જો આપો ને…
***
ગ્રેટ પાણીપુરી ચેલેન્જ
શું તમે આખેઆખું મોં ખોલીને આખેઆખી પાણીપુરી મોંમાં મુકી શકો છો ?
મોંમાં મુક્યા પછી સ્હેજ પણ પાણી ના દદડે એ રીતે ચાવીને ગળે ઉતારી શકો છો ?
અને આ જ રીતે સળંગ એક ડઝન પાણીપુરી ખાઈ શકો છો ?
- જો તમે આમ કરી શકતા હો તો એનો મતલબ છે કે તમે પાન-મસાલા, ગુટકા, જરદા, ખૈની કે તમાકુ જેવી ખતરનાક ચીજોનું સેવન નથી કરી રહ્યા !
કારણ કે આવું વ્યસન રાખનારામાંથી 60 ટકાનાં ડાચાં પુરેપુરાં ખુલી જ નથી શકતાં !
ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ ચેલેન્જ ફેલાવવા જેવી છે…
***
ઊંચી ગરદન ચેલેન્જ
શું તમે તમારું માથું પુરેપુરં ઊંચુ કરીને ડાયરેક્ટલી આકાશ, છત કે બિલ્ડીંગની ટોચ તરફ રાખીને, 1 થી 360 સુધી ગણી શકો છો ?
- આ ચેલેન્જ સાવ સહેલી લાગે છે ને ?
- પણ ચેલેન્જ પાછળનો હેતુ એ છે, મારા જુવાનો દોસ્તો, કે આખો દહાડો મોબાઈલમાં મોં ખોસીને ફર્યા કરો છો તો કમ સે કમ દહાડામાં પાંચ વાર તો ઊંચે જુઓ ?
ગરદનને કસરત મળશે…
***
100 ડગલાં ચેલેન્જ
આ વરસાદની મોસમમાં જ્યાં રોડ ઉપર પાણીનાં ખાબોચિયાં ભરાયાં છે, જ્યાં ને ત્યાં ખાડા પડ્યાં છે ત્યાં…
નીચેની તરફ નજર કર્યા વિના, બિલકુલ સામેની તરફ જ નજર રાખીને સળંગ 100 ડગલાં… પડ્યા વિના, બેલેન્સ ગુમાવ્યા વિના કે ત્રાંસી દિશામાં ફંટાયા વિના જઈ શકો છો ?
- જો તમે એમ કરી શકતા હો તો તમારા શહેરની ‘મ્યુનિસિપાલિટીને’ લાખ લાખ અભિનંદન !
આવો, મ્યુનિસિપાલીટીના એન્જિનિયરો ! ભેગા કરો આવા વિડીયોઝ અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મોકલી આપો !
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment