નામ લીધા વિના... ?!


મોદી સાહેબે ટ્રમ્પ જોડે ફોન પર વાતો કરી, એમાં કહે છે કે, ઈમરાન ખાનનું ‘નામ લીધા વિના’ એમણે કહ્યું કે અમુક લોકો કાશ્મીરમાં જાણી જોઈને અશાંતિ ફેલાવવા માગે છે.

આ મહાનુભાવોને ‘નામ લીધા વિના’ જાતભાતનું બોલવાની ખરી ટેવ પડી ગઈ છે, નહિ !

પરંતુ તમે જોજો, કોઈકવાર આમાં સાવ નાવા નવા લોચા થવાના છે…

- પછી ‘રદિયા’ આપવા પડશે ! જેમ કે…

***

નિવેદન

વડાપ્રધાને રાહુલ ગાંધીનું નામ લીધા વિના કહ્યું હતું કે અમુક વ્યક્તિઓ આધેડ વયની થઈ જાય છે છતાં એમની બુધ્ધિ બાળકો જેવી રહી જાય છે.

રદિયો

કોંગ્રેસીઓએ આનો સખત વિરોધ કરતાં વડાપ્રધાનના કાર્યાલયે ખુલાસો કરવો પડ્યો હતો કે, “ભૈશાબ, એક મેન્ટલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરતી વખતે સાહેબ આવું બોલ્યા હતા !”

***

નિવેદન

રાહુલ ગાંધીએ વિશ્વેશ્વરૈયાનું નામ લીધા વિના કહ્યું હતું કે અમુક વ્યક્તિઓના નામ એટલા અટપટાં હોય છે કે ઉચ્ચાર કરવામાં જીભ ગૂંચવાઈ જાય છે.

રદિયો

આ વાતે સોશિયલ મિડીયામાં રાહુલ ગાંધીના રમુજી ‘મિમ’ ફરતાં થઈ ગયાં હતાં !

છેવટે રાહુલ ગાંધીએ ખુલાસો કરતા કહ્યું હતું કે, “હું વિશ્વૈયા, સોરી વિશ્વેશ્વૈયા, સોરી, વિશ્વેશ્વર રઈયા… સોરી, જે હોય તે, તેમના નામની નહિ, પરંતુ યેદુરપ્પી, સોરી, યેદિરપ્પા, સોરી યેદિયુરપ્પમ્… સોરી, તમે હવે સમજી ગયા હશો કે હું કોનું નામ નહોતો લેવા માગતો !”

***

નિવેદન

(આ ક્લાસિક છે)

પાકિસ્તાનના એક આર્મી જનરલે ‘પોતાનું નામ નહિ આપવાની શરતે’ કહ્યું હતું કે, “જો હું બે વરસની અંદર કાશ્મીરને જીતીને પાકિસ્તાનમાં ના ભેળવી દઉં તો મારું નામ તૂર્રર્રમ ખાન અખલાક ખાન સજ્જાદ નહીં !”

રદિયો

પાકિસ્તાની અખબારોમાં આ નિવેદન શબ્દશઃ છપાયા પછી સખત ગુસ્સે ભરાયેલા એક આર્મી જનરલે રદિયો આપવાની જ ના પાડી દીધી હતી !

***

- મન્નુ શેખચલ્લી

Comments