ગુજરાતમાં પીવાતા અને પકડાતા દારૂ વિશે એટલા બધા સમાચાર એક સાથે બહાર પડી ગયા કે ભલભલા દારૂડિયાનો નશો ઉતરી જાય !
છતાં અમુક દારૂડિયાઓ એ ન્યુઝના નશામાં છે અને ઉપરથી ‘નમકીન’ યાને કે ‘ચાખણું’ ચાખી રહ્યા છે ! જુઓ…
***
દારૂ-ન્યુઝ
ગુજરાતમાં રોજ 35 લાખનો દારૂ પકડાય છે.
ચાખણું – 1
અરે વાહ ! પછી એ પકડાયેલો દારૂ જાય છે ક્યાં ? જરા એડ્રેસ આપો ને યાર…
ચાખણું – 2
અચ્છા, એ પકડાયેલા દારૂને ‘જામીન પર’ છોડાવવો હોય તો શું કરવાનું ? જરા ગાઈડ કરો ને યાર…
ચાખણું – 3
અને, એ પકડાયેલો દારૂ સરકાર ‘વેચે’ છે કોને ? આમાં કંઈ ‘રેશનીંગ’ની દુકાનો જેવું નથી રાખ્યું ?
ચાખણું – 4
અને જો રોજનો 35 લાખનો દારૂ ગટરમાં ઢોળી દેવામાં આવતો હોય તો એ ગટરનું સરનામું આપો, બોસ !
***
દારૂ-ન્યુઝ
છેલ્લા બે વરસમાં દેશી-વિરોધી દારૂ તથા બિયરની કુલ 1 કરોડ, 62 લાખ, 34 હજાર જેટલી બાટલીઓ પકડાઈ.
ચાખણું – 1
એના ગુણ્યા ફક્ત ચાર કરો, તો બોસ, 6 કરોડ 49 લાખ જેટલાં નમકીનનાં પેકેટો ‘પડ્યાં’ રહ્યાં ને !
ચાખણું – 2
તમે પોઝિટીવ સાઈડ પણ જુઓ, આ દારૂ ઉદ્યોગ આપણા કાચ ઉદ્યોગને પણ કેટલું પ્રોત્સાહન આપે છે !
***
દારૂ-ન્યુઝ
ગુજરાતમાં પાણીનો ધંધો માત્ર 7000 કરોડનો છે જ્યારે દારૂનો ધંધો 60,000 કરોડનો છે !
ચાખણું
એટલે જ તો પ્રજા બિચારી બૂમો પાડે છે કે “પાણીની તંગી છે… પાણીની તંગી છે…” ક્યારેય સાંભળ્યું કે ભઈ, દારૂની તંગી છે ?
- સરકારે બુટલેગરોના આ સામાજિક પ્રદાનની કદર કરવી જોઈએ.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment