નિવેદનોમાં ..... ટ્વિસ્ટ !


અમુક નેતાઓનાં, અમુક એક્ટરોનાં, અમુક ક્રિકેટરોનાં કે અમુક સરકારી નિવેદનો સ્ટાન્ડર્ડ જ હોય છે.

અમુક નિવેદનો એવાં હોય છે કે પહેલો શબ્દ વાંચતા જ આખું વાક્ય ‘ઉકલી’ જાય છે !

જોકે અહીં જે નિવેદનોના નમૂના છે એમાં આગળ જતાં અણધાર્યા ટ્વિસ્ટ આવે છે. આ એ ટ્વિસ્ટ છે જે હકીકતમાં કોઈ બોલતું નથી છતાં બધાને ખબર જ હોય છે...

***

નિવેદન :

મારી સામેના આરોપ પુરવાર થાય તો હું જેલમાં જવા તૈયાર છું.

ટ્વિસ્ટ :

... કારણ કે આજકાલ જામીન તો 24 કલાકમાં જ મળી જાય છે !

***

નિવેદન :

જો હું તમને દુષ્ટ, પાપી, હત્યારો લાગતો હોઉં તો મને ફાંસી પર ચડાવી દો...

ટ્વિસ્ટ :

... કારણ કે આમેય વરસમાં માંડ એકાદ વાર ફાંસીની સજા સંભળાવવામાં આવે છે અને ખરેખરી ફાંસી આપતાં તો વરસો નીકળી જાય છે !

***

નિવેદન :

જાણીતી બોલ્ડ અભિનેત્રી કહે છે કે જો રોલની ડિમાન્ડ હશે તો હું કપડાં...

ટ્વિસ્ટ :

... પહેરીને પણ અભિનય કરવા તૈયાર છું !

***

નિવેદન :

અમારી નવી ફિલ્મની વાર્તા બિલકુલ ‘હટ- કે’ છે...

ટ્વિસ્ટ :

... જે અગાઉની બે ડઝન ફિલ્મોની વાર્તાને મળતી આવે છે !

***

નિવેદન :

કોંગ્રેસ પોતાની હારનાં કારણો શોધવા માટે મક્કમ છે...

ટ્વિસ્ટ :

... પરંતુ જે કારણો ઓલરેડી જાણીતાં છે તેને સંતાડવા માટે વધારે મક્કમ છે !

***

નિવેદન :

વધારે પડતું ક્રિકેટ રમવાથી ખેલાડીઓના પરફોર્મન્સ ઉપર ખરાબ અસર પડી રહી છે...

ટ્વિસ્ટ :

... એવું જણાવ્યા બાદ BCCIના અધિકારીએ ભારતીય ક્રિકેટ-ટીમની આગામી સિઝનનો ભરચક ક્રિકેટ-કાર્યક્રમ મિડિયા સમક્ષ રજુ કર્યો હતો !

***

- મન્નુ શેખચલ્લી

 

Comments