લો, કાલે જ સમાચાર હતા અમેરિકામાં બે ઈન્ડિયન છોકરાઓએ એકબીજા જોડે પ્રોપર હિન્દુ વિધિ અને રીત-રિવાજ પ્રમાણે ઠાઠમાઠથી મેરેજ કરી લીધાં !
અરે, મેરેજ પહેલાં પ્રિ-વેડિંગ ફોટો અને વિડીયો શૂટિંગ પણ કરાવ્યું, બોલો.
હવે, જો આવો ટ્રેન્ડ ઈન્ડિયામાં આગળ ફેલાયો તો કેવા કેવા લોચાઓ થવાના ?
***
સૌથી પહેલાં તો છોકરાનાં મા-બાપ છોકરો ‘ઉંમરલાયક’ થાય, ત્યારથી કહેવા માંડશે “ભઈલા, તારો કોઈ બોયફ્રેન્ડ-વોયફ્રેન્ડ હોય તો કહી દેજે હોં ?”
***
પછી કાકા-કાકી, મામા-મામી ટાઈપનાં સગાવહાલાં પૂછપરછ કરવા માંડશે “ભઈ, તમારા-છોકરા માટે છોકરો જોવાનો છે કે છોકરી ?”
***
ત્યાર બાદ, બન્ને ‘પક્ષ’નાં પરિવારો એકબીજાને મળવાનું ગોઠવતી વખતે સૌ સગાવ્હાલાં એકબીજાને ફોન કરતા હશે.
“અલ્યા, આપણે કયા છોકરા તરફથી છીએ ? કન્યાપક્ષના છોકરા તરફથી કે વરપક્ષના છોકરા તરફથી ?”
***
મહેંદી રસમમાં તો સમજ્યા કે જે છોકરો હાથ ઉપર છેક કોણી સુધી અને પગમાં છેક ઢીંચણ લગી મેંદી મુકાવે એ કન્યા પક્ષવાળો છોકરો…
… પણ ગરબા વખતે શું કરવાનું ? કન્યા પક્ષવાળો છોકરો વરપક્ષના માંડવે ગરબા રમવા આવે ત્યારે પોતાની જોડે છોકરીઓને લઈને આવશે કે ‘પોતાના જેવા’ છોકરાઓને લઈ ને ?
***
અરે, લગ્ન વખતે તો ટોટલ કન્ફ્યુઝન થઈ જશે ! દૂર દૂરની ઓળખાણવાળા મહેમાનોને સમજ જ નહિ પડે કે બોસ, આપડે ‘ચાંલ્લો’ લખાવવાનો છે કે ‘કન્યાદાન’ કરવાનું છે ?
***
અચ્છા, જો છોકરાઓ છોકરાઓ જેવાં જ કપડાં પહેરીને પરણવા બસશે તો પેલી ‘ચૂંદડી’ ઓઢાડવાની વિધિ કરવાની કે નહીં ?
***
અને જો ચુંદડીની વિધિ કેન્સલ હોય તો ‘મુંહ-દિખાઈ’નું શું કરવાનું ? છોકરાના મોં ઉપરથી ધાબળો ઉંચકીને એનું ડાચું જોવાનું ?
***
ફાઈનલી, વડીલોએ આશીર્વાદ શું આપવાના ? ‘સદા સુહાગન રહો…’ એવું તો કહી શકાય પણ ‘અષ્ટપુત્રા ભવ…’ એવું કહેવાનું કે નહીં ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment