ગયા બુધવારે જે ‘મેથ્સ’ નામના ખતરનાક સબ્જેક્ટના માનસિક ટોર્ચરની વાત શરૂ કરી હતી તે આગળ વધારીએ…
આ ગણિત જેમ જેમ બાળક મોટું થતું જાય તેમ તેમ બિહામણું અને ‘અ-કળ’ બનતું જાય છે. એમાંય જ્યારે બીજ-ગણિત (અલ્જીબ્રા) શરૂ થાય છે ત્યારે તો એ જે ત્રાસ ફેલાવે છે કે વાત ના પૂછો. આ એક જ ઉદાહરણ પૂરતું છે :
તમને પૂછશે કે આજથી પાંચ વરસ પહેલાં એક બાપની ઉંમર તેના દિકરા કરતાં બમણી હતી પરંતુ આજથી દસ વરસ પછી દિકરાના દાદાની ઉંમરમાંથી દિકરાની ઉંમર બાદ કરો તો તે પિતાની ઉંમર જેટલી હશે. તો બેટમજી, હવે કહો કે બાપ, દિકરો અને દાદાની આજે શું ઉંમર હશે ?
આપણને થાય કે યાર, એ ત્રણે જણાના ફેસબુક પ્રોફાઈલમાં જોઈ લો ને ? એમાં ઉંમર ના લખી હોય તો બોસ, ત્રણેનાં આધારકાર્ડ માગી લો ! પણ આ તે કંઈ રીત છે ?
અને એક મિનિટ. આ ત્રણ જણાની સાચી ઉંમર જાણીને મારે ભવિષ્યમાં શું કાંદા કાઢવાના છે ? શું મારે વસ્તીગણત્રીની ઓફિસમાં નોકરી કરીને બધાની ઉંમરો શોધતા ફરવાનું છે ? અને એ ટણપાઓને પોતાની ઉંમર સીધી રીતે કહેતાં પેટમાં કંઈ ચૂંક આવે છે ?
જસ્ટ ઈમેજિન કરો, પેલો બિચારો કર્મચારી મતદાર કાર્ડ કઢાવવા માટે ઘેર ઘેર જઈને બધાનાં નામ, ઉંમર વગેરે નોંધતો હોય ત્યાં બાપાને પૂછે કે તમારી ઉંમર શું લખવાની ? ત્યાં જ બાપો ત્રાસ ચાલુ કરે કે… “ધારો કે મારી ઉંમર X છે…. અને મારા દિકરાની ઉંમર Y છે…” તો એના લમણે વસ્તી ગણત્રીનો આખો ચોપડો છુટ્ટો મારવાનું મન થાય કે નહીં ?
આ જ બીજ-ગણિતમાં આગળ જતાં તો બાપ, દિકરો, દાદો જેવા ભેજામાં બેસે એવાં ‘ચળિતર’ પણ નથી રહેતાં, અચાનક જ X2-Y2(a+b+bc)3 – 3ab ÷ 4xy એવી રહસ્યમય કોડ-લેંગ્વેજ ચાલુ થઈ જાય છે ! સાલું, સમજ જ ના પડે કે આ બધા ગુણાકાર, ભાગાકાર, વર્ગ, વર્ગમૂળ, કૌંસ, કૌંસ બહાર આવું બધું આપણે શું લાડવા લેવા માટે કરી રહ્યા છીએ ?
(હવે યાદ આવ્યું ? છેક બાળપણમાં ચાર ચોકલેટમાં બીજી ચાર ચોકલેટ ઉમેરી આપવાની લાલચ આપીને તમને છેક ક્યાં સુધી ઘસડી લાવ્યા ?)
આ XYZ, abcમાં લાડવા તો શું નાની લાડુડી પણ મળવાની નથી છતાં દિમાગમાં ઘૂસી ગયેલાં તમરાંની માફક આ મેથ્સ કેવું રમખાણ મચાવી મુકે છે ?
ના ના, તમે મને કહો, ધીરુભાઈ અંબાણીએ જ્યારે કાપડના તાકાનો ધંધો શરૂ કર્યો હશે ત્યારે શું કોઈ વેપારીએ એમને એમ પૂછ્યું હશે કે “ધીરૂભાઈ ધારો કે મારી પાસે x ભાવના y જેટલી સંખ્યાના તાકા છે. તેમાંથી x-22 જેટલા તાકા જરા ઝાંખા કલરના છે… અને ફલાણાનું ઢીંકણું છે તે અડધું છે અને ઢીંકણામાં પાંચ ઉમેરીએ તો ફલાણાનું ઢીંકણું પોણું થઈ જાય છે ! તો… ધીરુભાઈ બોલો, તમારે મને કેટલા રૂપિયા આપવાના થયા ?”
ઓકે. હું માનું છું કે ઈસરોએ જે ચંદ્રયાન અવકાશમાં મોકલ્યું એ બનાવવામાં આવી બધી ગણત્રી (કદાચ) કામમાં આવતી હશે, પણ મારા ભૈ, ગુજરાતમાં 10માં ધોરણમાં ભણતાં 9 લાખ જેટલાં કુમળાં બાળકોને તમારે ઈસરોના વૈજ્ઞાનિકો જ બનાવી નાંખવાના છે ?
અને જો ઈસરોમાં માંડ 9 ગુજરાતીઓને નોકરી મળવાની હોય તો દર વરસે 8,99,991 નાદાન છોકરાંઓ ઉપર આવો જુલમ શા માટે ગુજારો છો ?કંઈ નહિ તો છેવટે ચાઈલ્ડ-સાયકોલોજીના એંગલથી તો વિચારો ?
જે છોકરું પાંચ વરસથી પંદર વરસનું થાય ત્યાં લગી સતત ‘તું ડોબો છે’ ‘ગધેડો છે’ ‘ડફોળ છે’ ‘બુધ્ધિનો બારદાન છે’ ‘નકામો છે’… સતત એવું જ સાંભળી સાંભળીને મોટો થયો હોય એનો સેલ્ફ-કોન્ફિડન્સ તોડી નાંખવામાં આ ‘મેથ્સ’નો ફાળો કેટલા ટકા છે ? (અને ભૈ આ ‘દાખલો’ નથી, મોટો ‘સવાલ’ છે !)
અચ્છા, મને માત્ર બે જ સવાલના જવાબ આપો.
(1) અત્યારે આ ઉંમરે તમે જે કંઈ કામધંધો કરો છો એમાં 9 થી 12 ધોરણનું મેથ્સ તમને કયે દહાડે કામમાં આવે છે ?
....અને (2) સમોસું ટ્રિગોનોમેટ્રીના કયા સિધ્ધાંત વડે બનેલું હોય છે ?
- મન્નુ શેખચલ્લી
એકદમ સાચી વાત, હસતા રમતા...
ReplyDelete