'મરીઝ' સાહેબની માફી સાથે !


બસ દુર્દશાનો એટલો

આભાર હોય છે,

દેવાળું ફૂંકનારા ઘણા

માલ્યા ય હોય છે !

***

ટોળે વળે છે કોઈની

દિવાનગી ઉપર

‘મિડીયા’ના લોકો કેવા

સમજદાર હોય છે !

***

ઝંખે મિલનને કોણ

જો એની સજા કહું,

ફેસબુક પર જેના

ફેક-પ્રોફાઈલ હોય છે !

***

જાણે છે સૌ ગરીબ

કે વસ્તુ ઘણી ‘મરીઝ’

બોંત્તેર હજારથી યે

નિરાકાર હોય છે !

***

લેવા ગયો જો પ્રેમ

તો વહેવાર પણ ગયો,

ડાચુ રંગાયું, હોળીનો

તહેવાર પણ ગયો !

***

એની બહુ નજીક જવાની

સજા મળી છે એ,

મળતો હતો જે દૂરથી

એનો ભાઈ ઓળખી ગયો !

***

રહેતો હતો કદી કદી

જુલ્ફોની છાંવમાં,

પરમેનેન્ટ ગણાતી ડાઈનો

રંગ પણ ગયો !

***

સંગતમાં જેની સ્વર્ગનો

આભાસ હો સદા,

એ બાટલી તો ગઈ

પછી, બૂચ પણ ગયો !

***

સાકી છે સ્તબ્ધ જોઈ

નશાની ગાઢ ઊંઘ,

નશાબંધીનો સાહેબ

ટ્રકમાં જ લૂડકી ગયો !

***

કેવી મજાની ટ્વિટરની

દિવાનગી હશે,

જ્યાં ‘મરીઝ’ જેવો મર્દ

‘ફોલોઅર’ પણ થયો !

***

બસ એટલી સમજ મને

પરવર દિગાર દે,

પરવળ અને ટિંડોળાનો

ફર્ક જાણનાર દે !

***

પીઠામાં મારું નામ

સતત હાજરીથી છે,

ઘરમાં પીઉં તો, કોણ

મને ઉધાર દે !

***

નવરાશ છે હવે

જરા સરખામણી કરું,

સેલ્ફી તો લઈ લીધી

આધારકાર્ડ દે !

***

આવીને આંગળીમાં

ટકોરા કહી ગયા,

ખરી ગયા છે વાળ

ટોપા, ટાલમાં તાલ દે !

***

આ નાનાં નાનાં દર્દ તો

થાતાં નથી સહન,

કોઈ મોટું મેડિ-ક્લઈમ

કરી આપનાર દે !

***

દુનિયામાં કંઈકનો હું

કર્ઝદાર છું ‘મરીઝ’

નીરવ મોદી શી આવડત

બસ, એકવાર દે !

***

જ્યારે કલા, કલા નહીં

જીવન બની જશે,

ત્યારે સેક્સ-ચેન્જની

સર્જરી થઈ હશે !

***

જે કંઈ હું મેળવીશ

હંમેશાં નહીં રહે,

જે કંઈ તું આપશે

એ ‘લોન’ થઈ જશે !

***

આંખો મીંચીને ચાલશું,

અંધકારમાં ‘મરીઝ’

ખુલ્લી ગટરમાં કવિની

સવાર થઈ જશે !

***

મુજ પર સિતમ કરી ગયા

મારી ગઝલના શેર,

પેરોડીમાં જીવે છે

હજી ‘કષ્ટમ્’ના ત્રાસમાં !

***

- મન્નુ શેખચલ્લી

Comments

  1. Waah wow !! maza aavi gayi!
    Indeed very creative!

    ReplyDelete

Post a Comment