મહિલા T20 ને 'સિરિયલ ટચ' આપો !


ટીવીમાં આવતી સિરિયલો સૌથી વધુ કોણ જુએ છે ? મહિલાઓ, રાઈટ ?

તો પછી હાલમાં જે IPL સ્ટાઈલની T20 ક્રિકેટ મેચો રમાઈ રહી છે તે કેમ નથી જોવાતી ? કારણકે એમાં બહેનોને જકડી રાખતાં ‘તત્ત્વો’ ખૂટે છે.

ગઈકાલે અમે T20 મેચોને ગ્લેમરથી ભરપૂર બનાવવાના અમુલ્ય આઈડિયાઝ આપ્યા હતા. એનાથી પુરુષ પ્રેક્ષકો તો વધી જ જવાના, પણ મહિલા પ્રેક્ષકોનું શું ?

શું બહેનોને નો-બોલ, ફ્રી-હિટ, ઓબ્સ્ટ્રક્ટીંગ ધ ફિલ્ડ… એવી બધી જફાઓમાં જરાય રસ પડે ખરો ? ના જ પડે ને ! એટલે જ અમે આવી મહિલા T20 મેચોને ‘સિરિયલ-ટચ’ આપવાનું કહીએ છીએ. દાખલા તરીકે…

***

સસ્પેન્સ ઊભું કરો…

મેચને ટર્નિંગ પોઈન્ટ વખતે જ અટકાવી દો ! પછી કહો : “આગે જરૂર દેખિયે… ક્યા મિતાલી રાજ રન-આઉટ થી ? યા ફિર પરમવીર કૌર કી યે કોઈ ચાલ થી ?”

***

ઝગડા કરાવો…

આ બધી સિરિયલોના 300-500 એપિસોડો કેમ થાય છે ? કારણકે એમાં ‘ઝગડા’ ચાલે છે !

એ જ રીતે મેચમાં ઝગડા થવા દો ! ‘આઉટ’ની અપીલ વખતે અંપાયરો કશું બોલશે જ નહિ. (‘કોમા’માં જતી રહેલી કોઈ મૌસીજીની જેમ.) દરમ્યાનમાં ઝઘડો થવા દો !

***

એ તો ઠીક, બે ઈનિંગ વચ્ચેના બ્રેકમાં તથા સ્ટ્રેટેજિક ટાઈમ-આઉટ વખતે પ્લેયરોને સામસામી ચોપડાવવા દો… “મૈં તેરી ચાલ ખૂબ સમજતી હું…. તૂ અંપાયર સે મિલી હુઈ હૈ !”

***

બ્રાન્ડ પ્રમોશન કરો…

મેદાન જેટલું જ ધ્યાન ડ્રેસિંગ રૂમ ઉપર આપો ! ફલાણી પ્લેયર કયું સન-સ્ક્રીન લોશન લગાડે છે ? ઢીકણી વિકેટ-કિપલ ગ્લોવ્ઝ પહેરવાથી હથેળીમાં જે છાલાં પડે છે તેનાથી બચવા કયું ક્રીમ વાપરે છે ?

- જોયું ? જાહેરખબરો આવતી થઈ ગઈ ને !

***

અને છેલ્લે….

અંપાયર, થર્ડ અંપાયર, કોચ, ટ્રેઈનર, સિલેક્ટર, કોમેન્ટેટરો, ક્રિકેટ બોર્ડના મેમ્બર… આ તમામ જગાઓ ઉપર મહિલા ક્રિકેટરોની સાસુઓ, નણંદો, જેઠાણીઓ, ભાભીઓ અને વિધવા ફોઈ-સાસુઓની નિમણૂંક કરી દો !

પછી જુઓ મઝા ! ઓફ-ધ-ફિલ્ડ પ્રોગ્રામો પણ ઊંચા TRP લાવશે…

***

- મન્નુ શેખચલ્લી

Comments