બાકી રહી ગયેલા ઓસ્કાર એવોર્ડ !


આમ તો ઑસ્કાર એવોર્ડો ફેબ્રુઆરીમાં આવે છે. તો પછી એનું અત્યારે મે મહિનામાં શું છે ?

પણ યાર, તમે મને કહો, 2019માં જે ફિલ્મોને ઑસ્કાર મળ્યા એમાંથી તમે કેટલી જોઈ ? અરે, એ છોડો, કેટલી ફિલ્મોનાં ‘નામ’ તમને યાદ છે ?

બસ, આ જ લોચો છે ! ઑસ્કાર એવોર્ડ એનાઉન્સ થાય ત્યારે આપણા દેશીઓ ઘેલા ઘેલા થઈ જાય છે. છાપામાં અડધા-અડધા પાનાં ભરીને ફોટા છપાય છે. ટીવીમાં તો આખો ઑસ્કાર એવોર્ડ સેરેમની ટેલિકાસ્ટ થાય છે. (જોકે, આપણે આપણા પેકેજમાં સ્ટારવર્લ્ડ HDના રૂપિયા ભર્યા ના હોય એટલે જોવા મળે નહિ.)

તોય, એ ફિલ્મો કેટલી મહાન છે એના લેખો છપાય છે ! ‘જોવાની’ વાત એ છે કે એમાંની 99 ટકા ફિલ્મો આપણે કદી ‘જોઈ’ જ  નથી હોતી !

આ હિસાબે અમને લાગે છે કે દર વરસે મે મહિનામાં ઑસ્કારના થોડા ભૂલાઈ ગયેલા એવોર્ડો જાહેર કરવા જોઈએ...

***

મોસ્ટ અન-નોન’ ઑસ્કાર વિનર ફિલ્મ ઓફ  ધ યર

યાર, જે ફિલ્મ આપણે જોઈ નથી, બાપ જન્મારામાં કદી જોવાના નથી, જેનું નામ આપણે ફેબ્રુઆરી પહેલાં જાણતા નહોતા, જેનું નામ હજી મે મહિનામાં આપણને યાદ નથી અને જે ફિલ્મ વિશે આવતા વરસના મે મહિના લગી ક્યાંય વાંચવા સાંભળવા મળવાનું નથી એવી બેસ્ટ ફિલ્મને આ એવોર્ડ આપી દો !

અને એક શું કામ, એવી અડધો ડઝન ફિલ્મોને એવોર્ડ આપને ? શું ફેર પડે છે ?

***

મોસ્ટ ડિફીકલ્ટ ઑસ્કાર વિનર ફિલ્મ

મોટા ભાગની ઑસ્કાર વિજેતા ફિલ્મો આપણને સમજાતી નથી. (સબ-ટાઈટલ્સ વાંચવા જેટલું અંગ્રેજી આવડતું હોય છતાં સમજાતી નથી.) એટલે જે ફિલ્મોમાં કોઈને કશીયે ટપ્પી ના પડે એને આ એવોર્ડ આપી દો.

***

મોસ્ટ ડિફીકલ્ટ ટુ પ્રોનાઉન્સ ફિલ્મ-નેમ ઈન ઓસ્કાર સેરેમની

ફિલ્મો તો અઘરી હોય જ છે, પણ અમુક ફ્રેન્ચ, હંગેરીયન,
સ્પેનિશ, ચાઈનિઝ, કોરિયન, આલ્બેનિયન ફિલ્મોનાં નામોનો ઉચ્ચાર પણ બહુ અઘરો હોય છે. આવી એકાદ ફિલ્મના નામનો માત્ર ‘સ્પેલિંગ’ જોઈને એકાદ એવોર્ડ આપી દો.

***

મોસ્ટ એવોર્ડ વિનર ઑસ્કાર વિનર ફિલ્મ

અમુક ફિલ્મો એવી હોય છે જેને માત્ર ઑસ્કારમાં જ નહિ પણ પેરિસ, મોસ્કો, લંડન, ટોરેન્ટો, કાન્સ, બર્લિન વગેરે ડઝન ઠેકાણેથી એવોર્ડો મળ્યા જ કરતા હોય છે. ઘણી વાર તો આવી ફિલ્મોને પ્રેક્ષકો મળે એના કરતાં એવોર્ડો વધારે મળી જતા હોય છે.

તો યાર, એમને ય એક વધારે એવોર્ડ આપો ને !

***

મોસ્ટ ફેમસ સોશિયલ મિડીયા’ ઑસ્કાર વિનર ફિલ્મ ઈન ફેસબુક એન્ડ વોટ્સએપ

આ એવોર્ડનું નામ જેટલું લાંબુ છે એટલી જ એની દાવેદાર ફિલ્મો ટુંકી હોય છે. ત્રણ મિનિટની, પાંચ મિનિટની અમુક એવી મહાન ફિલ્મો છે જે માત્ર તમારા મોબાઈલમાં જ જોવા મળે છે ! (એમાં વળી અમુક ટચૂકડી ફિલ્મને બનાવવામાં તો 20 વરસ લાગ્યાં હોય છે.)

હકીકતમાં બિચારા ઑસ્કારવાળાને પણ ખબર નથી હોતી કે એમણે આ ફિલ્મોને ક્યારે એવોર્ડ આપ્યા ? એટલે, આપણે આપો.

***

બેસ્ટ ઑસ્કાર ગાઉન ઓફ ધ યર

તમે માર્ક કરજો, એવોર્ડ સમારંભમાં આવતી હિરોઈનના ગાઉનમાં છ-છ, સાત-સાત મીટર કાપડ વાપરવા છતાં જે ઢાંકવાનું હોય છે એ તો ઉઘાડું જ હોય છે !

આ બધા ગાઉનમાંથી જેના વડે સૌથી સારી ‘સાફ-સફાઈ’ થઈ હોય તેમને ‘સ્વચ્છતા એવોર્ડ’ અપાવો... મોદી સાહેબના હાથે !

- મન્નુ શેખચલ્લી

Comments