આજકાલ ફ્રાન્સમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. 25 મે સુધી ચાલશે...
અને 25 મે સુધી આપણને દિપિકા, કંગના, પ્રિયંકા અને સોનમ કપૂરના જુદા જુદા ગાઉન્સ જોવા મળશે !
કોણે કહ્યું કે કાન્સ એક ફિલ્મ ફેસ્ટિવલ છે ? અરે બાબા, એ તો ગાઉન્સ-ફેસ્ટિવલ છે !
તમે દિપિકાનો પેલો ગાઉન જોયો ? (મતલબ કે એનો ફોટો જોયો ?) જાણે પોપટનાં આર્ટિફીશીયલ પ્લાસ્ટીકનાં પીંછાંઓ ભેગાં કરીને કોઈ જેલી-ફીશ બનાવવાની કોશિશ કરી હોય.
ગાઉન એટલો લાંબો ચોડો છે કે બિચારી જેલી-ફીશ પણ પાણીમાં જ ડૂબી જાય.
આ ગાઉન મેં તો બહારથી જ જોયો છે. (ફોટામાં) પણ એની સાઈઝ એટલી વિશાળ છે કે અંદરથી જોવા માટે તમારે કોઈ ગાઈડ રાખવો પડે !
(એ પણ ત્યારે, જ્યારે દિપિકાએ ગાઉન ના પહેર્યો હોય, સમજ્યા ?)
રણવીર સિંહે, એના પતિએ, ઇન્સ્ટાગ્રામ ઉપર કોમેન્ટ કરી છે “વાઉ ! અન-ફ્રિકીંગ રિયલ ! ધીસ લુક ઈઝ ઈનસેન !”
આનો અનુવાદ આમ થાય : “વાહ ! અ-વિચિત્રપણે વાસ્તવિક ! આ દેખાવ ગાંડો છે !”
(હવે તમે જ નક્કી કરો કે રણવીર અને દિપીકામાંથી ‘પાગલ’ કોણ છે અને ‘અ-વિચિત્ર’ કોણ છે!)
વરસે-વરસે એ ગૂંચવાડો વધતો જ જાય છે કે ભઈ, આ ફિલ્મોનો ફેસ્ટિવલ છે કે ગાઉનનો ? લોકો અહીં પોતાની ફિલ્મો બતાડવા આવે છે કે પોતાના દરજીની હોંશિયારીઓ ?
ઈન્ડિયામાંથી આ વરસે એક પણ ફિલ્મ કાન્સની એવોર્ડ હરિફાઈમાં નથી પણ ત્યાં કમ સે કમ છ હિરોઈનો બે ડઝન ગાઉનની એન્ટ્રીઓ લઈને પહોંચી ગઈ છે !
એમના દરજીઓ પણ કેવા હશે નહિ ? દિપિકા પૂછતી હશે. માસ્ટરજી, એક ગાઉન સીવડાવવાનો છે, કેટલું કાપડ જોઈશે ? ટેલર-માસ્ટર કહેશે “બે ચાર તાકા મંગાવી લો ને ?”
આ જ હિરોઈનો સ્નાન દ્રશ્યો માટે કટ-પિસ કાપડની વધી ઘટી ચીંદરડીઓથી કામ ચલાવી લેતી હોય છે. પણ ના... કાન્સમાં ગરીબ દેશોની હીરોઈનોએ કંઈ ‘ગરીબીનું’ પ્રદર્શન કરાતું હશે ?
આ બધી ગાઉનધારી હિરોઈનો રેડ-કાર્પેટ પર ચાલવા માટે આવે છે ત્યારે લાંબી મેટ્રો-રેલ જેવડી કારોમાં શા માટે આવે છે એ સમજાય એવું છે. એક ખૂણામાં પોતે બેસે અને બાકીના 25 ચોરસ મીટર વિસ્તારમાં ગાઉનને બેસાડવાનો હોય છે.
મને અચરજ હંમેશાં એ વાતનું થાય છે કે બહેન, પછી અંદર ઓડિટોરિયમમાં જઈને તું સીટ ઉપર કેવી રીતે બેસે છે ? ગાઉનને ગડી વાળીને, એની ઉપર ? તો બહેન, તું ખુરશીમાંથી ગબડી ના પડે ?
કહે છે કે દૂધીની છાલની છીણમાંથી બનાવ્યો હોય એવો દિપિકાનો ગાઉન હંમેશાં ‘શેઈપ’માં રહે એ માટે અંદર જાતજાતની પ્લાસ્ટીકની ક્લીપો, ડંડીઓ અને સ્પ્રીંગો ગોઠવવામાં આવી છે !
- બોલો, આ બધી ક્લીપો, સ્પ્રીંગો અને ડંડીઓ દિપિકા બહેન સીટમાં બેસે ત્યારે વાગતી નહીં હોય ?
અને આ બધી હિરોઈનોના ગાઉનો વિમાનમાં શી રીતે લઈ જતા હશે ? જેટ – એરવેઝ વહેલી બંધ થઈ ગઈ, બાકી એમનાં કાર્ગો-પ્લેનોને બહુ મોટો ધંધો મળ્યો હોત, નહિં ?
અગાઉ બિચારા ફિલ્મમેકરો પોતાની ફિલ્મોના ડબ્બાઓ લગેજમાં લઈ જતા હતા, આજે એ ‘બોજ’ હિરોઈનોએ ઉપાડી લીધો છે.
અચ્છા, કાન્સ-બાન્સ પતી જાય પછી શું ? આવા તંબૂ જેવા ગાઉન બીજે ક્યાં પહેરવાના ? અરે, ભૂલેચૂકે પહેરે તો બીજી હિરોઈનો કોમેન્ટો કરે, “જો ને, પેલી કેટલી કંજૂસ છે ?”
તો પછી આ બધા ગાઉન જાય ક્યાં ?
પ્યાલાબૈણીઈઈઈઈ....?
સિરીયસલી, આ તમામ હિરોઈનોને તમે પૂછી જોજો “મેડમ, તમે શું માનો છો, આજની નારી શું એક નુમાઈશની ચીજ બની ગઈ છે ?”
સવાલ અઘરો છે નહીં ?
ચાલો, અઘરા સવાલો નહિ પૂછવાના, પણ સ્ટુપિડ સવાલ તો પૂછાય ને ? કે... “આ એક ગાઉનને ધોવા માટે એક જ વોશિંગ મશીન જોઈએ કે બે પાર્ટ કરીને બે વોશિંગ મશીનોમાં નાંખવા પડે ?”
અને હા, દિપિકાએ જે માથા ઉપર પાઘડી જેવું પહેર્યું હતું એ શું હતું ?
મહેસાણાના બકાએ તરત જવાબ આપ્યો. “અલ્યા, દૂધીનું ડીચું હતું !”
***
- મન્નુ શેખચલ્લી
Sauthi vichitr Priyanka no look hato...
ReplyDelete