વર્લ્ડમાં બેસ્ટ નોકરી કઈ ?
ચોકીદારની ? (ડ્યૂટી પર ઊંઘવા મળે...)
પાઈલોટની ? (વિમાનને ‘ઓટો’ મોડ પર મુકીને બેસી રહેવાનું)
સ્ટીમરના કેપ્ટનની ? (સરસ મઝાનો ગણવેશ પહેરીને ફર્યા કરવાનું.)
ના ! બેસ્ટ નોકરી તો ‘સાંસદ’ની છે ! પેલી ત્રણ નોકરીમાં જો કંઈ દુર્ઘટના બની તો તમારું આવી બને, પણ સાંસદને કંઈ જ ના થાય !
એ સિવાય પણ આ નોકરીમાં બધું જ ઊંધું છે ! કઈ રીતે ? સાંભળો...
***
જુઓ, આ એક જ નોકરી એવી છે જ્યાં નોકરી આપનારા (એટલે કે પ્રજા) ઘેરે બેઠા છે..
અને નોકરી માગનારા (ઉમેદવારો) ગલીએ ગલીએ ફરતા હોય છે.
***
બીજું, એકવાર આ નોકરી લાગી ગઈ...
પછી પાંચ વરસ સુધી માલિકો (પ્રજા) તમને નોકરીમાંથી કાઢી શકતા નથી !
***
ત્રીજું, નોકરી મળી ગયા પછી તમે શું કામ કર્યું ? કેટલું કર્યું ? ક્યાં કર્યું ?....
માલિકોને કોઈ હિસાબ આપવાનો નથી !
***
ચોથું, કામ કરવાના કોઈ ફિક્સ કલાકો નથી ! ફિક્સ ઓફિસ નથી !
હા, હાજરી ખરી, પણ એ તો પાર્લામેન્ટ ચાલતી હોય એટલા દહાડા... ત્યાર બાદ, દાઈનો ઘોડો છુટ્ટો !
***
નોકરીમાં વિકાસ હંમેશાં નોકરીયાતનો જ થાય છે છતાં નોકરી માગતી વખતે ઉમેદવારો માલિકને કહે છે ...
“તમારા જ વિકાસ માટે હું કામ કરવાનો છું !”
***
આ એક જ એવી નોકરી છે જ્યાં નોકરી આપનારા લોકો ગરીબ છે અને નોકરી માગનારા લોકો ઓલરેડી અમીર છે.
***
કામ શું કરવાનું એ નક્કી જ નથી છતાં નોકરીયાતને તગડો પગાર અને ઊંચા ભથ્થાં મળે છે ! બોલો.
***
અરે, વરસે બે કરોડ રૂપિયા ‘વાપરવા’ મળે છે ! (ફક્ત નામ અલગ છે... ‘વિકાસ કાર્ય’ !)
***
અને સાંસદે કશું જ ના કર્યું હોય છતાં એનું ‘નામ થઈ જાય છે’… બાંકડા ઉપર !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment