આવો કેવો એક્ઝિટ-પોલ ?


લો, એક્ઝિટ-પોલ આવી ગયો !

પણ આ ‘એક્ઝિટ-પોલ’ એટલે શું ? સિનેમા હોલની EXITમાંથી બહાર નીકળતા બે ચાર પ્રેક્ષકોને તમે પૂછો કે ‘ભઈ, શું લાગે છે ? ફિલમ ચાલશે ?’

અને જે જવાબ મળે એમાંથી ટ્રેડ-પંડિતો જાહેર કરે કે બોસ, ચારમાંથી ત્રણ જણાને ફિલ્મ ગમી છે એ હિસાબે 200 કરોડનો વકરો તો પાકો !

આ EXIT POLLનું પણ અમને તો આવું જ લાગે છે ! નહિતર એક એજન્સી NDAને 277 સીટો આપે અને બીજી 365 આપે એવું શી રીતે બને ?

ભઈલા, 88 સીટનો ડિફરન્સ ?

આમાં તો બે આખેઆખી કોંગ્રેસ પાર્ટીઓ લોકસભામાં આવી જાય !

***

અમુક એજન્સીઓ કૌંસમાં લખે છે... પ્લસ-માઈનસ 14 સીટ... બોલો, આમાં શું શું સમજવાનું ? પ્લસ 14 અને માઈનસ 14 ભેગા કરો એમાં તો આખું 26 સીટવાળું ગુજરાત રાજ્ય ઘૂસી જાય !

- હદ થઈ ગઈ, આખે આખું ગુજરાત રાજ્ય “વધઘટ લેવી-દેવીમાં” ગણી નાંખ્યું ?

***

અમને તો વિચાર આવે છે કે બારમાની બોર્ડ એક્ઝામનાં પણ EXIT POLL બહાર પડવા જોઈએ...

બાબો વટથી કહેશે “પપ્પા, જુઓ મારા 94 પરસેન્ટ આવવાના છે ! ચલો, આઈસ્ક્રીમ મંગાવો !”

પછી રિઝલ્ટમાં 49 ટકા આવીને ઊભા રહે તો બાબો વિરોધપક્ષની જેમ ટણીથી કહી શકે કે “પપ્પા, ત્યાં બોર્ડમાં ગડબડ છે ! સપ્લીમેન્ટ્રીઓ બદલાઈ જાય છે !”

***

બારમાની એક્ઝામ પછી થાય છે શું, કે બધા બાબાને પૂછ પૂછ કરે છે “બેટા, પાસ તો થઈ જઈશ ને ? પાસ તો થઈ જઈશ ને ?”

એ જ રીતે આ એજન્સીવાળાઓ પૂછતા હશે “આયેગા તો મોદી હી ના ? આયેગા તો મોદી હી ના?”

- એમાં ને એમાં NDAની સીટો વધી ગઈ હોય એવું ના બને ?

***

પણ સો વાતની એક વાત...

બધા રાજકીય પક્ષોએ બોધપાઠ લેવાની જરૂર છે કે એક્ઝિટ પોલ અને રિઝલ્ટ વચ્ચે ‘પરસેન્ટાઈલ’ અને ‘પરસેન્ટેજ’ 
જેટલો ફરક તો રહેવાનો જ !

***

- મન્નુ શેખચલ્લી

 

Comments