હાશ ! આખરે આજે 2019ની ઐતિહાસિક ચૂંટણીઓનું છેલ્લું મતદાન પુરું થયું.
આ વખતની ચૂંટણીઓમાં બધું બે ટાઈપનું હતું ! જુઓ…
***
બે ટાઈપનાં મતદાન
(1) શાંતિપૂર્ણ મતદાન અને (2) અશાંતિપૂર્ણ મતદાન
- આમાં થયું એવું કે જ્યાં શાંતિપૂર્ણ મતદાન થયું ત્યાં માત્ર અધિકારીઓને શાંતિ થઈ.
- અને અશાંતિપૂર્ણ મતદાન થયું ત્યાં અમુક નેતાઓને શાંતિ થઈ !
***
બે ટાઈપનાં ભાષણો
(1) વિવાદાસ્પદ ભાષણો અને (2) મનોરંજક ભાષણો
- આમાં મોટાભાગનાં ભાષણો પછી વિવાદ જ થયા.
- માત્ર એક રાહુલ ગાંધીના ભાષણોમાંથી લોકોને મનોરંજન મળતું રહ્યું !
***
દંડનીય કાર્યવાહી
(1) અડતાળીસ કલાક ચૂપ રહેવાની સજા અને (2) હંમેશ માટે ચૂપ રહેવાની સજા
- આમાં 48 કલાક ચૂપ રહેવાની સજા ચૂંટણીપંચે કરી .
- પણ હંમેશ માટે ચૂપ રહેવાની સજા ભાજપે કરી... અમુક વડીલોને ટિકિટ જ ના આપી !
***
વોટ ફોર કેશ
(1) બસ્સો-પાંચસો રૂપિયા વોટદીઠ અને (2) બોંતેર હજાર રૂપિયા કુટુંબ દીઠ
- આમાં પેલા 200-500 રૂપિયા તો આપવા પડ્યા
- પણ 72000ના તો ખાલી વાયદા જ કર્યા !
***
મતદાનની ટકાવારી
(1) સૌથી ઓછું મતદાન કાશ્મીર અને (2) સૌથી વધારે મતદાન… આંદામાન.
- આમાં તો જબરું થયું ! જ્યાં સૌથી વધુ મતદાન થયું ત્યાં માત્ર 1 બિન-મહત્વની સીટ છે
- અને જ્યાં સૌથી ઓછું મતદાન થયું એને ‘સ્પેશીયલ રાજ્ય’નો દરજ્જો મળ્યો છે ! વાહ રે લોકશાહી…
***
વિદેશી ટુરિસ્ટો
ટુરિસ્ટો એક જ ટાઈપના હતા… બિચારા !
- કારણ કે એમને ‘નીચ’ ‘ચોર’ ‘જુઠ્ઠા’ ‘બંડલબાજ’ ‘મોતના સોદાગર’ ‘ગદ્દાર’ ‘દલાલ’… જેવા દેશી શબ્દોના શું અર્થ થાય તેની ખબર જ નહોતી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment