કહાની 'કલંક' કી... !


‘કલંક’ ફિલ્મ જો તમારાં નસીબમાં હશે તો તમારે જોવી જ પડશે. નસીબમાં, ફિલ્મ જોતાં જોતાં ઊંઘવાનું લખ્યું હશે તો સરસ ઊંઘ પણ આવી જશે. (મારી બાજુની સીટવાળા સજ્જન તો નસકોરાં બોલાવતાં હતાં ! બોલો, નસીબ કહેવાય ને ?) બાકી, તમે જોઈ હોય કે ના જોઈ હોય, એની સ્ટોરી અમે જે રીતે તમને કહીશું, એ વાંચીને તો ઊંઘ નહિ જ આવે ! પ્રોમિસ...

***

આલિયા ભટ્ટને નાનપણથી કપાયેલી પતંગો પકડવાનો શોખ હોય છે. એ ગાયન ગાતી ગાતી ‘ધૂળેટીમાં’ ય પતંગ પકડવા દોડતી ફરે છે ! ગામની પતંગ કપાઈને છેક ડુંગર ઉપર જતી રહે તો ત્યાં જઈને, પતંગ પકડીને જાણે એવરેસ્ટ ચડી નાંખ્યો હોય એટલી હરખાય છે !

આ આલિયાને સોનાક્ષી સિંહા સખત ‘મોંઘી કટી-પતંગ’ના રૂપમાં હાથ લાગી જાય છે કારણ કે સોનાક્ષી બહુ મોટા ચૌધરી ખાનદાનની વહુ છે. એ એકાદ વરસમાં મરી જવાની છે. સોનિયા આલિયાને પોતાના માલિયા (યાને કે આદિત્ય રોય કપૂર) જોડે પરણાવી નાંખે છે.

મૂળ શું છે, કે સોનાક્ષીનાં કોઈ સગા-વ્હાલાં છે જ નહિ એટલે લગનમાં મહારાજ સિવાય કોઈ નથી હોતું ! એ તો ઠીક, પેલું ચૌધરી ખાનદાન પણ એટલું ગયેલું છે કે સોનાક્ષી મરી જાય છે ત્યારે ધણી અને સસરો એમ ફક્ત બે જ જણ પહાડ ઉપર જઈને એની ચિતા સળગાવી આવે છે !

બોસ, ઘરમાં બેસણું પણ નહિ ! હોલ આખો ખાલી બતાડ્યો છે અને આલિયા એની કાળી સાડી મારબલનાં પગથિયાં પર સાડીની જાહેરખબરની જેમ પાથરીને એકલી એકલી રડે છે. બોલો.

અચ્છા, આ બધું બને છે ક્યાં ? તો કહે છે કે પાકિસ્તાનમાં, લાહોરની પાસે આવેલા એક ‘હુસ્નાપુર’ નામના ગામમાં !

આ ગામમાં ૯૦ ટકા મુસલમાનોની વસ્તી છે છતાં આખી ફિલ્મમાં મસ્જિદની એકપણ બાંગ પોકારાતી સંભળાતી નથી, પણ હા, માધુરી દિક્ષીત જે ત્યાંની 'મશહૂર કોઠાવાલી’ છે, તે અમથો અમથો રિયાઝ કરતી હોય તો એનો અવાજ ગામના બીજા છેડે, તળાવની પેલે પાર આવેલી ચૌધરીની હવેલીમાં આલિયા ભટ્ટને સંભળાય છે. બોલો.

માધુરી એના કોઠાના ધંધામાં એટલું બધું કમાઈ ચૂકી છે કે એની હવેલીના ડાન્સ ફ્લોરમાં 2000 ચોરસ ફીટ કાળા મારબલ ઉપર બ્રોન્ઝ પ્લેટિંગ વડે જે ઇન્ટિરીયર કર્યું છે... માત્ર એટલું જ આજના જમાનામાં 1 કરોડનું થાય !

અરે, એની પાસે ઝુમ્મરો એવાં તોતિંગ છે કે અંદર દીવા સળગાવવા માટે રોજના ચાર કેરબા કેરોસીન જોઈએ ! ઉપરથી એણે 40 ડાન્સરોનો તો ‘સ્ટાફ’ રાખ્યો છે.... પણ સાલું, મુજરો જોવા એકેય ‘ઘરાક’ આવતો જ નથી !

તો માધુરી આટલા બધા ખરચા ક્યાંથી કાઢે છે ? તો કહે છે, બહેનજી સંગીતના ‘ક્લાસ’ ચલાવે છે ! બોલો.

વળી, તમારે શીખવા જવું હોય તોય કેટલી જફા ? 

ઘોડાગાડી લઈને જવું પડે, હવેલીના 40 પગથિયાં ચડવા પડે, અંદર એક મોટું તળાવ હોય, (હા, હવેલીની અંદર તળાવ!) એમાં હોડીમાં બેસીને છ-છ ફૂટ પહોળાં કમળનાં ફૂલ વચ્ચે રસ્તો કરીને અંદર પેલા કાળા મારબલ ફ્લોરિંગવાળા ‘કોઠા’ પર જવાનું !

સાલું, ‘સાત કોઠા’ વીંધીને જવાનું જ આટલું મોંઘું પડે તો સંગીતની ફી કેટલી ઊંચી હશે ?

એટલે, માધુરીને આલિયા સિવાય બીજી કોઈ સ્ટુડન્ટ પણ મળતી નથી. (વળી, અહીં ગાતાં ગાતાં ભરતનાટ્યમ્ શૈલીમાં ડાન્સ કરવો ફરજિયાત છે ! છતાંય ક્યાંય હાર્મોનિયમ, તબલાં, સિતાર, તાનપૂરો કે સાલો તંબૂરો ય જોવા મળતો નથી. બોલો.)

આલિયાને સંગીતના ક્લાસ એટલા માટે ભરવા છે કે આ ચૌધરીની હવેલીમાં બોર થઈ ગઈ છે. એનો ધણી એને 22 યાર્ડ દૂર ઊભેલા ક્રિકેટના અંપાયરની માફક સતત જોયા જ કરે છે. ઉપરથી હંમેશા ‘નો-બોલ’ના જ ઈશારા કરે છે !

હવે તમે જ કહો, આલિયા બિચારી છે જ સાવ હાડપિંજર જેવી, તો આ બાબતે શું કરી શકે ?

છેવટે સોનાક્ષી એને સંગીત ક્લાસની પરમિશન તો આપે છે પણ એક શરત છે. ધણીના ન્યુઝ-પેપરમાં કામ કરવા જવાનું ! બસ, આમાંને આમાં આલિયા ‘લગ્નેતર લફરુ’ની હેડલાઈન બની બેસે છે…

કઈ રીતે ? શાંતિ રાખો, હજી તો હીરોની એન્ટ્રી બાકી છે...

- મન્નુ શેખચલ્લી

Comments