લંડનવાળાઓને પાન પિચકારી પત્ર !


અમારા વ્હાલા લંડનવાસી ગુજરાતીઓ !

વાહ, તમે તો ગુજરાતનો રંગ રાખી દીધો ! ભલે પાનની ‘પિચકારી’ મારીને લંડનની ગલીઓમાં છાંટ્યો પણ આખરે રંગ તો ગુજરાતીઓનો જ કહેવાય ને !

અમને તો ખબર જ નહોતી, પણ છાપામાં ફોટો જોયો કે લંડનના આપણા દેશી વિસ્તાર ‘લેસ્ટર’માં ત્યાંની પોલીસે ગુજરાતી ભાષામાં પોસ્ટરો માર્યા છે કે પાન ખાઈને થુંકનારને 150 પાઉન્ડનો દંડ થશે !

વટ કહેવાય હોં ? 150 પાઉન્ડ એટલે 13,500 રૂપિયા ! આવો દંડ ભરવાની જીગર પણ ગુજરાતી ભાયડા જ રાખે હોં !

બાકી, તમે જુઓ, મૂળ પાન તો યુપીવાળાની આઈટમ. અને પાન બનાવનારા પણ ભૈયાજી લોકો. પણ નોટિસ કઈ ભાષામાં લાગી ? ગુજરાતીમાં ! કેમ ? કારણ કે લંડનમાં યુપીવાળા કેટલા ? જ્યારે આપણે તો આખા લેસ્ટર એરિયાને ટોટલ ‘દેશી’ બનાવી મુક્યો છે !

બે ઘડી તો અમને વિચાર આવી ગયો કે તમારે આનો વિરોધ કરવો જોઈએ. જે રીતે ડાહ્યા લોકો કહે છે કે ‘આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો’ એ જ રીતે આપણે કહેવું જોઈએ કે પાન ખાઈને થૂંકનારની કોઈ ‘ભાષા’ નથી હોતી !

બોલો, ખોટી વાત છે ? તમે અંગ્રેજીમાં થૂંકો, ફ્રેન્ચમાં થૂંકો કે ઈટાલિયનમાં થૂંકો... થૂંકવાનો ઉચ્ચાર તો સેઈમ જ આવવાનો ને !

એમાંય વળી આપણા ગુજરાતીઓની માસ્ટરી ! આપણે કંઈ થૂ... થૂ કરીને થૂંકીએ નહિ. આપણે તો મસ્ત પિચકારી મારીએ ! પેલા એરસ્ટ્રાઈકવાળા પાયલોટો શું નિશાન તાકતા હતા ? આપણે તો છેક 10 ફૂટ દૂરથી ફૂટપાથનો થાંભલો વીંધી નાંખીએ ! (અને એના ‘પુરાવા’ તો 20 ફૂટ દૂરથી આંખે ચડે.)

અમારા મોદી સાહેબ બિચારા બહુ ચોખલિયા છે. અહીં ઇન્ડિયામાં ‘સ્વચ્છ ભારત... સ્વચ્છ ભારત...’ કરીને માથું ખાઈ ગયા. એ તો ટીશ્યુ પેપરથી આંગળીઓ લૂછે તોય ટીશ્યુ પેપર ઝભ્ભાના ખિસ્સામાં નાંખે છે !

બાય ધ વે, તમે લોકો શું કરો ? ખિસ્સામાં તો પિચકારી નહિ જ મારતા હો, પણ પેલા 150 પાઉન્ડ ઢીલા ના કરવા પડે એ માટે કંઈ વ્યવસ્થા રાખી છે ખરી ?

પેલા લખનૌના નવાબો જ્યાં જાય ત્યાં મસ્ત કોતરણીવાળી પિકદાની રાખતા હતા. આપણે એવું બધું લઈને ફરીએ તો કંઈ સારા લાગીએ ?

બાકી, અમદાવાદમાં ફરવા આવો તો અહીં સસ્તું છે ! થૂંકવાના ખાલી 100 રૂપિયા છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments