૧૦મા ૧૨માના મા-બાપોને સુચનાઓ !


HSC અને SSCની પરીક્ષાઓ ચાલી રહી છે. પોતાનાં સંતાનોને એક્ઝામ-સેન્ટરો પર મુકવા-લેવા જનારા વાલીઓ માટે ખાસ સૂચનાઓ…

***

બેબી તમને છોડીને પરીક્ષા હોલ તરફ જાય ત્યારે એવી રીતે વિદાય આપો જાણે તમારી દિકરી હંમેશ માટે સાસરે જતી હોય...

અને જો બાબો હોય તો એ તમને વૃધ્ધાશ્રમમાં એકલાં મુકીને પોતે ઘરે પાછો જતો રહેવાનો હોય... એ રીતે વિદાય આપવાની છે.

***

એક્ઝામ આપ્યા પછી જ્યારે એ પાછા આવતા હોય ત્યારે, વાઘા બોર્ડર પરથી ‘અભિનંદન’ હેમખેમ પાછો આવી રહ્યો હોય એ રીતે એમનું સ્વાગત કરો.

- અને હા, તમારા બાબાની જોડે જોડે કોઈ છોકરી ચાલતી હોય તો ખોટા ખોટા સવાલો પૂછશો નહિ !

***

બહાર ઊભા ઊભા સેલ્ફીઓ લઈ લીધા પછી બીજાં મમ્મી-પપ્પા જોડે “આપણા જમાનામાં તો આવું બધું ક્યાં હતું ? આપણને તો જરાય પ્રેશર નહોતું…”

આવી બધી વાતો જરૂર કરવી… પણ ‘પ્રેશર’ સ્હેજે ય ઓછું થવા દેવું નહિ !

***

બાબા/બેબીને મુકવા જવા માટે વાહનો લઈને જતા હો તો જોડે લાયસન્સ, આધારકાર્ડ, બ્લડ-ગ્રુપ કાર્ડ, પ્રેશરની ગોળીઓ, ફર્સ્ટ-એઈડ બોક્સ…. બધું જોડે રાખવું.

- કારણ કે ટેન્શનમાં તમે ક્યાંક ઠોકી દેશો તો તમને જ આ બધાની જરૂર પડશે !

***

બહાર ઊભાં ઊભાં બાબા/બેબીની સ્કુલ ફી, ટ્યુશન ફી, સ્કુટી, પેટ્રોલ, પિકનિક, પોકેટમની, મૂવી, બર્થડે વગેરે પાછળ કેટલો ખર્ચો થઈ ગયો તેનો હિસાબ ગણવો નહિ !

- કારણ કે એમ કરવાથી તમને ‘આંદોલન’ કરી નાંખવાના વિચારો આવશે ! અને આવા સમયે તમે જો આંદોલન કરવા જશો તો ‘દેશદ્રોહી’માં ખપી જશો ! શાંતિ રાખો.

***

12મા વાળાનાં મા-બાપો, યાદ રાખો, આ છેલ્લી જ તક છે ! જેટલા ઈમોશનલ ડ્રામા કરવા હોય એટલા કરી લો…

કારણકે પછી તો એ લોકોની ક્યારે કઈ એક્ઝામ આવી, એમાં કેટલા માર્ક આવ્યા અને એક્ઝામના બહાને ક્યાં ક્યાં રખડી આવ્યા એની તમને ખબર જ નહિં પડવા દે !

***

હજુ કોઈ કન્ફ્યુઝન હોય તો મોદી સાહેબને ફરિયાદ કરવી…

કારણ કે મોદી સાહેબ ‘મન કી બાત’માં સ્ટુડન્ટોને સલાહો આપો છે પણ માબાપોને કંઈ કહેતા જ નથી !

***

- મન્નુ શેખચલ્લી

Comments