હવે ભારતની હિન્દી ફિલ્મો તો પાકિસ્તાનમાં બતાવાશે નહિ, તો પછી બિચારા પાકિસ્તાનીઓ જોશે શું ? એમને રાજી રાખવા માટે ત્યાંની ઈન્ડસ્ટ્રીએ ફિલ્મો તો બનાવવી પડશે ને ?
તો બોલો, કેવી હશે એ પાકિસ્તાની ફિલ્મો ? જુઓ એક ઝલક…
***
હમ નહીં સુધરેંગે
એમની ઈચ્છા તો એવી હશે કે ભારત ઉપર હૂમલો કરીને મુંબઈ, દિલ્હી, અમૃતસર, જયપરુ, જોધપુર વગેરે તહસ-નહસ થઈ ગયું છે એવી જોરદાર ફિલ્મ બનાવી નાંખવી !
પણ શું થાય ? એટલું મોટું બજેટ જ નથી. દિલ્હીના પાર્લામેન્ટ હાઉસનો માત્ર સેટ બનાવવાનો જેટલો ખરચો થાય એટલામાં તો એમની ચાર ફિલ્મો બની જાય !
છેવટે એ લોકો પોતાની જુની પુરાણી છમકલાં કરવાની આદત ઉપર જશે...
મુંબઈના ભીંડીબજારમાં શાકની બે લારીઓ કેવી રીતે ઉડાડી મારી, દિલ્હીના ચાંદની ચોકમાં પકોડા તળીને વેચતા કોઈ ફેરિયાના પ્રાયમસમાં કેવો બોમ્બ પ્લાન્ટ કરી દીધો તથા કાશ્મીરના પથ્થરબાજોને સપ્લાય કરવા માટે POKની પહાડીઓમાંથી પથ્થરો તોડીને, LOC ક્રોસ કરીને બે ટ્રકો ભરીને મોટા મોટા પથ્થરો શી રીતે શ્રીનગરના પથ્થરબાજોને પહોંચાડી દીધા… એવાં છૂટક છૂટક મિશનો ભેગાં કરીને એક ‘એકશન’ ફિલ્મ બનાવી નાંખશે !
***
‘કુછ' કુછ નહીં હોતા !
છવ્વીસ ફેબ્રુઆરીની મોડી રાત્રે પાકિસ્તાની સેનાના વડાને મેસેજ મળે છે કે “જનાબ ! હમારે POK મેં, બાલકોટમેં હમલા હુઆ હૈ ! 300 સે જ્યાદા ટેરરીસ્ટ મારે ગયે હૈં !”
બસ, એ પછી આખું મિશન શરૂ થાય છે કે “કુછ નહીં હુઆ!”
જેમાં બતાડવામાં આવે છે કે ક્યાંય કશું થયું જ નથી !
આર્મીના ઓફિસરો છેક બાલકોટ સુધી ધસી જાય છે. ત્યાં જૈશ-એ-મહોમ્મદવાળાના સાળાને મળે છે ! 300 ટેરરિસ્ટો જોડે સેલ્ફીઓ પડાવે છે ! એમની જોડે હિન્દી ફિલ્મોનાં ગાયનો ગાય છે ! (કારણ કે નવાં ગાયનો રેકોર્ડ કરવાનું બજેટ નથી !)
એટલું જ નહિ, પાછા આવતાં આવતાં રસ્તામાં ત્યાંના ગામવાળા એમને શોધી શોધીને નાના મોટા ફૂટ્યા વગરના બોમ્બ આપતા જાય છે ! જેનું ટોટલ વજન 1000 કિલો થાય છે !
બસ, આ ફિલ્મમાં એક જ વાત ખાસ જોવા જેવી હશે કે આખી ફિલ્મનું શૂટીંગ સાચુકલા 'બાલ-કોટ'ને બદલે ત્યાંથી 100 કિલોમીટર દૂર આવેલા એક ‘બાલ-ગંજી’ અથવા ‘બાલ-બનિયાન’ના નામે ઓળખાતા એક નાનકડા ગામડામાં થયું હશે !
***
બોર્ડર-ટુ
આ તો એક ભવ્ય ફૂલ-ફ્લેજ્ડ વૉર ફિલ્મ છે ! આ ફિલ્મ પરદા ઉપર જોતી વખતે પાકિસ્તાની પ્રેક્ષકોને એક સેકન્ડ માટે એવું નહિ લાગે કે ક્યાંય એક રૂપિયાની યે કંજુસાઈ કરવામાં આવી છે !
આખી ફિલ્મ રાજસ્થાનની બોર્ડર ઉપર લડાઈ ગયેલા એક ખતરનાક ટેન્ક યુધ્ધની હશે ! જેમાં પાકિસ્તાની ટેન્કો ભારતીય ટેન્કોનો રીતસર કચ્ચરઘાણ વાળી રહ્યા હોય તેવું બતાવવામાં આવશે.
જોકે તમને જાણીને નવાઈ લાગશે કે આખી ફિલ્મનું ટોટલ બજેટ માત્ર સાડા ત્રણ લાખ રૂપિયાનું હશે !
- કારણ કે એમાં બે જ ચીજોનો ખર્ચો હશે. એક, ઓરિજીનલ ‘બોર્ડર’ ફિલ્મમાં જ્યાં જ્યાં ‘પાકિસ્તાન’ બોલાયું છે ત્યાં ડબિંગ વડે ‘હિન્દુસ્તાન’ કરી નાંખવામાં આવશે. (એ જ રીતે ‘હિન્દુસ્તાન’નું ‘પાકિસ્તાન’ થઈ જશે.)
આ ઉપરાંત બીજો ખર્ચો મામૂલી VFX (સ્પેશીયલ ઈફેક્ટ)નો હશે, જેમાં ભારતના ઝંડાની જગાએ પાકિસ્તાનનો ઝંડો, અને પાક. ઝંડાની જગાએ ઈન્ડિયન ફ્લેગ ચોંટાડી દીધો હશે.
(બીજું શું કરે બિચારાઓ ? કંગાલ દેશ છે, યાર !)
***
સચ્ચાઈ-2019
‘અમે આતંકવાદીઓને ટ્રેનીંગ નથી આપતા...’
‘હાફિઝ સઈદ પાકિસ્તાનમાં છે જ નહિ....’
‘મુંબઈ હુમલામાં અમારો હાથ જ નથી....’
અને ‘અમે તો દુનિયાનો સૌથી શાંતિપ્રિય દેશ છીએ…’
આ પ્રકારની ટોટલ 2019 સચ્ચાઈઓથી ભરેલી વાતોને જોડીને એક 40 કલાક લાંબી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવામાં આવશે. પછી તેને ઓસ્કારમાં ‘શ્રેષ્ઠ કોમેડી ફિલ્મ’ના એવોર્ડ માટે મોકલી આપવામાં આવશે !
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment