'પીએમ નરેન્દ્ર મોદી'... ટ્રેલરની ટીપ્પણી !

‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મનું ટ્રેલર જોયું કે નહિ ? ના જોયું હોય તો હમણાં જ જોઈ લો ! કારણ કે એ જોવાથી તમે કંઈ ‘ભક્ત’ નથી બની જવાના ! અને જો ‘ભક્ત’ ના હો તો મિત્રોંઓઓ… ‘દુશ્મન’ પણ નથી બની જવાના !

તમામ ફિલ્મી બાયો-પિકની જેમ આ ફિલ્મ પણ સંપૂર્ણપણે કાલ્પનિક જ હશે. (એક ‘સંજુ’ જ 100% સચ્ચાઈથી ભરપૂર હતી.) જોકે તમને ટ્રેલર ગમે કે ના ગમે, એ જોયા પછી ‘કલ્પનાઓ’ જાતજાતની થવા માંડે છે…

***

જેમકે આખું ટ્રેલર રાતના 1 વાગે જ લોન્ચ કરવાનો શું મતલબ હતો ?

- મતલબ એક જ હતો કે રાત્રે 1 વાગે કેટલા ‘ચોકીદારો’ જાગતા બેઠા છે તેની ખબર પડે !

***

મોટેભાગના લોકોનું કહેવું છે કે યાર, વિવેક ઓબરોય નરેન્દ્ર મોદી જેવો લાગતો જ નથી.

- સાચી વાત છે. અમે તો કહીએ છીએ કે ગુજરાતમાં સીએમની ચૂંટણી લડવા માટે મોદી સાહેબે જે ચાઈનાથી માસ્ક મંગાવેલાં, એમાનું એકાદ પહેરી લીધું હોત તો એ ય વધારે રિઅલ લાગત !

***

અમુક લોકોને લાગે છે કે ફિલ્મ બનાવતાં પહેલાં પૂરતી રિસર્ચ થઈ નથી.

- અમે પણ એ જ કહીએ છીએ. એ લોકો જો ગુજરાતમાં રિસર્ચ કરવા આવ્યા હોત તો એમને મોદી સાહેબની જીવનકથાની ‘કોમિક-બુક’ (ચિત્રવાર્તા) મળી ગઈ હોત. જો એનો આધાર લીધો હોત તો એમણે ટ્રેલરની શરૂઆતમાં જ બતાડ્યું હોત કે મોદી સાહેબ આગલા જનમમાં સ્વામી વિવેકાનંદ હતા.

***

ટ્રેલરમાં એક જગાએ મોદી સાહેબ કહે છે “મેરા ગુજરાત જલ રહા હૈ…”

- અરે મોદી સાહેબ, ગુજરાત તો ઠીક, તમે પીએમ બની ગયા એમાં તો રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, માયાવતી, મમતા અને ખાસ કરીને અડવાણીજી કેટલા જલી ગયા છે !

***

ટ્રેલરમાં મોદીજી કહે છે “મૈં સન્યાસી બનના ચાહતા હું…”

- બોલો, મનોજકુમારને આ વાતની પહેલા ખબર પડી હોત તો એ કહેત ને કે “ભાઈ, ‘સન્યાસી’ તો મૈં ભી બના થા… ત્યાં ‘ચલ સન્યાસીઈઈ મંદિરમેંએએ…’ એવું ગાનારી હેમામાલિની પણ તને જોવા મળી જાત ! ”

***

એ જ રીતે મોદીજી પાકિસ્તાનને કહે છે “તુમને હમારા બલિદાન દેખા હૈ, અબ બદલા ભી દેખોગે !”

- બોલો, આમાં ય મનોજકુમાર બોલી પડ્યા હોત : “બલિદાન” ભી મૈંને હી બનાઈ થી !

અને અમિતાભ બચ્ચન તો હજી પણ કહી શકે કે “પાકિસ્તાનવાલોં…. અગર બાન હટા લો, તો આપ મેરી ‘બદલા’ ભી દેખ સકતે હો ! હાંય ? ”

***

ટ્રેલરમાં વિવેક ઓબેરોય પાકિસ્તાનને કહે છે “અગર દોબારા હાથ ઉઠાયા, તો હાથ કાટ દૂંગા !”

- બિચારા પાકિસ્તાનીઓ કહે છે “જનાબ, આપ કટિંગ હેન્ડ કી બાત ક્યું કર રહે હૈં ? હમ ને તો હાથ ઉઠા કે સિર્ફ કટિંગ ચાય માંગી થી !”

***

વધુ એક ડાલોગ છે : “જો દેશ કો ચાહતા હૈ, વો ઔર કુછ નહીં ચાહતા…”

- હાં, વો તો ઠીક હૈ, મગર ફિલ્મ કે પ્રોડ્યુસર ચાહતે હૈં કિ “આપ 150 રૂપિયે કા ટિકિટ લે કર યે ફિલ્મ જરૂર દેખિયે ! અગર સિર્ફ દેશ કો ચાહતે રહોગે તો હમેં ક્યા મિલેગા ?”

***

હજી એક ડાયલોગ : “હિન્દુસ્તાન બનને કે બાદ ભી, હમ હિન્દુસ્તાની નહીં બન પાયે…”

- ત્યાં જ કમલા હાસન કહે છે “હિન્દુસ્તાની ? અરે, વો તો મૈં ને બનાઈ થી ! હી હી હી….”

***

અને છેલ્લે એક મજબૂત સંવાદ છે : “જો ડિસિઝન 1 મિનિટ મેં નહીં લિયા જા સકતા, વો ડિસિઝન હી નહીં હોતા.”

- બરોબર. તો પછી યાર આ ટ્રેલર 2.36 મિનિટનું શું કામ બનાવ્યું ?

- મન્નુ શેખચલ્લી

Comments