ચૂંટણીઓનો નવો શબ્દકોષ !


લોકસભાની ચૂંટણી તારીખો જાહેર થતાં જ દેશભરમાં ખળભળાટ મચી ગયો છે.

આવા સમયે અમુક ચૂંટણીલક્ષી શબ્દોના સાચા અર્થ ખુલ્લા પડી જાય છે ! જુઓ એક નાનકડું લિસ્ટ…

***

ટિકીટ

રેલ્વેમાં ટિકીટ વડે ‘સીટ’ 'રિઝર્વ' થતી હોય છે પણ અહીં તો ‘રિઝર્વ સીટ’ માટે જ ટિકીટોની મારામારી હોય છે.

***

સીટ

એક એવી ‘બેઠક’ જેના માટે ઉમેદવારો ‘ઊભા’ રહે છે અને સીટ મળી જાય પછી ‘ઊંઘી’ જાય છે !

***

આચારસંહિતા

એ જાહેર થયા પછી, પહેલાં જે કામો જાહેરમાં થતાં હતાં તે હવે ખાનગીમાં કરવાં પડશે !

***

અમૂલ્ય મત

જેની કિંમત બિચારા મતદારોએ પાંચ-પાંચ વરસ લગી ચૂકવતા રહેવું પડે છે !

***

ઉમેદવાર

‘પગ’થી ‘માથા’ સુધીનો પ્રવાસ ખેડનાર વીરલ પ્રવાસી ! ચૂંટાયા પહેલાં તે સૌને 'પગે' લાગે છે અને ચૂંટાયા પછી સૌને 'માથે' ચડી જાય છે !

***

બહુમતી

અમુક પક્ષો માટે આ ‘વોટ-બેન્ક’ છે અને અમુક પક્ષો માટે એનો આધાર ‘લઘુમતી’ છે !

***

EVM

હારનારાઓને જેની ઉપર ‘શંકા’ હોય અને જીતનારાઓને જેની ઉપર ‘વિશ્વાસ’ હોય તેવું ઈલેક્ટ્રોનિક યંત્ર.

***

ચૂંટણીની રેલીઓ

બેરોજગારો માટે રોજગારીની તક, કામધંધા કરનારા માટે રસ્તામાં અડચણ અને મિડિયા માટે ‘કવરેજ ક્ષેત્ર’ !

***

ટીવી-ડિબેટ

32 ઈંચ બાય 42 ઈંચનો રાજકીય અખાડો.

સોશિયલ મિડિયા

સવા બે ઈંચ બાય સાડા ચાર ઈંચનો રાજકીય અખાડો.

***

દેશપ્રેમ

બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને વિકાસ પછી ભારતીય ચૂંટણીઓમાં ઉમેરાયેલું લેટેસ્ટ ‘નિર્ણાયક’ બળ !

***

- મન્નુ શેખચલ્લી

Comments