આપણા દેશમાં નવરી સેલિબ્રિટીઓની બજાર મોટી થતી જાય છે.
થોડા દિવસ પહેલાં સલીમ ખાન (સલીમ – જાવેદવાળા) એક ટીવી શોમાં પધાર્યા હતા. બધા એમને અહોભાવથી જોઈ રહ્યા હતા. સલીમ ખાને જાવેદ અખ્તર સાથે ઘણી સુપરહિટ ફિલ્મો લખી છે.
પરંતુ સલીમ ખાને એ શોમાં શું કર્યું ? વારાફરતી છ-સાત જોક્સ કીધી ! તાલિયાં… તાલિયાં….
કમ સે કમ એક સ્ક્રીપ્ટ-રાઈટીંગના અનુભવ વિશે સાંભળવા આપણે તરસતા રહ્યા પણ સલીમ ખાને એ વિશે એક વાક્ય પણ ન કહ્યું.
સલીમ સાહેબ આજની નવરીબજાર સેલિબ્રિટીના લેટેસ્ટ ‘ડેબુડન્ટ’ સ્ટાર છે. એમની લખેલી છેલ્લી ફિલ્મ (મિ. ઇન્ડીયા) આવ્યાને 30 વરસ થઈ ગયાં.
ટુંકમાં, સલમાન, અરબાજ અને સોહિલ ખાનના ‘બાપ’ હોવા સિવાય એમણે 30 વરસમાં બીજું કંઈ જ કર્યું નથી. છતાં એ આપણી ‘નવી સેલિબ્રિટી પ્રતિભા’ છે !
એમના જોડીદાર જાવેદ અખ્તરની છેલ્લી ચાર ફિલ્મો ફ્લોપ થયાને 26 વરસ થયાં. જનાબ એ પછી ફિલ્મોમાં ગીતો લખતા થઈ ગયા. એમનું લખેલું છેલ્લું ફાલતુ ગાયન કયું હતું અને છેલ્લું ‘યાદગાર’ ગાયન કયું હતું તે કોઈને ઝટ યાદ નથી આવતું.
છતાં જાવેદ અખ્તર સેલિબ્રિટી છે ! એ સિલિબ્રિટી રહેવા માટે શું કરે છે ? સિમ્પલ… વિવાદાસ્પદ નિવેદનો કરતા રહે છે ! બસ.
આવી જ એક મહાન સેલિબ્રિટી છે મહેશ ભટ્ટ. આ સાહેબે ફિલ્મોનું દિગ્દર્શન કરવાનું છોડી દીધાને આજે 19 વરસ થયાં. ભટ્ટ સાહેબ આજકાલ શું કરે છે ? ફિલ્મોમાં રૂપિયા રોકે છે અને વિવાદાસ્પદ નિવેદનો કરે છે. બસ.
અનુમલિક એનાથી ઊંચી ચીજ છે. મ્યુઝિક ડિરેક્ટર તરીકેની એમની કારકીર્દિ પતી ગયાને આખો દસકો વીતી ગયો. હવે એ ભાઈ સાહેબ કોઈ ને કોઈ ટેલેન્ટ શોના જજ તરીકે ટીવીમાં આવીને સ્પર્ધકોનું અપમાન કરતા ફરે છે.
રામગોપાલ વર્માને તો પ્રેક્ષકો ફિલ્મમેકર તરીકે સંપૂર્ણપણે ‘માફ’ પણ કરી ચૂક્યા છે ! એ ભાઈસાહેબ ઝનૂનમાં આવીને એકાદ ફિલ્મ બનાવી નાંખે તો લોકો થિયેટરમાં જતાં ડરે છે ! છતાં, એ ભાઈ ટ્વીટરના બાદશાહ છે. બોલો.
આપણા દેશમાં કહેવાય છે કે રાજકારણીઓ નિવૃત્ત થતા નથી. કબરમાં ટાંગ લટકતી હોય કે મસાણમાં લાકડા વાટ જોઈ રહ્યા હોય એવા બુઢ્ઢાઓ પણ દેશના રાજકારણમાં ઘોંચપરોણો કર્યા વિના રહી શકતા નથી.
અમેરિકામાં એવું નથી. ત્યાં તમે માત્ર બે ટર્મ માટે પ્રેસિડેન્ટ બની જાવ પછી આખી સિસ્ટમ તમને શોભાના ગાંઠીયા જેવી સેલિબ્રિટી બનાવીને સાચવ્યા કરે છે. બિલ ક્લીન્ટન હજીયે એટલા ચાર્મિંગ અને હેન્ડસમ છે. એ ધારે તો ફિલ્મોમાં એક્ટિંગ પણ કરી શકે પરંતુ એમણે ફરજિયાતપણે શું કરવાનું ? વરસમાં બે-પાંચ વાર જાહેરમાં આવીને સુષ્ટુ સુષ્ટુ ભાષણો આપવાનાં. બસ.
જોકે અમેરિકા તો નવરી સેલિબ્રિટીઓનું ‘હોલસેલ’ બજાર છે ! ટીવીના કારણે ચાર બિટલ્સમાંનો એકાદ બુઢ્ઢો સંગીતકાર બગલઘોડી વડે ચાલતો ના થઈ જાય ત્યાં લગી સેલિબ્રિટી બનીને વાહવાહ લૂંટતો રહે છે.
આપણે ત્યાં પણ હવે એ સિસ્ટમ આવી ગઈ છે. કવિતા ન કરતા શાયરો, લખવાનું ભૂલી ચૂકેલા લેખકો અને ફિલ્મ બનાવવાનું છોડી ચૂકેલા ફિલ્મકારો, રિટાયર કે રિટાર્ટેડ થઈ ચુકેલા અધિકારીઓ (કાત્જુ જેવા) અને પ્રેક્ટીકલી કશું ન ઉકાળી રહ્યા હોય એવા સો કૉલ્ડ મહાનુભાવો આપણી સેલિબ્રિટીઓની નવરી બજારમાં ધક્કામુક્કી કરતા ઊભા છે.
એ તો સારું છે કે ગુજરાતીમાં ‘હજી લખી રહેલા’ લેખકો અને કવિઓ આપણી સેલિબ્રિટીઓ છે !
***
- મન્નુ શેખચલ્લી
Email : mannu41955@gmail.com
Comments
Post a Comment