ઈન્ટેલેક્ચુઅલ દેશભક્ત ?!?!

એક સવારે અમે એક જબરદસ્ત નિર્ધાર કર્યો. જઈને રણઝણ સિંહ આગળ તેને જાહેર કરી દીધો...

“રણઝણસિંહ, મારે ઈન્ટેલેક્ચ્યુઅલ દેશભક્ત થવું છે.”

મારી સામું રણઝણસિંહ એ રીતે જોઈ રહ્યા કે જાણે હું કોઈ પાગલખાનામાંથી ભાગી છૂટેલો દર્દી હોઉં.

“ગાન્ડા, તેં કદી શાકાહારી વાઘ જોયો છે ?”

“ના.”

“બસ, તો પછી ઈન્ટેલેક્ચ્યુઅલ દેશભક્ત જેવું પ્રાણી પણ ક્યાંય હોતું નથી ! કાં તો તારે ઈન્ટેલેક્ચ્યુઅલ થાવું પડે કાં તો દેશભક્ત. બન્ને હારે નો થવાય.”

“ભારે કરી….” અમને અમારો દ્રઢ નિર્ધાર રાઈના પર્વતની માફક વિખેરાતો દેખાયો.

“જો તારે રાતોરાત ઇન્ટેલેક્ચ્યુઅલ થઈ જાવું હોય તો ઓલી ઉરી અને મણિકર્ણિકાને વખોડવા માંડ ! લખ કે બન્ને બનાવટી, ખોખલી અને દંભી છે.”

“હા… પણ ઉરી અને મણિકર્ણિકા… એ બન્ને બાઈયું છે કોણ ?”

“મુરખ ! એ બન્ને ફિલ્મું છે ફિલ્મું !”

“ઓહો ?” અમને પરમજ્ઞાન થયું. “ફિલ્મું ને ઉતારી પાડવાથી ઈન્ટેલેક્ચ્યુઅલ થઈ જવાય ?”

“ગમ્મે ઈ ફિલ્મું નંઈ, ગાન્ડા ! જેમાં દેશભક્તિની કાંઈ વાત હોય એવી ફિલ્મું !”

“અચ્છા, મતલબ કે મનોજકુમારની હંધીય ફિલ્મું… ઉપકાર, ક્રાન્તિ, શહીદ…”

“ઓ મન્નુડા ! તું ખોટા ટાઈમઝોનમાં વયો ગ્યો… આમાં તો 2014 પછી જે દેશભક્તિની ફિલ્મું આવી, એની જ વાત થાય.”

“ઠીક… એ હિસાબે મને ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ તો બવ ગમી’તી. કારણ કે એમાં અંગ્રેજો સામે લડવાની વારતા હતી અને અમિતાભનું નામ પણ ક્રાન્તિ હતું ! ”

“ઉહુંહુંહું…” રણઝણસિંહનું મોં શીરામાં કાંકરો આવી ગયો હોય તેવું થઈ ગયું.

“હાવ ખોટ્ટી ફિલમ ઝલાઈ ગઈ ! એક કામ કર, તું ‘ઉડતા પંજાબ’નાં વખાણ કર.”

" પણ એમાં તો ૮૯ ગાળો હતી..."

“હા, પણ ઈ જ દેશના કલાકારોની વાણી સ્વાતંત્ર્યનું પ્રતીક છે ને ! અચ્છા, હાલ, ‘રઈસ’નાં વખાણ કર.”

“રઈસ ? ઈ તો કોઈ ક્રિમિનલ બુટલેગરની વારતા હતી. ઈવડો ઈ નિશાળનાં બાળકોને દફતરમાં દારૂની બાટલીયું ભરીને સપ્લાય કરતાં શીખવાડે છે…”

“હા, પણ ઈ બચાડા લઘુમતી ‘પ્રોટાગોનિસ્ટ’ને તે સમયની બહુમતી ભગવા સરકારે ‘વિક્ટીમાઈઝ’ કર્યો હતો…”

“એવું ???”

રણઝણસિંહના મોઢેથી નીકળેલા અઘરા અઘરા અંગ્રેજી શબ્દો સાંભળીને અમારા કપાળે અડધો ડઝન પ્રશ્નાર્થો ઉપસી આવ્યાં. અમે આશ્ચર્યથી કહ્યું :

“ઇન્ટેલેક્ચ્યુઅલ તો તમે થઈ ગ્યા લાગો છો !”

અમારું આશ્ચર્ય ભાળીને આખરે રણઝણસિંહના મૂછના ખૂણે એક સ્મિત ઝબક્યું ખરું…

***

- મન્નુ શેખચલ્લી

Comments