'એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'નાં કપાઈ ગયેલાં દ્રશ્યો !


અમુક લોકોની ફરિયાદ છે કે ‘એક્લિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ ફિલ્મના અમુક દ્રશ્યો વચ્ચેથી જ કટ કરી નાંખવામાં આવ્યાં છે.

વાત સાચી છે ! તમે નહિ માનો, પણ એ બધાં દ્રશ્યો અમને સપનામાં દેખાય છે ! તમે પણ જુઓ…

***

એક દિવસ મનમોહન સિંહ સંજય બરુને બોલાવીને કહે છે : “સંજયા, મેરી કોઈ સુનતા નહીં હૈ.”

સંજય : “ક્યા ?”

મનમોહનજીનો ચહેરો રડવા જેવો થઈ જાય છે. “સંજયા ? તુમ ભી ?”

સંજય : “સિંહ સાહેબ, હું તો મિડિયાનો માણસ છું. મને તો મિડિયાનું જ સંભળાય છે અને મિડિયામાં તમારું કદી કશું હોતું જ નથી.”

“એ વાત નથી.” મનમોહનજી ઢીલા અવાજે કહે છે. “અહીં તો મોટા મોટા મિનિસ્ટરોથી લઈને નાનામાં નાના પટાવાળા સુધી કોઈ મારું સાંભળતું નથી.”

સંજય : “અચ્છા ?” તમે પટાવાળાને કઈ રીતે બોલાવો છો ? જરા એક ડેમોન્સ્ટ્રેશન આપો ને ?

સિંહ સાહેબ મિંદડી જેવા તીણા અવાજે પટાવાળાને બોલાવે છે “અરેએ…. સુનો તોઓઓ?”

સંજય : “સાહેબ, આ જ લોચો છે ને ?”

મનમોહનજી : “શું લોચો છે ?”

સંજય : “અરે, પટાવાળાને બોલાવવા માટે તમારા ટેબલમાં એક બટન છે ! એ દબાવવાનું !”

આ સાંભળીને બિચારા મનમોહનજી રાજી રાજી થઈ જાય છે. “અરે ? યે તો મુઝે પતા હી નહીં થા !”

“મગર અબ પતા ચલ ગયા ના ?”

ત્યાં તો વળી પાછા સિંહ સાહેબ રડવા જેવા થઈ ગયા ! સંજય પૂછે છે “હવે શું થયું ?”

“પટાવાળાનું બટન તો ઠીક છે, પણ મિનિસ્ટરોને બોલાવવા માટેનું બટન તો મને આપ્યું જ નથી !”

***

એકવાર મનમોહનજી મોડી રાત સુધી ઓફિસમાં બેસીને કામ કરતા હોય છે. ત્યાં અચાનક લાઈટો જતી રહે છે !

મનમોહનજી તીણા અવાજે બૂમો પાડે છે “ઓ…  સંજયાઆઆ… બિજલી ચલી ગઈ ! અબ ક્યા કરુંઉં?”

સંજય આવે છે. એ કહે છે “સર, તમારા ટેબલના ખાનામાં ટોર્ચ હશે.”

“અરે હાં… યે તો મુઝે પતા હી નહીં થા…”

સંજય પોતાના મોબાઈલની ટોર્ચ ચાલુ કરીને પોતાની કેબિનમાં પાછા જતા રહે છે. પરંતુ થોડી વાર પછી એમને મનમોહનજી ધીમે ધીમે ડૂસકાં લેતાં હોય એવા અવાજો સંભળાય છે.

સંજય આવીને પૂછે છે “અબ ક્યા હુઆ?”

મનમોહનજી ટોર્ચ બતાડીને કહે છે “સંજયા… મૈં ક્યા કરું ? યે લોગ મુઝે ટોર્ચ તો દેતે હૈં, મગર ‘પાવર’ કભી દેતે હી નહીં !”

***

એક છેલ્લું દ્રશ્ય છે… સંજય નોકરી છોડીને જઈ રહ્યા છે. મનમોહનજી ભાવુક થઈને કહી રહ્યા છે : “સંજયા, તમે આટલા વરસ મારા મિડિયા એડવાઈઝર રહ્યા છો… તમારી સલાહ મુજબ હું કદી મિડિયા સામે મોં ખોલવા ગયો જ નથી…”

સંજય : “સર, એ સલાહ પણ મેં તમને સોનિયા મેડમના કહેવાથી જ આપી હતી !”

બિચારા મનમોહન સિંહ સમસમી જાય છે !

પછી દર્દનો ઘુંટડો ગળી જતાં કહે છે “સંજયા, મારા દર્દને તેં ખુબ નજીકથી જોયું છે…”

“જી સર…”

“મારી તમામ પીડાઓ તું સમજે છે…”

“જી સર…”

“તો તને શું લાગે છે ? હવે મારે મારી પીડા શી રીતે વ્યક્ત કરવી ? મારે બદલો લેવો છે…”

સંજય કહે છે “સરજી, આપ એકવાર હિંમત કરીને મિડિયાને પુરી 50 મિનિટનો ઈન્ટરવ્યુ આપીને બધું જ કહી નાંખો !”

મનમોહન સિંહ ઢીલા થઈ જાય છે. “સંજ્યા, વો મુજ સે નહીં હોગા…”

“તો પછી બીજો કોઈ ઉપાય નથી.”

“એક ઉપાય છે…” મનમોહનસિંહ કહે છે.

“શું ?”

“સંજયા, તું મારા આ દર્દ, મારી આ પીડાઓને વાચા આપતું એક પુસ્તક લખ ! એમાં બધું જ લખજે..”

“હેં ?” સંજય દંગ થઈ જાય છે. “તમે પોતે આવી સલાહ આપો છો ?”

“હા….” મનમોહનજી પાતળા હોઠ ઉપર એક ભેદી સ્માઈલ આવે છે. તે કહે છે :

“સંજયા, ઉસ વક્ત ભી મૈં અપના મુંહ નહીં ખોલુંગા !”

***

- મન્નુ શેખચલ્લી

Comments