એક રાજા હતો.
એ ચૂપચાપ રાજ કરતો હતો.
ઘણાં વરસો રાજ કર્યા પછી તેણે તેના ગુપ્તચરોને ગુપચુપ રીતે બોલાવીને કહ્યું કે તમે રાજ્યની પ્રજા પાસે જાવ અને ગુપ્ત રીતે, ગુપચુપ રહીને તપાસ કરો કે પ્રજાને શું ફરિયાદો છે ?
ગુપ્તચરો ગુપ્ત રીતે ગયા. ગુપચુપ રીતે તપાસ કરી અને પાછા આવીને રિપોર્ટ આપે છે.
“રાજાજી પ્રજાની ત્રણ ફરિયાદો છે.”
“કઈ કઈ ?”
“એક, રસ્તા નથી. બે, વીજળી નથી. ત્રણ, પાણી નથી.”
રાજા કહે છે “ચિંતા ન કરો, ત્રણ જ ફરિયાદો છે ને ? ભલે રહી.”
સમય જતાં એ રાજા બદલાઈ ગયો. નવો રાજા આવ્યો. તેણે ગુપ્તચરોનો રિપોર્ટ વાંચ્યો અને નક્કી કર્યું કે આ ત્રણ ફરિયાદો દૂર કરવી જોઈએ.
રાજાએ તેના તંત્રને કામે લગાડ્યું અને કહ્યું કે આ ત્રણ ફરિયાદો દૂર કરો.
થોડાં વરસો પછી તેણે ગુપ્તચરોને બોલાવીને કહ્યું કે “તપાસ કરો, હવે પ્રજાને કોઈ ફરિયાદ છે કે નહીં ?”
ગુપ્તચરો ગયા. તપાસ કરીને પાછા આવ્યા. આવીને કહેવા લાગ્યા. “રાજાજી, પ્રજાને 13 ફરિયાદો છે !”
રાજા ચોંકી ગયા. “તેર ફરિયાદો ?”
ગુપ્તચરોએ ફરિયાદોનું લિસ્ટ વાંચી સંભળાવ્યું.
(1) રસ્તામાં ખાડા પડે છે.
(2) રસ્તા ઉપર આવતી બસ ઘણીવાર મોડી પડે છે.
(3) ચાર રસ્તા ઉપર ટ્રાફિક જામ થાય છે.
(4) ચોમાસામાં રસ્તા પર પાણી ભરાઈ જાય છે.
(5) ભરાયેલાં પાણીમાંથી વાહનો પસાર થાય ત્યારે અમને છાંટા ઉડાડે છે.
(6) વીજળી 24 કલાક નથી આવતી.
(7) ઓવરલોડ વીજળી આવે ત્યારે બલ્બ ઊડી જાય છે.
(8) વીજળી રાત્રે જાય છે ત્યારે બહુ અંધારું લાગે છે.
(9) પાણી ઉનાળામાં બહુ ઓછું મળે છે.
(10) ચોમાસામાં આવતું પાણી ડહોળું હોય છે.
(11) રસ્તા પહોળા કરવાની જરૂર છે.
(12) વીજળી 24 કલાક મળવી જોઈએ.
(13) પાણી માટે શુધ્ધિકરણના પ્લાન્ટ હોવા જોઈએ.
આ ફરિયાદો સાંભળીને રાજા તો પરેશાન થઈ ગયો ! તે તેના ગુરુજી પાસે ગયો. ગુરુજીએ કહ્યું :
“વત્સ, તું મુરખ છે. ત્રણ તકલીફો દૂર કરવા જતાં તેર તકલીફો ઊભી થવાની જ છે !”
વાર્તાનો બોધ :
પ્રજાને સંતોષ આપવો હોય તો તકલીફોની સંખ્યા ઓછી જ રહેવા દેવી જોઈએ.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment