પેલો રાહુલ, આ રાહુલ...



ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમેચમાં K L રાહુલ નામનો યુવાન ક્રિકેટર સાવ ઝિરોના સ્કોરમાં આઉટ થઈ ગયો. બિચારો રાહુલ છેલ્લી 7 ઈનિંગ્સથી સતત ફ્લોપ જાય છે.

એક્સપર્ટો કહે છે કે એની ટેકનિકમાં ખામી છે પણ અમે કહીએ છીએ કે એના નામમાં જ ડખો છે !

અને એટલે જ અમે કહીએ છીએ કે K L રાહુલે સફળતા મેળવવી હોય તો આટલું જ કરવા જેવું છે…

***

સૌથી પહેલાં તો મંદિરોમાં જઈને ભગવાનનાં દર્શન કરવાનાં શરૂ કર, ભઈલા !

***

એકાદ વાર માનસરોવરની યાત્રા પણ કરી નાંખ ને. (હમણાં તો બહુ બરફ હશે પણ બરફ ઓગળે પછી જજે.) અને હા, પ્રુફ માટે ફોટા પડાવતો રહેજે !

***

પિચ ઉપર બેટિંગ કરવા જાય ત્યારે શર્ટ ઉપર જનોઈ પહેરી જો ! કમ સે કમ એવા ફોટા તો પડાવી લે ?

***

K L રાહુલને થતું હશે કે યાર, આવા તે કંઈ ઉપાય હોતા હશે ? પણ ભઈલા, ચાર ચાર વરસથી સતત ફ્લોપ થતા બીજા એક રાહુલભાઈ આ જ રીતે સફળ થયા છે ! એમણે કોઈ નવી ધાડ મારી જ નથી…

***

અને હા, ક્રિકેટના બોલને બદલે બટાકાથી પ્રેક્ટીસ કરવાની ચાલુ કર !

***

પછી જે ચોકીદાર ગ્રાઉન્ડની ચોકી કરતો હોય તેને ‘ચોર’ કહેવાનું ચાલુ કર.. ભલુ પૂછવું ભઈ, લોકો તારી વાત માની પણ લે !

***

નુસખા તો ઘણા છે. સામેની ટીમના કેપ્ટન પાસે જઈને અચાનક એમની ઝપ્પી લઈ લે ! પાછા વળીને આવતી વખતે સૌની સામું જોઈને આંખ મારવાની !

***

છેવટે કોઈ ટ્રીક કામ ના કરે તો કોઈને પૂછાવીને તારું ‘ગોત્ર’ શોધી કાઢ ! પછી એને જાહેર કરી દે…

***

અને ભઈલા, છેક ઓસ્ટ્રેલિયામાં જઈને રમવાનું તારું કામ નહિ. તું અહીં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જ રમવાનું રાખ ને !

(તારા જ નામવાળા બીજા એક ભઈને તો આમાં 100 ટકા સફળતા મળી છે.)

***

… અને છેલ્લે કશું ના વળે તો અંપાયરોનો વાંક કાઢવાનું ચાલુ રાખ !

***

- મન્નુ શેખચલ્લી

 

Comments