પૂતળાંઓની ચિંતન કણિકાઓ...


વિશ્વના સૌથી ઊંચા એવા સરદાર વલ્લભભાઈ પટેલના પૂતળા વિશે ટીકા-ટિપ્પણી, વાંધા-વચકા અને જોક્સ વગેરે વાંચી લીધા ?

હવે જરા આપણા શહેર-ગામના ચોરે ને ચૌટે ઊભેલાં બિચારાં નાનાં પૂતળાંઓનું કંઈ સાંભળશો ? એમનું પણ એક આગવું ચિંતન હોય છે….

***

ચાર રસ્તે ઊભેલા પૂતળાંનું ચિંતન

રાતના અંધારામાં મેં ચોરોને સંતાતા જોયા છે. દિવસના અજવાળામાં મેં એનાથી મોટા ચોરોને ખુલેઆમ સન્માન મેળવતા જોયા છે.  

***

પૂતળું હોવાના બે ગેરફાયદા છે.

(1) વરસે એક વાર હલકટમાં હલકટ લોકો તમારી ઉપર હાર ચડાવી જાય છે.

(2) બાકીના દિવસોમાં નિર્દોષ પક્ષીઓ તમારી ઉપર શૌચ કરી જાય છે.

***

હું આખી જિંદગી ‘નકારાત્મક સૉચ ’ સામે ઝઝૂમ્યો હતો. હવે હું ‘હગારાત્મક શૌચ’ સામે ઝઝૂમી રહ્યો છું

***

તમારું ‘પદપક્ષાલન’ કરી જતાં કૂતરાંઓથી તમને તમારી પૂતળાની લાકડી પણ બચાવી શકતી નથી.

***

મંદિરનો પથ્થર પૂતળાના પથ્થર કરતાં સો ગણો વધારે નસીબદાર હોય છે. કારણ કે –

(1) તે મંદિરમાં હોય છે.

(2) તેની ઉપર છાપરું, છત કે ઘુમ્મટ હોય છે.

(3) મંદિરમાં પક્ષીઓ ઘૂસી શકતાં નથી.

અને (4) તેની ઉપર દૂધ, પાણી, તેલ જેવી ખાઈ શકે તેવી ચીજોનો જ અભિષેક થાય છે.

***

જીવતા લોકોનાં મીણનાં પૂતળાં બને છે. મરેલા લોકોનાં જ પથ્થરનાં પૂતળાં બનતાં હોય છે.

***

હાથ-પગ વિનાનાં પૂતળાં (બસ્ટ)નું ચિંતન…

‘બસ્ટ’ની કમનસીબી એ હોય છે કે પોતાને હાર પહેરાવનારને તે લાફો મારવાની ‘કલ્પના’ પણ કરી શકતું નથી,

***

વિશ્ર્વની સૌથી ઊંચી પ્રતિમાનું ચિંતન

માનવી 'મુઠ્ઠી ઊંચેરો' હોય એટલું જ પુરતું છે !

- મન્નુ શેખચલ્લી

Comments

Post a Comment