“હોલવાઈ ગયો ?”
“ના ના, સળગે છે…. હમણાં ફૂટશે !”
“હું નજીક જઈને જોઈ આવું…?”
“એક કામ કર, અગરબત્તી લઈને જા… હોલવાઈ ગયો હોય તો સળગાવીને ફોડી નાંખજે !”
“એ ના ના ! સાલો, એ જ ઘડીએ ફૂટ્યો તો ?”
દિવાળીના ટાઈમે જ્યારે કોઈ મોટો ફટાકડો ફૂટ્યા વિનાનો અટકી જાય… બાળકોની કાનમાં આંગળીઓમાં ખોસેલી આંગળીઓ કાનમાં જ રહી જાય અને ધૂમધડાકા જોઈને “આય હાય ! આય હાય !” કરતી છોકરીઓના શ્વાસ અધ્ધરના અધ્ધર રહી જાય ત્યારે જ કોઈને યાદ આવે :
“અલ્યા, ગિરિયા ગંધકને બોલાવો !”
ગિરિયાનું અસલી નામ તો સરસ મઝાનું ગિરીશ ગિરિવાલા, પરંતુ એની એક ખાસ ‘એક્સ્પર્ટીઝ’ને લીધે એનું નામ ‘ગિરિયો ગંધક’ પડી ગયેલું. ગિરિયો બાળપણથી જ ફૂટ્યા વિનાના ફટાકડાને સિફ્તથી પુરેપુરો હોલવીને પછી તેને કાયદેસર રીતે ‘ફરીથી’ ફોડવામાં ચેમ્પિયન હતો.
ભલભલો બોમ્બ કેમ ના હોય, ‘સૂર્રર્રર્ર… ફૂસ્સ’ કરતાંકને હોલવાઈ ગયેલા એ કાનફાડુ બોમ્બને ગિરિયો દૂરથી જ સુંઘી લે ! પછી ખૂબ જ સાવધાનીથી, પ્રિમિયર કબડ્ડી લીગની ચેમ્પિયન ટીમના કેપ્ટનની જેમ તે બોમ્બની નજીક જાય, બૂટ પહેરેલા પગ વડે સ્હેજ ટંટોળી જુએ પછી અચાનક બિલાડી જેમ ઉંદર ઉપર તરાપ મારે એ રીતે ગિરીયો બોમ્બ ઉપર ત્રાટકે ! અને બોમ્બને ‘ઝબ્બે’ કરી જ લે !
ગિરિયો મોટો થયો પછી તો તે આમાં પ્રોફેશનલ થઈ ગયેલો. એક તો હાઈટ ઓછી, ઉપરથી શરીર પણ હલકું એટલે જો ડેન્જર જેવું લાગે તો ગિરિયો તીતીઘોડાની જેમ ઉછળીને પોતાની જાતને બચાવી લેતો.
આ ઉપરાંત પ્રોફેશનલી ઓપરેટ કરવા માટે નવો ડ્રેસ-કોડ પણ અપનાવેલો. મોં ઉપર મોટી બહેનનો દુપટ્ટો આતંકવાદીની જેમ લપેટી લેવાનો. આંખો ઉપર ચશ્મા ચડાવવાના. હાથ-પગ ઢંકાઈ જાય એવા જાડાં કપડાનાં પેન્ટ-શર્ટ પહેરવાનાં, બાંયો છેક સુધી લાંબી રાખવાની. પગમાં ચામડાનાં બૂટ પહેરવાનાં અને બન્ને હાથમાં ઓલરેડી દાઝી ગયો હોય એવો પાટો બાંધી રાખવાનો ! માત્ર બે આંગળીઓ અને અંગૂઠાને જ મૂવમેન્ટ માટે ફ્રી રાખવાના…
આ સિવાય પણ, ગિરિયા ગંધકની બીજી એક ટેકનિક હતી. ફટાકડો હોય, બોમ્બ હોય કે રોકેટ… એને પકડતી વખતે હુમલો સીધો એની વાટ ઉપર જ કરવાનો ! જેથી થોડો ઘણો અંગાર પણ ચાલુ હોય તો પહેલા જ પ્રહારે હોલવાઈ જાય !
દિવાળીના તહેવારોમાં ગિરિયો ગંધક પોતાની આ ‘કલા’નું ડેમોન્સ્ટ્રેશન કરીને ખાસ્સી કમાણી કરી લેતો. ગામના માલેતુજાર નબીરાઓ જ્યાં હજારો રૂપિયાનું દારૂખાનું ફોડતા હોય ત્યાં ગિરિયાને સાથે રાખે.
ગિરિયાએ કરવાનું શું ? તો સમજો ને, હજી હજાર ફટાકડાની લૂમના ધડાકા પતે ના પતે ત્યાં નબીરાઓ ગિરિયાને ‘છૂ…’ કરીને છોડી મુકે. ગિરિયો ડાઘિયા કૂતરાની જેમ મેદાનમાં ધસી જાય અને નહિ ફૂટેલા કમ સે કમ 50-60 જેટલા ફટાકડા વીણી વીણીને પતરાના એક ડબલામાં ભરીને સટાસટ પાછો આવે !
નબીરાઓ આ સરકસનો ખેલ જોઈને રાજી થઈને ગિરિયાને 200-500 રૂપિયાની ‘ટિપ’ આપે ! એટલું જ નહિ, ધનતેરસથી લઈને છેક કારતક સુદ ચોથ સુધી ગિરિયો ગામની તમામ મોકાની જગાઓમાં મોડી રાત્રે ‘કોમ્બિંગ ઓપરેશન’ કરીને નહીં ફૂટેલાં લવિંગિંયાથી માંડીને સુષુપ્ત સૂતળીબોમ્બ, નિષ્ફળ ગયેલાં રોકેટો તથા ફ્લોપ થઈ ગયેલી ફાંકેબાજ ફિલ્મસ્ટારો જેવી હવાઈઓ અને કોઠીઓ ભેગી કરી લાવે. પછી લાભપાંચમની રાત્રે ગિરિયો એ રિ-સાઈકલ કરેલું દારૂખાનું ‘જનતાના લાભાર્થે’ જાહેરમાં ફોડી બતાડે.
બધું બરોબર ચાલતું હતું પણ આ વરસે સુપ્રિમ કોર્ટના ઓર્ડરે ગિરિયા ગંધકની ખોપડીમાં ઉથલપાથલ મચાવી દીધી.
બિચારો ગિરિયો ગંધક દિવાળીના તહેવારમાં માત્ર એક રાત્રે લાભપાંચમે, 11થી 12 દરમ્યાન તેની કળાનું પ્રદર્શન કરીને દાદ મેળવતો હતો. એમાં હવે પ્રતિબંધ ?
ગિરિયા ગંધકની હટી ગઈ. એણે નક્કી કર્યું કે આ વખતે સુપ્રિમના ઓર્ડરનું જાહેરમાં ઉલ્લંઘન કરવું છે ! એ પણ ‘સ્વયંભૂ’ લોકલાગણીનો સહકાર મેળવીને !
તે ગામમાં મહોલ્લે મહોલ્લે જઈને કહી આવ્યો કે “આ ફેરી નહિ ફૂટેલા તમામ ફટાકડા મને આપજો હોં ? હું લાભપાંચમની રાતે બરોબર 11 થી 12માં એને ફોડીને સુપ્રિમનો જાહેરમાં બહિષ્કાર કરવાનો છું !”
ગામના લોકોએ ગિરિયાની આ ઝુંબેશને ધાર્યા કરતાં વધારે મોટો પ્રતિસાદ આપ્યો. એમાં થયું એવું કે કોઈ એક ‘ઉત્સવ બચાવો સમિતિ’ના ડઝનબંધ સભ્યો આખા ગામમાં ઘેર ઘેર ફરી વળ્યા ! ફટાકડા ફૂટે એ પહેલાં જ ‘નહિ ફૂટેલા ફટાકડા’ ઉઘરાવવા માંડ્યા ! દિવાળીની સાંજ સુધીમાં તો નહિ ફૂટેલા ફટાકડાનો જે જથ્થો ભેગો થઈ ગયો એ જોઈને ગિરિયા ગંધકના દિમાગમાં નવી હલચલ થવા માંડી !
એને થયું કે સાલું, આ સૌથી સારું છે ! માથે બુકાની બાંધીને લબૂક-ઝબૂક થઈ રહેલા જાયન્ટ બોમ્બને ડિફ્યુઝ કરવાનાં રિસ્કો લેવાને બદલે અહીં તો ‘રેડી ટુ એક્સપ્લોડ’ દારૂખાનાનો સ્ટોક સામે ચાલીને આવી પડ્યો છે !
ગિરિયાની દાઢ સળકી. એને થયું કે આ તમામ દારૂખાનું ફોડી નાંખવાની જરૂર જ ક્યાં છે ? માત્ર થોડી ‘પ્રતિકાત્મક’ આતશબાજી કર્યા પછી બાકી વધેલો માલ ફટાકડાની દુકાનોને જ વેચી માર્યો હોય તો ?
“વકરો એટલો નફો !” ગિરિયાના ભેજામાં આખી સ્કીમ તણાખા વેરતી ભોંયચકરીની જેમ જોરજોરથી ઘૂમવા લાગી. ગામમાં ફટાકડાની ગણીને ચાર જ દુકાનો હતી. ગિરિયાએ એમને ત્યાં જઈને ખાનગીમાં સેટિંગ પણ પાડી દીધું ! મોબાઈલના કેલક્યુલેટરમાં ગણતાં ગિરિયાએ હિસાબ ગણી કાઢ્યો : “આમાં કમ સે કમ 7000થી 8000ની રોકડી થવાની !”
ગિરિયાએ એની ઝૂંબેશને તીવ્ર કરી. પેલી ‘ઉત્સવ બચાવો સમિતિ’ના સભ્યોને ભેગા કરીને તેણે ‘આગ ઝરતું’ ભાષણ કર્યું. ઉશ્કેરાયેલા સભ્યો બમણા ઝનૂનથી ગામમાં ફરી વળ્યા… પણ એ જ ગિરિયા ગંધકની સૌથી મોટી ભૂલ હતી !
થયું એવું કે લાભપાંચમની બે રાત પહેલાં ગિરિયો ગંધક પોતાના ઘરના ભોંયરામાં ભેગો થયેલો દારૂખાનાનો સ્ટોક તેની ‘સેલ પ્રાઈઝ’નો અંદાજ માંડી કેલક્યુલેટરમાં ગણત્રી કરીને હરખાઈ રહ્યો હતો એ જ ક્ષણે…
… ભોંયરાની ઊંચી બારીમાંથી એક સળગતું, તણખા વેરતું તારામંડળ અંદર આવીને પડ્યું ! બીજી જ ક્ષણે ગિરિયાના ભોંયરામાં ભયંકર આતશબાજી શરૂ થઈ ગઈ !
ભડકેલો ગિરિયો જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવીને ભાગી તો છૂટ્યો પણ હોસ્પિટલમાં પાટાપિંડી થયા પછી યે એને સમજાતું નહોતું કે પેલું નાનું અમથું તારામંડળ કોણ નાંખી ગયું ?
બિચારો ગિરિયો દેશના સેક્યુલરો તથા ધર્મવિરોધીઓને યાદ કરી કરીને મનમાં ગાળો ભાંડી રહ્યો હતો. એને ક્યાંથી ખબર હોય કે બાજુના મહોલ્લામાં રહેતા બાર વરસના બાબાને એના પપ્પાએ જે 12 તારામંડળનું નાનું પેકેટ અપાવ્યું હતું એમાંથી 6 તારામંડળ “હોલવાઈ ગયાં… હોલવાઈ ગયાં…” એમ કહીને પેલી સમિતિના એક ઉત્સાહી સભ્યે છીનવી લીધાં હતાં !
બસ, એ બાબલાએ 8 થી 10માં જ, નિયમમાં રહીને, ગિરિયા ગંધકનું તમામ દારૂખાનું ફોડી નાંખ્યું હતું !
- મન્નુ શેખચલ્લી
email. mannu41955@gmail.com
Comments
Post a Comment