હવામાં ગોળીબાર
તમે દિવાળીની સાફસૂફી હજી ના કરી હોય તો આ સુચનાઓને સજેશનો સમજીને વાંચજો. બાકી, જો સાફસૂફી કરી નાંખી હોય તો છાપાનું આ કટિંગ કાપીને માળિયામાં રાખી મુકજો. આવતા વરસે કામમાં આવશે.
***
હેલ્થ સંબંધિત સુચનાઓ
(1) માળિયામાં સફાઈ ચાલતી હોય ત્યારે તમારા મોં ઉપર કપડું બાંધી રાખો. ખાસ કરીને તમારા પતિ માળિયામાં સફાઈ કરતા હોય ત્યારે !
(કારણકે એ ગમે ત્યારે ચેતવણી આપ્યા વિના કચરો પાડશે.)
***
(2) માળિયામાંથી જ્યારે ક્રોક્રોચ, મંકોડા, જીવડાં તથા તમરાં બહાર ધસી આવે ત્યારે હાથમાં ‘હિટ-ક્રોક્રોચ’ તૈયાર રાખો.
(ગરોળી ધસી આવે ત્યારે ભાગીને બાથરૂમમાં નાસી જવાની તૈયારી રાખો.)
***
(3) પતિ બુકાની બાંધીને માળિયામાં ચોરની જેમ ઘુસ્યા હોય તેવો ફોટો ફેસબુકમાં શેર ના કરતા. નહિતર સાસરીપક્ષના સગાંઓ નારાજ થઈ જશે.
(અને તમારું માનસિક સ્વાસ્થ્ય બગાડશે.)
***
જરીપુરાણી ચીજો વિશે સુચનાઓ
(4) જુના સળિયા, પ્લાયવૂડના ટુકડા, ગયા વરસની પતંગો, લૂંટેલી તથા ખરીદેલી દોરીઓનાં પિલ્લાં, રિપેર થઈ શકે તેવી છત્રી, સેવ તથા ગાંઠીયા પાડવાનો સંચો, સ્હેજ જ બગડેલું મિક્સર-ગ્રાઈન્ડર, નાની મોટી ખિલીઓથી ભરેલો ડબ્બો, કામમાં આવે તેવી સિમેન્ટની કોથળીઓ, બુઠ્ઠી થઈ ગયેલી સૂડી, જુનો પાનનો ડબ્બો, પિત્તળનો લોટો…
માળિયામાં પડેલી આ ચીજોમાંથી જે વસ્તુઓ તમે છેલ્લા આઠ વરસથી સંઘરી રાખી છે તેને કાઢશો નહિ ! કારણ કે એ વસ્તુઓ તો શુકનવંતી છે ! ભલુ પૂછવું, એ ચીજોને કચરામાં ફેંકી દેવાથી ક્યાંક છૂટાછેડા થઈ જાય તો ?
(અને માળિયું હોય છે શેના માટે ? નકામી ચીજોને વરસો સુધી સંઘરી રાખવા માટે જ હોય છે ને !)
***
(5) જુનાં જિન્સ પ્યાલા-બરણીવાળીને હરગિઝ ના આપતા ! ખોટમાં જશો. એના બદલે એ જિન્સને એસિડ-વોશથી ધોઈને, ચપ્પુ વડે ફાડીને ચીંથરા જેવું કરીને ‘સેલ’માં મુકશો તો ડબલ કિંમત મળશે.
(આ પ્રયોગ જુના નાઈટ-ગાઉન ઉપર ના કરાય. સમજ્યા ?)
***
(6) જુની ચોપડીઓ, ગયા વરસના પાઠ્યપુસ્તકો, ગાઈડો વગેરેને પસ્તીમાં આપવાને બદલે ગરીબ બાળકોને ‘દાન’ કરતા હોય તેવા ફોટા પડાવો. પછી ફેસબુકમાં મુકો.
(આઠમા ધોરણની ગાઈડો પાંચમા ધોરણના બાબલાને આપતા ફોટા પણ ચાલશે. કોણ જોવાનું છે?)
***
કિચનની સાફસૂફી બાબત સુચના
(7) સૌથી પહેલાં તો ફ્રીજમાંથી બિન-જરૂરી ચીજો કાઢીને અંદર ખાસ્સી જગ્યા બનાવો કારણકે નવા વરસે જે મીઠાઈઓ આવશે તેને બે-ત્રણ મહિના લગી તો સાચવી રાખવી પડશે ને ?
***
(8) તમે દર વરસે જે ક્રોકરીના નવા નવા સેટ લઈ આવો છો અને આખું વરસ સાચવીને કાચવાળા કબાટોમાં રાખી મુકો છો, તેને આ વરસે ફરી સાફ કરીને ફરી એ જ રીતે ગોઠવી દો.
(ત્યાર બાદ જ નવી ક્રોકરીનો ઓર્ડર ઓનલાઈન પસંદગી કરીને આપો.)
***
પતિ સંબંધિત સુચનાઓ
(9) જો તમારો પતિ સરખી રીતે સાફસૂફી ના કરતો હોય તો પાડોશણના પતિને સ્માઈલ આપીને બોલાવો ! એ હજારો ગણી સારી સાફસૂફી કરી આપશે. ગેરંટી છે.
***
(10) તમારી પાડોશણને પણ લાભ આપો. એને કહો કે સ્માઈલ આપીને તમારા પતિને સાફસૂફી માટે બોલાવે !
(ખાસ નોંધ : છેલ્લી બે સુચના ત્યારે જ અમલમાં મુકવી જ્યારે બન્નેના પતિઓ સાવ બબૂચક હોય ! હેપ્પી દિવાલી !)
- મન્નુ શેખચલ્લી
Email : mannu41955@gmail.com
Tumhari Divali safai ka kya kahena
ReplyDeleteમોંઘવારીની સફાઈ સૌથી મોટી હોય છે !
Delete