ફિલ્મી, વેરી ફિલ્મી. . .
# me tooની ઝૂંબેશ જે રીતે વધુ ને વધુ ફેલાઈ રહી છે તે જોતાં હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જુની ફિલ્મોનાં નામો લઈને નવી ફિલ્મો બનાવવાનું શરૂ થાય તો નવાઈ નહિ…
***
વો... મૈં નહીં
પ્રખ્યાત પત્રકાર અને ભૂતપૂર્વ મંત્રી એમ. જે. અકબરની સંસ્કારી લાઈફ ઉપર આધારિત આ ફિલ્મ એકચ્યુલી એક કોર્ટ-રૂમ ડ્રામા હશે. આમાં 94 વકીલોના રોલ કોણ કોણ ભજવશે એનાં તો ઓડિશન્સ પણ શરૂ થઈ ગયાં છે !
કોર્ટમાં 94 વકીલોને સમાવી શકાય તેવો ભવ્ય વિશાળ સેટ બનાવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જોકે આરોપીના પિંજરામાં તો એક જ મહિલાને ઊભી રાખવાની છે એટલે જે એકટ્રેસ પોતાના ઘેરથી નાનકડું પિંજરુ લેતી આવે તેને આ રોલ મફતમાં આપી દેવાનો છે.
જુની ફિલ્મના હીરો નવીન ‘નિષ્ચલ’ની જેમ આ રિ-મેક માટે એમ. જે. અકબર પોતાનું નામ અકબર ‘અડીખમ’ રાખવાના છે. આખી ફિલ્મમાં આ અકબર ‘અડીખમ’નો એક જ ડાયલોગ હશે “વો… મૈં… નહીં…. થા !” આ સંવાદ આખી ફિલ્મમાં 107 વાર રિપિટ થશે.
***
બીસ સાલ બાદ
આખી ફિલ્મની સ્ટોરી 20 વરસ પહેલાં ક્યાંક આડે હાથે મુકાઈ ગયેલી 1 રૂપિયાની જુની નોટની આસપાસ ફરે છે.
વાયકા એવી છે કે 20 વરસ પહેલાં આલોકનાથ નામના એક અવતારી પુરુષે વિન્તા નંદા નામની એક મહિલા સ્ટોરી-રાઈટર પાસેથી એક સ્ટોરી 1 રૂપિયાનો ભાવ આપીને ખરીદી હતી. તે વખતે આલોકભાઈ પાસે રૂપિયો છૂટો ના હોવાથી તેમણે વિન્તાબેનને એટલી કિંમતનો દારૂ પીવડાવી દીધો હતો.
બિચારાં વિન્તાબેન દારૂના નશામાં સ્ટોરી કહેતાં કહેતાં સ્ટોરી જ ભૂલી જાય છે ! એ પછી છેક 20 વરસે એમને એ સ્ટોરી યાદ આવે છે ! સ્ટોરીમાં એવો જબરદસ્ત સસ્પેન્સ છે કે આલોકનાથને એ સ્ટોરી હવે જોઈએ છે ! એના માટે આલોકભાઈએ કોર્ટમાં 1 રૂપિયાનો દાવો માંડ્યો છે…
આખરે એ એક રૂપિયાવાળી સ્ટોરી છે શું ? જજ સાહેબ પણ જાણવા માગે છે…
***
વો... કૌન થી ?
જુની ફિલ્મની જેમ આ કોઈ સસ્પેન્સ સ્ટોરી નથી. અહીં તો બિચારા ડિમ્નેશિયા (યાદશક્તિ જતી રહે તેવો રોગ)થી પીડાતા ઘરડા ફિલ્મ સ્ટારો, રાજકારણીઓ અને પેઈન્ટરો ઉપર આધારિત એક ડોક્યુમેન્ટ્રી બની રહી છે.
આમાં બિચારા મુખ્ય પાત્રોને યાદ જ નથી આવતું કે એમણે કોની કોની ઉપર જાતિય જબરદસ્તીઓ કરી હતી ? (માત્ર ‘સંજુ’ને ત્રણસો એ ત્રણસો નામ યાદ છે !)
આ ફિલ્મમાં આવનારા ફ્લેશ-બેક દ્રશ્યો સંપૂર્ણપણે ‘આઉટ-ઓફ-ફોકસ’ રાખવામાં આવશે જેથી “શૂટિંગ દરમ્યાન મારી જાતિય સતામણી થઈ હતી” એવો આરોપ કોઈ હિરોઈન કરશે તો બિચારું પોલીસતંત્ર અને ન્યાયતંત્ર શોધી જ નહિ શકે કે… “… વો કૌન થી ?”
***
હવસ... રિટર્ન્સ
આ આખી હોરર સ્ટોરી છે ! આમાં ‘હવસ’ નામની એક ચૂડૈલ છે જે ઈન્ડિયાનાં મોટાં શહેરોની નાની નાની ગલીઓમાં ભટકતી ફરતી હોય છે. આ હવસ ગમે ત્યારે ગમે તે પુરુષના શરીરમાં ઘૂસીને તેના દિમાગનો કબજો લઈ લે છે ! ‘હવસ’ના પ્રભાવમાં આવીને બિચારા સાવ સંસ્કારી પુરુષો ના કરવાનાં કામો બહુ રસપૂર્વક કરી નાંખે છે…
પછી થાય છે એવું કે પેલી ‘હવસ’ નામની ચૂડેલ 10 વરસે, 12 વરસે, ‘રિટર્ન’ થાય છે ! અને પુરુષોને બિહામણાં સપનાં સતાવવા લાગે છે…. સપનામાં ખુદ પુરુષોનાં કપડાં જાહેરમાં ઉતરી જાય છે !
છેવટે એન્ડના ટાઈટલ સ્ક્રોલ વખતે યુ-ટ્યૂબ ટાઈપના ગાયનમાં પુરુષો જાતે પોતાનાં વસ્ત્રો એક પછી એક ઉતારતાં જાય છે અને સ્ટ્રીપ-ડાન્સરો જેવાં સ્ટેપ કરતાં કરતાં રિ-મિક્સ ડિસ્કો સોંગ ગાય છે: “તેરી ગલીયોં મેં ના રખેંગે કદમ… આજ કે બાદ….”
***
મૈં... ‘વો’ નહીં
આ ફિલ્મ ભવિષ્યમાં કરણ જોહર ત્યારે એનાઉન્સ કરશે… જ્યારે કોઈ પુરુષ કલાકારો તેની ઉપર me tooના આરોપો લગાડશે ! નેચરલી, કરણ જોહર વારંવાર એક ખાસ નજાકતથી કહેશે : મૈં ‘વો’ નહીં !
- મન્નુ શેખચલ્લી
email : mannu41955@gmail.com
Bhuli hui yaden
ReplyDeleteMuze itana na satao
Sahi pakde he!😀
Delete