આવતી નવરાત્રિના સંકલ્પ !


આ વખતની નવરાત્રિ તો સમજો ને, પતવા આવી. પરંતુ અમુક દાઝેલા-બળેલા તથા ‘રહી ગયેલા’ લોકોએ આવતી નવરાત્રિ માટે જાતજાતના સંકલ્પો કરી રાખ્યા છે ! જુઓ…

***

કોલેજીયન યુવાનનો સંકલ્પ

આવતા વરસે આ રીટાડી, મેઘનાડી, સ્મિતાડી, જિગ્નાડી કે કલ્પનાડી માટે પાસ લાવવાના જ નહિ ! કારણ કે બધી પાસ લઈ ગઈ, અને ‘ધોકો’ આપી ગઈ !

***

કોલેજીયન યુવતીનો સંકલ્પ

આવતા વરસે આ સુધીરીયા, શૈલેશિયા, ધર્મેશિયા, હરિશિયા કે રાજુડીયાને પાસ માટે મસ્કા મારવા જ નથી… કારણકે દર વરસે નવા નવા બકરા એડમિશન લેતા જ હોય છે ને !

***

રૂપાળી પત્નીના ધનવાન પતિનો સંકલ્પ

ભલે થોડા રૂપિયા થાય, પણ આવતા વરસે તો એક ડીટેક્ટીવ જ રોકી લેવો છે !

***

ડીટેક્ટીવના કેમેરામાં ઝડપાયેલી રૂપાળી પત્નીનો સંકલ્પ

ભલે થોડા રૂપિયા થાય, પણ આવતા વખતે તો ડીટેક્ટીવને જ ફોડી નાંખવો છે !

***

ઓરકેસ્ટ્રાવાળાનો સંકલ્પ

આવતા વરસે બીજાં ચાર કાન ફાડી નાંખે એવાં તોતિંગ સ્પીકરો વસાવી લેવાં છે… કારણ કે આમાં તો હજી અમુક લોકોને ખબર પડી જાય છે કે અમે ગરબાની પહેલી લીટી ગાયા પછી બધું અગડમ બગડમ જ ગાયા કરીએ છીએ !

***

કાનના ડોક્ટરનો સંકલ્પ

આવતા વરસે તો દરેક ગરબામાં મારાં પેમ્ફલેટ વહેંચવાં છે ! અને હા, પોસિબલ હોય તો બે-ચાર કાનફાડુ અવાજ કરતા ઓરકેસ્ટ્રાવાળા જોડે ‘ટાઈ-અપ’ કરી નાંખવું છે !

***

આન્ટીનો સંકલ્પ

ભલે થોડી પ્રેકટીસ કરવી પડે, પણ આવતા વરસે તો આ છોકરીઓ જેવાં અટપટાં સ્ટેપ શીખી જ લેવાં છે. આ વખતે તો હું ચાર વાર અથડાઈને ગબડી પડી !

***

અંકલનો સંકલ્પ

સાલું, બરોબર ‘જોઈએ’ તેવું દેખાતું નથી. આવતા વરસે તો પાક્યો હોય કે ના પાક્યો હોય… મોતિયો ઉતરાવી જ લેવો છે !

-  મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment