તમે માર્ક કરજો… નવરાત્રિના પાસ જેની પાસે પહોંચવા જોઈએ એવા બિચારા યુવાનો પાસે ઓન-એવરેજ માત્ર ‘દોઢ’ પાસ હોય છે !
બીજી તરફ ગરબાના ત્રણ આંટા મારતાં ફેંફેં થઈ જાય એવા ફોદા જેવાં કાકા-કાકીઓ પાસે રોજના ચાર ચાર પાસ એકસ્ટ્રા હોય છે.
અમને તો લાગે છે કે ગરબાના પાસમાં પણ ‘અનામત’ હોવી જોઈએ !
એક મિનિટ, એક મિનિટ, જ્ઞાતિના આગેવાનો ! ઉશ્કેરાઈ જવાની જરૂર નથી… અમારી ‘અનામત ફોર્મ્યુલા’ જુદી છે !
***
50 ટકા પાસ તો મહિલાઓ માટે અનામત રાખો કારણ કે મહિલાઓ છે તોજ ગરબા ‘જોવાલાયક’ બને છે !
જોકે કોઈ યુવક ‘બોબી ડાર્લિંગ’ બનીને આવી પહોંચે તો એને રોકવાને બદલે સીધો સ્ટેજ ઉપર ચડાવી દો !
***
5 ટકા પાસ કાનના ડોકટરો માટે હોવા જોઈએ ! કારણકે સ્પીકરોના ઘોંઘાટથી ભલભલાના કાનના પડદા ઢીલા થઈ જાય છે !
સાલું, છેક બીજે દહાડે સવારે ઊઠીએ ત્યારે ખબર પડે છે કે “યાર, બરોબર સંભળાતું કેમ નથી ?”
તો કમ સે કમ, બીજા દિવસે તો કાનના ડોકટરને ગરબામાં શોધી લેવાય ને !
***
3 ટકા પાસ ગળાના ડોકટરો માટે પણ અનામત રાખો ! સ્પીકરોના મારફાડ ઘોંઘાટમાં ઓળખીતાંઓ જોડે ‘કેમ છો મઝામાં’ જેટલી જરી અમથી વાતો કરીએ એમાં તો ગળાં છોલાઈ જાય છે !
એ તો ઠીક, કોઈ ખાસ મિત્રો ઘણા વખતે ગરબામાં મળી જાય તો “ક્યાં છો આજકાલ ? શું કરો છો ? શેરબજારમાં કેટલા ગયા ? આ રશિયા / ડોલર / મોદી / પર-પ્રાંતિયો / ચૂંટણીનું શું લાગે છે?” એવા માત્ર પાંચ ટોપિક ઉપર વાતો કરો ત્યાં તો સ્વરપેટીઓ હડતાળ ઉપર ઉતરી જાય છે.
બીજું, ગળાના ડોકટરો ‘ઓન-ધ-સ્પોટ’ ટ્રિટમેન્ટમાં 15 ટકાનું ડિસ્કાઉન્ટ આપે તોય સૌને ફાયદો છે.
***
24 ટકા પાસ કોલેજિયનો માટે, 12 ટકા સિનિયર સિટિઝનો માટે, 10 ટકાં ભૂલકાંઓ માટે… અને 2 ટકા પાસ મહિલા પોલીસો માટે રાખો.
***
… અને છેલ્લે, 50 ટકા પાસ ‘માત્ર જોવા માટે’ આવેલા ‘ક્રાઉડ’ માટે રાખો !
તમે કહેશો કે મન્નુભાઈ, તમે ઓલરેડી 106 ટકા ગણાવી ચૂક્યા છો, હવે બીજા 50 ટકા ક્યાંથી ઘૂસાડવા ?
- તો મિત્ર, પાર્ટી-પ્લોટવાળા એ જ કરે છે ! પેલા 50 ટકાને ઘૂસાડે છે એમાં જ તો આટલું ભરચક ‘ક્રાઉડ’ દેખાય છે !
- મન્નુ શેખચલ્લી
Navratri Mubarak
ReplyDeleteBapu
તમને ડાંડિયા મુબારક 😁
Delete