ક્રિકેટરોની સાથે તેમની પત્નીઓ...?


વિરાટ કોહલીએ માગણી કરી છે કે ક્રિકેટ-પ્રવાસ વખતે ક્રિકેટરોની સાથે તેમની પત્નીઓને પણ સાથે રહેવાની છૂટ હોવી જોઈએ.

ચાલો, માની લો કે એવું થઈ ગયું !

… પણ પછી ?

***

“આજે તું ફટાફટ આઉટ થઈને વહેલો વહેલો પેવેલિયનમાં પાછો આવતો રહેજે હોં ? આપણે શોપિંગ કરવા જવું છે !”

***

“આ ટીવી કેમેરાવાળો તમારા કેપ્ટનની વાઈફને જ કેમ બતાડ બતાડ કરે છે ? હું તો કંપ્લેન કરવાની છું…”

***

“અને પેલા નવા પરણેલા ક્રિકેટરની વાઈફ જોડે તું શું ક્યારની ઘૂસપૂસ ઘૂસપૂસ વાતો કરતો હતો ?”

***

“તમારા ક્રિકેટ બોર્ડવાળા કેમ આટલા ચિંગૂસ છે ? છેલ્લી દસ મેચથી હું જોઉં છું. તમને લોકોને એકનો એક ડ્રેસ પહેરાવીને રમવા મોકલ્યા કરે છે !”

***

(ટેસ્ટમેચના પહેલા દિવસે)

“હાય હાય ! આજે તેં વ્હાઈટ શર્ટ અને વ્હાઈટ પેન્ટ કેમ પહેર્યું છે ? કોઈના બેસણામાં જવાનું છે ?”

***

(ટેસ્ટમેચના ત્રીજા દિવસે)

કપડાં તો ચેઈન્જ કર ? ગઈકાલે તેં આ જ પહેર્યું હતું, પરમ દહાડે પણ આ જ… અને આજે પણ એ જ પહેર્યું છે, વ્હાઈટ એન્ડ વ્હાઈટ… મારી ફ્રેન્ડઝ મને પૂછે છે કે તારા હસબન્ડ પાસે બીજાં કોઈ કપડાં જ નથી ?”

***

“જો ને, મારી તો બધી બેગો ફૂલ થઈ ગઈ છે ! તારી કિટ-બેગમાં કેટલી બધી જગા છે ? મારા છ-સાત ડ્રેસ એમાં નાંખી દે ને…”

***

“સાંભળો, તમારું ક્રિકેટ પછી રમજો. પહેલાં આપણા બાબાને રમાડો… હું નહાવા જાઉં છું.”

***

“કહું છું, આજે લંચ-બ્રેક પડે ત્યારે તમારું ક્રિકેટ બોર્ડનું ખાવાનું ના ખાતા. મારી મમ્મીએ ખાસ તમારા માટે અડધો ડઝન આલુ-પરાઠા અને બે પંજાબી સબ્જી જાતે બનાવીને મોકલી છે, એ જ ખાવાની છે, હોં ?”

***

“દરવાજો નહીં ખોલું ! પહેલાં એ કહે કે હોટલની બેચલર્સ-વિન્ગમાં આટલી મોડી રાત સુધી તું કોની કોની રૂમમાં શું શું કરતો હતો ? આ 377 રદ થયા પછી ડબલ ડબલ ધ્યાન રાખવું પડે છે. ..

- મન્નુ શેખચલ્લી

Comments

Post a Comment