સ્વર્ગ અને નર્કમાં જવા માટેના કોમન દ્વાર આગળ સખત લાંબી લાઈન લાગી છે …
લાઈનમાં જોરદાર ધક્કામુક્કી ચાલી રહી છે. વારંવાર લાઈન તૂટી જાય છે. ટોળાંઓ ભેગાં મળીને દ્વાર તરફ ધસી જાય છે…
ત્યાં અચાનક યમદૂતો ધસી આવે છે. કાંટાળી ગદાઓ વીંઝીને બધાને ફરી લાઈનમાં ખડા કરી દે છે…
હજી તે જરા આઘા જાય ત્યાં ફરી લાઈનમાં ચડસા ચડસી ચાલુ થઈ જાય છે :
“એ ભાઈ, તું પાછળ જા ! હું અહીં પહેલાં આવીને મર્યો છું.”
“સરખું બોલતાં તો શીખ ? તારાથી પહેલાં મરીને હું અહીં આવ્યો છું.”
“બધું એક જ છે ને.”
ત્યાં એક ડોશીમા વચ્ચે પડે છે. “અલ્યાઓ, એક નથી ! લો, મારી જ વાત હાંભળો… હું મરી ગઈ પછી સ્મશાનના ઝાંપે ત્રણ કલાક રાહ જોતી બેસી રહી.”
“પણ ડોશીમા, તમે રાહ જોતાં બેઠાં હતાં ત્યાં લગીમાં હું તો ઈલ્લીગલ રીતે મારી અંતિમક્રિયા પતાવીને ક્યારની અહીં ઊભી છું.”
“પણ બઈ, પહેલાં મર્યું કોણ ?”
“એનો સવાલ જ નથી, પહેલાં અંતિમક્રિયા કોની થઈ? હવે આઘાં ખસો ડોશીમા.”
“અલી એય ! ધક્કાં શેની મારે છે ?”
“મારવા જ પડે ને ! હું તો તમારા કરતાં છ મહિના પહેલાંની મરી ગઈ હતી. પણ આધારકાર્ડ વિના અહીં પણ એન્ટ્રી નથી મળતી એમ સાંભળીને પાછી ધરતી પર ગઈ… ધક્કા ખાઈ ખાઈને છ મહિને પાછી આવી છું…”
ત્યાં તો યમદૂતો આવી પહોંચ્યા. “ચાલો… ચાલો… બધા લાઈનમાં !” એમ કહીને સૌને ફરી લાઈનમાં ધકેલવા માંડ્યા.
એવામાં એક નવો યુવાન મૃતાત્મા આવીને પૂછે છે “ભઈ, આ શું ચાલી રહ્યું છે ? આ લાઈન શેની છે ?”
એક કાકા સમજાવે છે “તને ખબર નથી ? એકાદ વરસ પહેલાં સરકારે એવું જાહેર કરેલું કે આધારકાર્ડ નહિ હોય તો સ્મશાનોમાં અંતિમવિધિ નહીં થાય.”
“હા, પણ એનું શું છે?”
“અલ્યા, ગઈકાલે જ સુપ્રિમનો ચૂકાદો આવી ગયો કે હવે આમાં આધારકાર્ડની જરૂર નથી ! એટલે એક વરસથી જે આત્માઓ એન્ટ્રી માટે રાહ જોતા હતા એ બધા સામટા ધસી આવ્યા છે ! બધાને સ્વર્ગમાં જવું છે…. ”
યુવાન હસવા લાગ્યો. “કાકા. સ્વર્ગ છોડો ને ? આપણે લાંચ આપવાનું ‘પાપ’ કરીને નરકમાં જ ફટાફટ એન્ટ્રી લઈ લઈએ તો !”
આખરે, રાહ જોઈ જોઈને કંટાળેલું એ ટોળું યુવાનની પાછળ પાછળ ચાલી નીકળ્યું.
- મન્નુ શેખચલ્લી
NirAdhar Adhar ki bat kya
ReplyDeleteતમારા કોમેન્ટ એ જ અમારું આધારકાર્ડ ! 😀 😀
Delete