ક્યા હર 'સ્ત્રી' ચુડૈલ હોતી હૈ?


ફિલ્મી, વેરી ફિલ્મી. . .

‘સ્ત્રી’ નામની આ ફિલ્મ રિલીઝ થયા પછી અમુક નોંધપાત્ર ઘટનાઓ બની છે (અથવા નથી બની.) જેમકે…

(1) ‘સ્ત્રી’ ફિલ્મમાં સ્ત્રીને ચૂડેલ સ્વરૂપે બતાડવામાં આવી છે છતાં કોઈ નારી સંગઠનોએ આ ફિલ્મનો વિરોધ કર્યો નથી.

(2) ‘સ્ત્રી’ ફિલ્મમાં સ્ત્રીને ખરેખર ‘ચૂડેલ’ સ્વરૂપે બતાડવામાં આવી છે છતાં કોઈ ‘પિડીત પતિ સંગઠન’ દ્વારા તેને સમર્થન આપવામાં આવ્યું નથી !

(3) આ ફિલ્મમાં રાતના સમયે પુરુષો બ્લાઉઝ, ચણિયો, સાડી વગેરે પહેરીને ગામના રસ્તાઓ ઉપર નીકળી પડે છે છતાં કોઈ LGBT સંગઠને તેનો ઉલ્લેખ સુધ્ધાં કર્યો નથી ! (ફિલ્મ તો 377મી કલમ રદ થઈ એ પહેલાં આવી ગઈ હતી. એ હિસાબે તો આ ‘ક્રાંતિ’ કહેવાય ! પરંતુ અફસોસ, આ ક્રાંતિની નોંધ લેવાઈ નહિ.)

(4) "શરમની વાત છે કે આ ક્રાંતિકારી ફિલ્મને ‘હોરર’ ફિલ્મ ગણવામાં આવે છે… ‘કોમેડી’ ફિલ્મ ગણવામાં આવે છે. આ એક જાતિનું (જેન્ડરનું) અપમાન છે.”

એવું કરણ જોહરે પણ કીધું નથી. સો સેડ… નો ?

***

ફિલ્મની સ્ટોરીમાં એવું હોય છે કે મધ્યપ્રદેશના કોઈ ગામમાં દરેક ઘરની બહારની દિવાલો ઉપર એવું લખેલું હોય છે કે “ઓ સ્ત્રી, કલ આના.”

ગામના લોકો માને છે કે આવું લખવાથી પેલી સ્ત્રી, જે ચૂડેલ છે, એ જતી રહે છે અને બીજે દિવસે આવે છે. પરંતુ બીજી રાત્રે પણ એ જ લખાણ વાંચીને એ બીજી રાત્રે આવે છે.. આવું ને આવું ચાલ્યા કરે છે…

(આ સ્ટોરી ઉપરથી એકતા કપૂરે ટીવી સિરિયલ બનાવી હોત તો પહેલા 100 એપિસોડ આ જ ચાલતું હોત ! દરેક એપિસોડના એન્ડમાં લખેલું હોત… “કલ ક્યા હોગા ? દેખિયે કલ કે ભયાનક એપિસોડ મેં !”)

પ્રેક્ષકોના નસીબે ફિલ્મની પાંચમી મિનિટમાં જ “સ્વચ્છતા અભિયાન કી ઐસી-તૈસી”માં માનનારો હીરો (રાજકુમાર રાવ) એક રાત્રે દારૂની પાર્ટીમાં ટલ્લી થઈને બંગલાના શૌચાલયમાં પીપી કરવાને બદલે કંપાઉન્ડ વોલની બહાર ધાર મારી આવે છે.

આમાં ને આમાં ‘કલ’ શબ્દ ભૂંસાઈ જાય છે… અને ‘સ્ત્રી’ આવીને પાર્ટીમાંથી એક છોકરાને ઉઠાવીને જતી રહે છે. ઢેન્ટેણેન્…

આ સીનમાં કોમેડી અને સસ્પેન્સ બન્ને છે. કોમેડી એ છે કે પેલી ચૂડેલ છોકરાનાં તમામ કપડાં કાઢી નાંખીને એને ઉઠાવી ગઈ છે ! પણ ‘સસ્પેન્સ’ એ છે કે એ પછી ચૂડેલે છોકરા જોડે કર્યું શું ?

***

આ બધું ચાલી રહ્યું છે એ દરમિયાનમાં એક ખાસ ધાર્મિક તહેવાર આવે છે. અહીં વાયકા એવી છે કે આ ચાર રાત્રિઓ દરમ્યાન પેલી ચૂડેલ ગામમાં જરૂર આવે છે !

બને છે એવું કે શ્રધ્ધા કપૂર એ જ વખતે ગામમાં આવે છે ! એ માત્ર અને માત્ર રાજકુમાર રાવને જ મળે છે ! બીજા કોઈએ એને જોઈ જ નથી ! આના ઉપરથી આપણને ડાઉટ જાય છે કે શ્રધ્ધા કપૂર જ ચૂડેલ હશે.

(બાય ધ વે, ‘ચૂડેલ’નો રોલ આલિયા ભટ્ટને ઓફર થયો હતો પણ એણે એમ કહીને ના પાડી હતી કે મારે આટલો બધો ‘રિયાલિસ્ટીક’ રોલ નથી કરવો.)

(એમ તો સની લિયોનને પણ લેવાનું વિચારતા હતા પણ એણે એમ કહીને ના પાડી કે કપડાં વિનાના જુવાન છોકરાઓ સામે હું કોઈ સીન નહિ ભજવું ! આમેય, મારી ઈમેજ ‘સંસ્કારી’ નારીની છે.)

***

હકીકતમાં શ્રધ્ધા કપૂર એક હોરર-રિસર્ચ એક્સપર્ટ છે. તેણે બાળપણથી જ અનેક ‘હોરિબલ’ દ્રશ્યો જોયાં છે. (નેચરલી, તેણે શક્તિ કપૂરને ‘એક્ટિંગ’ કરતાં જોયો જ હોય ને !)

પ્રેક્ષકોનાં સારા નસીબે શ્રધ્ધાએ રામસે બ્રધર્સની હોરર ફિલ્મો, ટીવી પર આવતી હોરર સિરિયલો કે રામગોપાલ વર્માની એકેય હોરિબલ ફિલ્મો જોઈ નથી એટલે તેની પાસે ચૂડેલ પકડવાની જે ફોર્મ્યુલા છે એ સાવ નવી છે. ચૂડેલ એના છટકામાં ફસાઈ જાય છે.

બિચારી ચૂડેલ રાજકુમાર રાવ જોડે ‘સુહાગરાત’ મનાવવા આવી પહોંચે છે. (જોયું ? સની લિયોનને આ સીન સામે જ વાંધો  હતો.)
એટલું જ નહિ, બિચારી ચૂડેલ જ્યારે જીવતી હતી ત્યારે સેક્સ-વર્કર હતી. (જોયું ? સની લિઓન આ રોલ કરી જ કેવી રીતે કરી શકે?)

શ્રધ્ધા કપૂર રાજકુમાર રાવને કહે છે કે બિચારી ચૂડેલ પ્રેમની ભૂખી છે. એને ‘લવ’ કર ! આમાં ને આમાં રાજકુમાર પેલી ચૂડેલને એટલી હોરિબલ રીતે કિસ કરે છે કે બિચારી ચૂડેલ હંમેશ માટે ગામ છોડીને જતી રહે છે ! બોલો.

- મન્નુ શેખચલ્લી

Comments