હવામાં ગોળીબાર
લો, પહેલાં આ સાહિત્યિક વારતા વાંચો…
એક હતો કાગડો.
એને તરસ લાગી હતી.
આસપાસમાં ક્યાંય પાણી નહોતું.
ત્યાં એને એક કુંજો દેખાયો.
પણ કુંજામાં પાણી ઊંડું હતું.
કુંજાની આસપાસ થોડા કાંકરા પડ્યા હતા. કાગડાએ ચાંચ વડે એ કાંકરા પાણીમાં નાંખ્યા. પાણી ઊંચે આવ્યું. કાગડાએ પીધું…
અને તે ઊડી ગયો.
***
તમને થતું હશે કે મન્નુભાઈની ડાગળી આજે ચસકી ગઈ છે. આ વારતા આપણે સત્તરસો વાર સાંભળી હશે. એમાં વળી ‘સાહિત્યિક’ શું છે ?
ત્યાં જ તમે ભૂલો છો ! આજકાલ આધુનિક સાહિત્યમાં કંઈપણ લખો એ ‘મહાન’ હોઈ શકે છે. પ્રોબ્લેમ માત્ર એટલો જ છે કે એ કેટલું મહાન છે એનો ‘રસાસ્વાદ’ જ્યાં લગી ના કરાવવામાં આવે ત્યાં લગી આપણને એની ‘મહાનતા’ની ખબર જ નથી પડતી !
હવે આ ‘વિવેચન’ જરા ધ્યાનથી વાંચજો. જો કંટાળો આવે તો કૌંસમાં લખેલું લખાણ મોટેથી વાંચજો…
***
વિવેચક લખે છે… કાગડાની આ લઘુકથાનું સ્થુળ સ્વરૂપ તો એક સાદીસીધી બાળવારતાનું છે પરંતુ તેમાં પડેલી સંકુલતાઓનો આવિર્ભાવ વાચકને પ્રથમ વાચનમાં ન થાય તે કદાચ સહજ અને ક્ષમ્ય છે.
(સંભાળજો બોસ, વિવેચકડો ચાલુ પડ્યો છે…)
કાગડો એ માત્ર કાગડો નથી. એ અહીં એક પ્રતિક બને છે. એવું પ્રતિક, જે કથનના કથ્ય તરફ દોરી જવામાં ઉદ્દીપક તો બને જ છે, સાથે સાથે તે કથાનાયક હોવાને નાતે ભાવકને કથ્ય તરફ સ્વયં સૂત્રધાર બનીને દોરી જવામાં સહાયભૂત બને છે.
(બાપ રે, વારતામાં આવું બધું છે ? આપણને તો એમ કે હશે, એને પાણી પીવું છે ને ? તે પીશે, અને નહિ પીવું હોય તો નહિ પીએ ! પણ આ કાગડો, મારો બેટો, કોઈ મોટી ‘ગેઈમ’ રમતો લાગે છે !)
કૃતિના સર્જકે કથાનાયકની પસંદગીમાં જ મેદાન મારી લીધું છે. કાગડો કાગડો જ શા માટે ? હંસ કેમ નહિ ? મોર શા માટે નહિ ? ઘુવડની શક્યતા અહીં ઉદ્ભવે ખરી ?
(શું થયું ? માથામાં કંઈ થાય છે ?)
કાગડો અહીં એક ‘ભાવક’ છે જે પોતે ‘તૃષાતુર’ છે. કથાનાયક કાગડો તૃષાને બદલે ‘ક્ષુધા’ વડે ત્રસ્ત હોત તો કથ્યને કથનની જે ગતિ મળી છે તે કદાચ પ્રાપ્ત ન થઈ શકી હોત.
(માથું દુઃખવાની શરૂઆત થઈ ગઈ છે ! કોઈ આને બંધ કરો યાર…)
કલ્પના કરો, કાગડાને સ્થાને હંસ હોત તો ? શું તૃષાતુર હંસ માત્ર પાણીથી સંતૃપ્ત થાય ખરો ? તે તો મોતીનો ચારો ચરનાર આદર્શ નાયક છે. નીર અને ક્ષીરનો વિવેક ધરાવતો હંસ, કદી આ કથાનો નાયક સંભવી શકે ખરો ?
(બજારમાં માથાના દુઃખાવા માટે ત્રણ જાતની ગોળીઓ મળે છે. એક, જે મોંઘી છે, તેનાથી પાંચ મિનિટમાં દુઃખાવો દૂર થાય છે. બીજી, સાવ સસ્તી છે, જે દુઃખાવામાં રાહત આપતાં વીસેક મિનિટ લગાડે છે. જોકે ત્રીજી, જે દુઃખાવાનાં લક્ષણોને બે જ મિનિટમાં દૂર કરે છે પરંતુ તેની સાઈડ ઇફેક્ટ બાબતે નિષણાત ડોકટરોમાં મતમતાંતર છે.)
(કૌંસમાં યે કૌંસ : એએએએ….ય સાલા કૌંસ ! તને પણ વિવેચકનો ચેપ લાગ્યો કે શું ? જા, ઊંઘની ગોળી લાવ, ઊંઘની !)
હા, તો સાદી ભાષામાં કહીએ તો વારતાનું રૂપક એવું છે કે સામાન્ય કક્ષાનો વાચક, જે કાગડો છે, તેને ‘સાહિત્ય’ની તરસ લાગી છે પરંતુ ‘સાચું સાહિત્ય’ એમ સુલભ હોય તો તેને સાહિત્ય જ શી રીતે કહેવાય ? અહીં કાગડાની તૃષા કેવળ ત્રણ ઘુંટડાની છે. છતાં તેને તૃપ્ત કરવા તેણે કાંકરાવાળો ઉદ્યમ કરવો જ પડશે.
(કાંકરા? અલ્યા, પથરા લાવો પથરા ! આ તો મગજમાં ડ્રીલ વડે કાણાં પાડવા બેઠો છે.)
વારતાનો નાયક કાગડો તે ઉદ્યમ કરે છે. આ જ તેનો અંતિમ સંઘર્ષ છે :
અનિયમિત આકારના તથા વજનના કાંકરાને ચાંચમાં પકડવો, પાંખો વીંઝીને માત્ર સવા-દોઢ ફૂટ ઊંચે ઊડવું, કાંકરાને કુંજામાં પધરાવવો, ફરી પાંખો પ્રસારી ભોંય પર ઉતરાણ કરવું, ફરી યોગ્ય વજન તથા આકારના કાંકરાને ચાંચમાં ગ્રહણ કરવો, પુનઃ સવા-દોઢ ફૂટનું ઉડ્ડયન કરવું, અને દ્વિતિય કાંકરાને પણ પ્રથમ કંકરની જેમ જ, કુંજામાં પડવા માટે વિમુક્ત કરવો તથા વધુ એકવાર વધુ એક કંકર માટે ધરા ઉપર ઉતરાણ કરી, ત્યાંથી તેને ઉદ્દ્ધ્રુત કરી, ફરી કુંજાના ગર્ભમાં નિરુપિત કરવા કટિબદ્ધ થવું…. આ કંઈ સહેલું કાર્ય નથી.
(ઓ વિવેચક ! તને વાંચવો એ પણ કંઈ સહેલું કામ છે ? આ વારતા તું એ જ કાગડાને આ રીતે સંભળાવે તો એની એવી છટકે કે કાંકરા પડતા મુકીને તારી ટાલ ઉપર ચાર વાર ચરકે !)
આ સંઘર્ષ-કૃતિને લેખક ધારે તેટલી વિસ્તારી શક્યા હોત પરંતુ સર્જકની લાઘવશૈલી જ અહીં ચમત્કૃતિ સરજે છે. લેખકે માત્ર એક વાક્ય લખ્યું છે : “પાણી… ઊંચે… આવ્યું…”
આહાહા… માત્ર સાડા છ શબ્દોના આ લઘુવાક્યમાંથી એક આખું ‘વિઝ્યુઅલ’ ઊભું થાય છે ! કુંજામાં રહેલું પાણી કાંકરાઓના તરંગો વચ્ચે ઝંકૃત થતું થતું ઊંચે આવી રહ્યું છે ! આવી અદ્ભુત દૃશ્યાવલિને સર્જકે કેટલી સાદગીથી રજુ કરીને કૃતિને અભૂતપૂર્વ ઊંચાઈ આપી દીધી છે…
(અને તેં અમારા મગજની પથારી ફેરવી નાંખી છે ! અલ્યા, તું છે ક્યાં ? એક કાગડાએ કાંકરા નાંખ્યા અને પાણી ઉપર આવ્યું એમાં તો શું જાણે મોટા સત્યજીત રે, દોસ્તોવયસ્કી, લોલાન અને ખલિલ જિબ્રાન ‘જંગલ મેં મોર નાચા’ જેવી કળાઓ કરી ગયા હોય એવાં વખાણો કરે છે ! તું એક વાર મારા હાથમાં તો આવ ?)
કાગડાની આ વારતાનું વિવેચન કરવા બેસીએ તો પુસ્તકોનાં ગાડાં ભરાઈ શકે પરંતુ અત્યારે તો એટલું જ કહેવું કે જો ગુજરાતી વાચક આટલું પણ સમજતો થાય તો…
(અલ્યા, પકડ ! પકડ ! એની બોચી પકડ ! છોડતો નહીં ! હું હમણાં ડંડો લઈને આવું છું ! ના… ડંડો નહિ, એને તો ‘કાંકરા’ વડે જ મારવો જોઈએ ! શું કહેવાય, એ જ ‘પ્રતિકાત્મક’ રહેશે…)
- મન્નુ શેખચલ્લી
Mane jara Vivechak nu
ReplyDeleteSarnamu aapjo any khabar levi che
Ho ho ho... હું એ પાપ ન કરી શકું ! ક્યાંક મારી ઉપર હત્યાની દુષ્પ્રેરણાનો આરોપ લાગે તો ?😀😀🤔🤔
ReplyDelete