રુપિયા કાયકુ ગગળતા હૈ?


અમદાવાદના ટપોરી મદન ચિકનાને દુનિયાભરના સવાલો થયા કરે છે. ગઈકાલે જ તેણે કાંચા કાણિયાને પૂછ્યું હતું :

“ઉસ્તાદ ! યે અપણા રૂપિયા કાયકુ ઈતના ગગળતા હૈગા ?”

“ક્યું કિ…” ઉસ્તાદે ચિકનાની બોચી ઉપર ટપલી મારતાં કહ્યું “ક્યું કિ, રૂપિયા ગોળ હૈગા. ચોરસ હોતા તો નીં ગગળતા.”

“તો ફિર સરકાર કુ નયે ચોરસ રૂપિયે બહાર પાડને ચાહિયે ને ? કમ સે કમ ગગળતા તો અટકેગા ?... છેક જાન્યુઆરી સે ગગળ રૈલા હૈગા.”

મદન ચિકનાએ છાપું ઉસ્તાદની સામે ધર્યું. એની હેડલાઈન વાંચતાંની સાથે જ કાંચા કાણિયાએ ચિકનાની બોચીમાં બે ઠોકી દીધી.

“અબે, અક્કલ કે ઓછે ! યે ઈન્ટરનેસ્નલ કરેન્સી કી બાત હૈગી. ડોલર કે સામણે રૂપિયે કા ભાવ ગગડ રૈલા હૈગા.”

“હાં, તો ?” મદન ચિકનાએ કહ્યું “અપણી સરકાર અમેરિકા કો બોલ કે રૂપિયા કા ટેકા કા ભાવ નંઈ કરા સકતી ?”

“રૂપિયે કા ટેકા કા ભાવ?”

“ક્યું, સરકાર મગફળી મેં નંઈ કરતી ? જબી મગફળી કા ભાવ ગિર જાવે તો સરકાર ટેકા કે ભાવ સે ખરીદી નંઈ કરતી ? વૈસે…”

“વૈસે ક્યા ?”

“વૈસે અમેરિકા અપણા રૂપિયા ખરીદણે કા ચાલુ કરે, તો ભાવ ગગળને સે અટક જાવે ને ?”

કાંચા કાણિયો મદન ચિકનાને ધારદાર નજરે જોતો રહ્યો. ચિકનાએ પોતાની બોચી આડે હાથ ધરતાં અસલી આઈડિયા કહી જ નાંખ્યો :

“ફિર અપણે ક્યા કરણે કા… કિ જૈસે, મગફળી કે કોથળે મેં માટી ભર ડાલી થી ને, ઐસે જ, રૂપિયે કે કોથળે મેં લોખંડ કી ખિલીયોં કા ભંગાર ભર ભર કે બેચ મારણે કા !”

“અબ્બે તેરે કુ -” કાંચા કાણિયાને એટલો ગુસ્સો ચડ્યો કે મદન ચિકનાને ઝુડી નાંખ્યો.

માર ખાધા પછી ચિકનાએ બોચી પંપાળતા કહ્યું “નંઈ ઉસ્તાદ, અપણા આઈડિયા કુછ ગલત થા ?”

“ગલત ? ” કાંચો બગડ્યો. “ચિકને, તેરી ચાંચ જિસ મેં ના ડૂબતી હોવે ને, ઐસી બાત તેરે કુ કરણે કી ચ નંઈ !”

“તો ફિર મેરી ચાંચ કિસ મેં ડૂબતી હૈગી ?”

“ઈસ મેં -” કાંચા કાણિયાએ છાપાની બીજી હેડલાઈન બતાડી. એમાં લખ્યું હતું : “વિજય માલ્યા માટે આર્થર રોડ જેલમાં રંગરોગાન થઈ રહ્યું છે.”

મદન ચિકનાની આંખો ચમકી ઊઠી. “ઉસ્તાદ ! અબી કુછ ઐસા લંબા હાથ મારતે હૈં, કિ અપણે કો પકડ કે ડાયરેક્ટ આર્થર રોડ જેલ મેં ડાલ દેવે !”

આ સાંભળીને ઉસ્તાદ કાંચાને થોડી હાશ થઈ…

- મન્નુ શેખચલ્લી

Comments

Post a Comment