વડીલોના વોટ્સએપ લોચા !


આજકાલ સાંઈઠ વરસના કાકાઓ અને પંચાવન વરસની કાકીઓના હાથમાં સ્માર્ટફોન આવી ગયા છે !

એમને વાપરતાં ફાવતું નથી. ટાઈપ કરતાં વાર લાગે છે. એમાં ને એમાં નવી ટાઈપના લોચા વાગી જાય છે ! જુઓ નમૂના…

***

લેટ-નેટ-અંકલ

તમે તમારા ગ્રુપમાં સવારે 9 વાગે મેસેજ મુકો છો “આજે મારો ફલાણી ન્યુઝ ચેનલ ઉપર ઇન્ટરવ્યુ આવવાનો છે. રાત્રે 8-00 વાગે ટીવી ઓન કરજો…”

તમારા વડીલ કાકા છેક બીજા દિવસે રાત્રે 8.30 વાગે મેસેજ કરે છે “અલ્યા, ક્યાં છે તારો ઈન્ટરવ્યુ ? ટીવી તો ચાલુ છે, પણ ભઈલા, તું કેમ દેખાતો નથી ?”

(વડીલે મેસેજ રિસિવ કર્યાનો સમય કે દિવસ જોયો જ નથી.)

***

ઢીલાં-ઢસ ચેટ આન્ટી

તમે ફેમિલી ગ્રુપમાં ચેટ કરી રહ્યા છો. તમે સટાસટ એક પછી એક મેસેજ પોસ્ટ કરી રહ્યા છો…

- હાય ! ગુડ મોર્નિંગ !

- બધા કેમ છો, મઝામાં ?

- એક ગુડ ન્યુઝ આપવાના છે…

- અમારે ત્યાં બેબી આવી છે.

- થેન્ક્યુ …. ! થેન્ક યુ…!

- એની સિંહ રાશિ આવે છે. કોઈ સારું નામ સજેસ્ટ કરો ને..

ચેટ આટલી આગળ વધી ગઈ છે ત્યારે એક ઢીલાં આન્ટી તમને જવાબ મોકલે છે.

- મજામાં !

(હકીકતમાં આન્ટીએ ધીમે ધીમે ટાઈપ કરીને તમને તમારી બીજી ચેટનો જવાબ સેન્ડ કર્યો છે.)

***

ઈધર કા માલ ઉધર

એક રાત્રે વોટ્સએપ જોતાં તમે ચોંકી જાઓ છો ! તમારા મોબાઈલમાં એક વડીલે સાવ ‘ઉઘાડો’ ફોટો પોસ્ટ કરી દીધો છે !

તમને જાતજાતના વિચારો આવી જાય છે. ગુસ્સો પણ આવે છે, શરમ પણ આવે છે. પરંતુ એમને કહેવું શું ?

ત્યાં વીસેક મિનિટ પછી વડીલનો મેસેજ આવે છે..

“સોરી હોં બકા ! ઓલ્યો ફોટો ‘માય ફ્રેન્ડઝ’ના ગ્રુપમાં મોકલવાને બદલે ‘માય ફેમિલી ફ્રેન્ડઝ’ના ગ્રુપમાં મોકલાઈ ગ્યો છે… પણ તું ઈ ખોલીને જોતો નંઈ હોં ?”

(હદ તો ત્યારે થાય, જ્યારે વડીલ એમ લખે કે “બકા, ઈ મને પાછો સેન્ડ કરી દે ને ?”)

- મન્નુ શેખચલ્લી

Comments