એક્શન-મેવ જયતે !


ફિલ્મી, વેરી ફિલ્મી….

આ કોલમમાં મોટે ભાગે કોઈ હિન્દી ફિલમની પેરોડી કરવામાં આવે છે પણ ‘સત્યમેવ જયતે’ એક એવી ફિલમ છે જે ખુદ પેરોડી જેવી છે !

‘ગબ્બર ઇઝ બેક’માં અક્ષયકુમાર ભ્રષ્ટ સરકારી ઓફિસરોને વીણી  વીણીને મારી નાંખતો હતો. આમાં જોન અબ્રાહ્મ ભ્રષ્ટ પોલીસ ઓફિસરોને ખતમ કરવા માંડે છે.

ગબ્બર ઈઝ બેકમાં ભ્રષ્ટ પોલીસ ઓફિસરો ગબ્બરને શોધવા માટે  ધંધે લાગી જાય છે પણ અહીં લેખક ‘મૌલિક’ બની ગયો છે ! ‘સત્યમેવ જયતે’માં તો એક ‘પ્રમાણિક’ પોલીસ ઓફિસર આ કાતિલને શોધવા નીકળી પડે છે!

લોચો એ થાય છે કે પ્રમાણિક પોલીસ ઓફિસર 'પ્રમાણિક' છે, તો 'બિન-પ્રમાણિક' પોલીસવાળા એને સપોર્ટ કરે કે ના કરે ? જો સપોર્ટ કરે તો કહેવું પડે કે હા, હું 'કરપ્ટ' છું ! યાર, મને બચાવો ! અને સપોર્ટ ના કરે તો પેલો ‘ગબ્બર-ટુ’ એમને મારી નાંખે !

ચાલો, બધા પોલીસવાળા ભેગા મળીને પેલા ‘ગબ્બર-ટુ’ને મારી પણ નાખે… પછી શું ? પછી તો પોતે જે ભ્રષ્ટાચાર કરીને માલ ભેગો કર્યો છે એમાંથી સિનીયરો, જુનિયરો, મિનિસ્ટરો વગેરે બધાને કટકીઓ આપવી પડે ને ?

તો યાર, ભ્રષ્ટાચાર કરીને કમાયા શું ? તંબૂરો ? અને હા, આ 'પ્રમાણિક' મનોજ બાજપેયીએ તમને બચાવ્યા એને કશું નહીં આપવાનું ?

અને પછી આગળ જતાં મનોજ બાજપેયીને શું મળે ? ચંદ્રક ? મેડલ ? ઈનામ ? … અને શેના માટે ? ‘ભ્રષ્ટ’ પોલીસવાળાઓને ‘બચાવવા’ માટે ?

લેખક-દિગ્દર્શક મિલન મિલાપ ઝવેરીને આવા સવાલો સાથે ‘મિલાપ’ નહિ થયો હોય અથવા એને જવાબોનું કંઈ ‘મિલન’ નહિ થયું હોય એટલે એણે ‘દિવાર’ની ફોર્મ્યુલા ઉઠાવી લીધી… જોન અબ્રાહમ મનોજ વાજપેયીનો ભાઈ છે !

***

મનોજ : ભાઈ… તુમ કિલીંગ બંધ કરોગે યા નહીં ?

જોન : કરુંગા, મગર પહલે ઉસ કીલર કો કીલ કરો જીસને હમારે પિતાજી કો અપને આપ કો કીલ કરને પર મજબૂર કિયા થા… પહલે ઉસ કીલર કો કીલ કરો જીસને ઈસ પિકચર કી સ્ટોરી કો કીલ કર ડાલા હૈ… પહલે ઉસ કીલર કો કીલ કરો જો પિક્ચર મેં તીન તીન બાર પુલીસ કી પ્રતિજ્ઞા હમ સે રીપીટ કરવા કરવા કે ‘ટાઈમ-કીલ’ કર રહા હૈ !

***

ફિલ્મમાં એટલી બધી મારામારી છે કે ખુદ મારામારી જ પેરોડી જેવી લાગે છે. પ્રેક્ષકો ફાઈટીંગ વખતે જ ખડખડાટ હસવા માંડે છે !

જોન : યે પબ્લિક મેરી ફાઈટીંગ દેખકર ઈતના ક્યું હસતી હૈ ?

ડીરેક્ટર : ક્યું કી તુમ કોમેડી તો કર નહીં સકતે… ઇસલિયે મૈને ફાઈટિંગ કો હી હાસ્યાસ્પદ બના ડાલા હૈ !

***

જોકે આમાં વાંક જોન અબ્રાહમનો નથી. શૂટિંગ વખતે જ્યારે જ્યારે ડીરેક્ટર શોટ લેતી વખતે કહ્યું હશે કે “એકશન !” ત્યારે જોન અબ્રાહમે તે આદેશનું ‘અક્ષરશઃ’ પાલન કર્યું છે.

***

‘ગબ્બર ઈઝ બેક’માં જે રીતે પોલીસવાળો ગબ્બરની ‘પેટર્ન’ શોધી કાઢે છે એ જ રીતે અહીં મનોજ વાજપેયી જોન અબ્રાહ્મની પેટર્ન શોધી કાઢે છે. એ પેટર્ન છે SATYAMEVA JAYATE…

જીહા, મુંબઈના દરેક પોલીસ સ્ટેશનના નામના પહેલા અક્ષર મુજબ હત્યાઓ થઈ છે. પહેલાં S = સાન્તાક્રુઝ પછી A = અંધેરી, ત્યાર બાદ T = થાણે… એ રીતે. પરંતુ પછી એ પેટર્ન અટકી જાય છે.

મનોજ બાજપેયી પૂછે છે “તું SATYA… પછી આગળ કેમ ના વધ્યો ?”

જોન : મને સખ્ખત ડર લાગતો હતો.

મનોજ : કેવો ડર ?

જોન : … કે જો હું પોલીસોના ‘MEVA’ ઉપર હુમલો કરીશ તો તો મને કોઈ પોલીસવાળો જીવતો નહીં છોડે !

***

છેવટે મનોજ વાજપેયીને ખબર પડી જાય છે કે કિલર જોન અબ્રાહમ જ છે. તે કહે છે (‘દિવાર’ સ્ટાઈલમાં) “મેરે પાસ વરદી હૈ, નૌકરી હૈ, સેલરી હૈ, મેડલ હૈ… તુમ્હારે પાસ ક્યા હૈ?”

જોન : મેરે પાસ પુલીસ કમિશ્નર કી બેટી હૈ !

(આખરે પોલીસ કમિશ્નર પોતાના થનારા જમાઈ ઉપર ગોળી નથી ચલાવી શકતો એટલે મનોજ વાજપેયીને મારી નાંખે છે. સત્યમેવ મરતે !)

- મન્નુ શેખચલ્લી

Comments