મારા પ્રિય જુના મોબાઈલ,
આજે મારો ડ્યુઅલ-સિમવાળો સ્માર્ટફોન હેંગ થઈ ગયો અને એકસ્ટ્રા સિમવાળા ફોનની બેટરી પણ પતી ગઈ… ત્યારે જ તારી યાદ આવી છે. સોરી યાર !
***
તને યાદ તો કરું છું પણ તને ફરી અપનાવું શી રીતે ? કારણ કે તારી જાડી પિનવાળું ચાર્જર પણ જડતું નથી…
***
બાકી, શું તારો વટ હતો ! તું ખિસ્સામાં ખાલી વાયબ્રેટ થતો એમાં તો મારી આખી જાંઘ થરથરી ઊઠતી હતી !
***
અને તારી રીંગ ? આહાહા… છેક સાત ઘર દૂરના પાડોશીને ય ખબર પડી જતી કે જો, પેલા ટોપાનો ફોન વાગ્યો !
***
પણ હા, ફોન આવે કે તરત કાને ધરીને અમથા અમથા ચાલ-ચાલ કરવાની ટેવ તો તેં જ પાડી હોં !
***
અને ડિયર જુના ફોન, તહેવારોની સાચી કિંમત પણ તેં જ અમને બતાડી… કારણકે તહેવારના દિવસે SMS કરીએ તો 10 પૈસાનો ચાર્જ લાગતો !
***
પણ યાર, તું આવ્યો કે તરત અમે BSNLના લેન્ડલાઈન ફોનને ‘ડબલું’ કહેતાં થઈ ગયા…
અને તકદીર તો જો ? સ્માર્ટ ફોન આવ્યો કે તરત અમે તને ‘ડબલું’ કહેવા લાગ્યા.. સોરી યાર, સો સોરી !
***
ચલ, એ બધું છોડ, રોજના બે ડઝન જોક્સ તારા આવ્યા પછી જ અમે વાંચતા થયા. બાકી અમને હસતાં જ ક્યાં આવડતું હતું ?
***
અને યાદ છે ? તું પલળી ના જાય, તારી ઉપર સ્ક્રેચ ના પડે, એટલા ખાતર અમે તારી ઉપર ‘ચેઈનવાળા’ જાડાં પ્લાસ્ટિકનાં કવર પહેરાવીને તને કેટલો સાચવતા !
***
‘લાઈફ-ટાઈમ’ માત્ર 20 વરસનો હોય એની યે તારા આવ્યા પછી જ ખબર પડી. અને ડિયર, ઉપરવાળાનો ખેલ તો જો ? તારો જ લાઈફટાઈમ અમે પતાવી નાંખ્યો…
***
પણ બકા, રડ નહિ. મારા 80 વરસના પાડોશી પશાકાકાએ તારા એક 'ભાઈ'ને હજી સાચવી રાખ્યો છે. એની જોડેથી જાડી પિનનું ચાર્જર લાવીને તને હમણાં ફરી બોલતો કરું છું…
***
એક મિનિટ, આ મારા સ્માર્ટ ફોનની બેટરી જાતે બેક-અપ લઈને રિ-સ્ટાર્ટ થતી લાગે છે…
… તો… બાય, હોં !
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment