મેકિંગ ઓફ "ધડક"... કરણ જોહર સ્ટાઈલમાં

ફિલ્મી, વેરી ફિલ્મી…

જો તમે ‘ધડક’ ફિલ્મ જોઈ આવ્યા હો, કે પછી એનો રિવ્યુ વાંચી લીધો હોય (ઘણા લોકો ફિલ્મ જોઈ આવ્યા ‘પછી’ પણ રિવ્યુ વાંચતા હોય છે!) તોય તમને હજી આ ફિલ્મ બની કેવી રીતે, એનો કોઈ આઈડિયા નહિ હોય ! એટલે જ અમે લાવી રહ્યા છીએ ....“મેકિંગ ઓફ ધડક"!

***

કરણ જોહર અને ‘ધડક’ના લેખક બેઠા છે. ત્યાં એક પ્રોડક્શન આસિસ્ટન્ટ આવીને કહે છે : “કરણ સા’બ, સૈરાટ ફિલ્મમાં હિરો જે સિમેન્ટના પતરાંથી બનેલા ઘરમાં રહે છે એવો જ સેટ બનાવવાનો છે ને ?”

કરણ તરત બોલી ઊઠે છે “ના ના, તો તો પ્રોડક્શન વેલ્યુ ક્યાં દેખાશે? અને મારી કોઈ પણ ફિલ્મમાં તમે ગરીબી જોઈ છે ?”

લેખક : “પણ કરણજી, સૈરાટની સ્ટોરી એવી છે કે હિરો અત્યંત ગરીબ ઘરનો છે. માછીમારનું કામ કરે છે.”

કરણ : “ના ના, આપણે આ ફિલ્મ ઉદયપુરમાં શૂટ કરવી છે, એટલે તમે એક કામ કરો, હિરોના બાપની રેસ્ટોરન્ટ છે એવું બતાડો ! એ પણ લેકનો વ્યુ મળે એવી જગાએ ! વિઝ્યુઅલી બહુ રીચ લાગશે.”

લેખક : “પણ સરજી, લેક-વ્યુ રેસ્ટોરન્ટ જો ઉદયપુરમાં હોય તો એની કિંમત મિનિમમ 3-4 કરોડ હોય !”

કરણ : “ભલે ને હોય ? તમે ડાયલોગ્સમાં વારંવાર લખ્યા કરજો, તુમ નીચી જાતિ કે હો… નીચી જાતિ કે હો…”

***

પ્રોડક્શન આસિસ્ટન્ટ આવીને કહે છે “સર, સર, સૈરાટમાં દેખાડ્યો હતો એવો જ એક કૂવો રાજસ્થાનમાં મળી ગયો છે !”

કરણ : “ના ના ! કૂવો નહિ, કૂવો નહિ ! સરોવર લાવો, સરોવર ! બીજું શું છે કે જાહનવીને કૂવામાં તરવાનું નહિ ફાવે. એની મમ્મી બાથટબમાં પડીને મરી ગઈ પછી જાહનવીને ઓછા પાણીનો બહુ ડર લાગે છે!”

આસિસ્ટન્ટ : “અને હા, જાહનવી મેડમ માટે એક જોરદાર બુલેટ રેડી કરીને રાખ્યું છે.”

કરણ : “નોનોનો ! નો બુલેટ ! આપણે ફિલ્મમાં છેક એન્ડમાં જ હિંસા બતાડવી છે.”

લેખક ડઘાઈ જાય છે. “કરણજી ! બુલેટ એટલે બાઈક… બાઈક…”

કરણ જોહર કહે છે “નહીં રાઈટરજી, જાહનવી બાઈક સંભાલ નહીં પાયેગી… અગર ગિર-વિર ગઈ તો મમ્મી કી તરહ પ્લાસ્ટિક સર્જરી કરવાની પડેગી… ડ્રોપ ધી બાઈક, ઓકે?”

લેખક દલીલ કરે છે “મગર, હમેં યે દિખાના હૈ કિ લડકી લડકે સે જ્યાદા પાવરફૂલ હૈ.”

કરણ હસતાં હસતાં કહે છે “રાઈટરજી! આપ હી બતાઓ, શ્રીદેવી જ્યાદા પાવરફૂલ થી યા શાહિદ કપૂર ? ઔર જાહનવી તો શ્રીદેવી કી ડાયરેક્ટ બેટી હૈ… જબ કિ ઈશાન કપૂર તો શાહિદ કી પહલી મમ્મી કે સેકન્ડ હસબન્ડ કા લોન્લી બેટા હૈ !... તો બતાઓ, પાવરફૂલ કૌન હુઆ ?”

(લેખક પોતાનું કપાળ કૂટે છે. જોકે આ તો હજી શરૂઆત છે.)

***

પ્રોડક્શનનું કામકાજ જોરશોરથી ચાલી રહ્યું છે. ડ્રેસ ડિઝાઈનર ઈશાન કપૂરનાં શર્ટ્સ, ટ્રાઉઝર્સ, ઘડિયાળ, શુઝ વગેરેની ડિઝાઈનો બતાડી રહ્યો છે.

લેખક આ જોઈને ચોંકે છે. “અરે કરણજી ? લડકા ઐસે ડિઝાઇનર વેર કૈસે પહન સકતા હૈ ? વો તો ગરીબ હૈ !”

“ગરીબ ?” કરણ હસે છે. “આપ હી ને કહા થા, વો તો ચાર કરોડકી પ્રોપર્ટી કા માલિક હૈ !”

લેખક પોતાના વાળ ખેંચવા માંડે છે. “કરણજી, આમાં ગરીબી-અમીરીનો સંઘર્ષ ક્યાંથી આવશે ? અને એ તો આખી વાર્તાનો આત્મા છે !”

કરણ જોહર લેખકનો ખભો થાબડતાં કહે છે “આત્મા આખિર ક્યા હોતા હૈ ? વો તો અમર હૈ.. પૃથ્વી પર આકર વો કેવલ અલગ અલગ ડિઝાઇનર  વસ્ત્ર ધારણ કરતા હૈ!”

લેખકને હવે ચક્કર આવવા માંડે છે.

***

કરણ જોહર લેખકની લખેલી સ્ક્રીપ્ટ વાંચીને જાતજાતના વાંધા કાઢી રહ્યો છે :

“નાનાના… આ કાઢી નાંખો, પેલું બદલી નાંખો, સંવાદો ટુંકા કરો, જાહનવીને બોલતા નહિ ફાવે, અને આ ઘણી ખમ્મા- ઘણી ખમ્મા- શું છે ? જાહનવી કેન્નોટ સ્પીક ‘ણ’… ! ઇંગ્લીશમાં ટાઈપ કરેલી સ્ક્રીપ્ટમાં ‘ણ’ કેવી રીતે ટાઈપ કરશો ? જાહનવી કેન રીડ ઓન્લી ઈન ઇંગ્લીશ…”

લેખકને હવે ઉલટી થવાની તૈયારી છે. છતાં તે સહન કરી રહ્યો છે.

છેવટે જ્યારે કરણ જોહર કહે છે કે “નોનોનો… ઇસ કા એન્ડ સૈરાટ જૈસા મત રખો ! કુછ નયા સોચો ! કુછ ઓરિજીનલ !”

ત્યારે ‘ઓરિજીનલ’ શબ્દ સાંભળતાં જ લેખકનો પિત્તો જાય છે “કરણજી! એન્ડ મેં હત્યા હોના જરૂરી હૈ!”

કરણ જોહર ઠંડકથી કહે છે “હત્યા ? વો તો મૈં ઓલરેડી તીન તીન કર ચુકા હું ! "

"હેં? "

"દેખિયે, ‘અગ્નિપથ’ ‘જંજીર’ ઔર ‘ઇત્તેફાક’… યે તીનોં ઓરિજીનલ ફિલ્મોં કા મૈંને મર્ડર કિયા હૈ કિ નહીં ?”

.... આખરે લેખક ત્યાં જ આત્મહત્યા કરે છે.

- મન્નુ શેખચલ્લી

Comments