જુના લોકસાહિત્ય મુજબ બાર જાતના મેહ (વરસાદ) હોય છે પરંતુ જમાનો બદલાઈ ગયો છે. હવે મેહના નવા પ્રકારો આવી ગયા છે...
***
(1) અમી છાંટણા મેહ
આ એક જ એવો મેહ છે જેને હંમેશાં ‘ક્રેડિટ’ મળે છે. (માત્ર 200 ટીપાં વરસે તોય !) કારણ કે રથયાત્રામાં છાંટા પડે તેને અમીછાંટણાં કહે છે.
(2) પોલ-ખોલ મેહ
પત્રકાર જગતના હિસાબે સિઝનનો પહેલો વરસાદ ‘સરકારી તંત્રની પોલ ખુલી ગઈ’ એવું સાબિત કરવા માટે જ પધારે છે.
(3) ટ્રાફિક-જામ મેહ
રોડની બન્ને સાઈડે 1 થી 1.5 ઇંચ જેટલાં ઊંડા પાણી ઘેરાવાને કારણે તેમાં 'ડૂબી મરવાના' ભયથી હજારો વાહનો તેનાથી દૂર રહે છે. સરવાળે સર્જાતા ટ્રાફિક-જામના મૂળમાં માત્ર દોઢ ઈંચનો મેહ હોય છે !
(4) પાણી ઘૂસ્યાં મેહ
એક તો નીચાણવાળા વિસ્તારમાં સોસાયટી બાંધી હોય પછી એમાં પાણી ઘૂસી જાય… તો ઘૂસ કોણે મારી કહેવાય ? માણસે કે વરસાદે ?
(5) આગાહી મેહ
હવામાન ખાતાની આગાહી મુજબ ખરેખર વસતો ‘આજ્ઞાંકિત’ મેહ !
(6) રેકોર્ડ મેકર મેહ
નવસારી, વલસાડ, ઉમરગામ, મુંબઈ જેવા શહેરો દરિયાકાંઠે હોવાથી ત્યાં 24 કલાકમાં 10-12 ઇંચ વરસાદ પડે જ છે. પરંતુ બીજાઓ માટે તે ‘રેકોર્ડ’ છે !
(7) વોટ્સએપ મેહ
આમાં મુંબઈનો વરસાદ દર વખતે મેદાન મારી જાય છે. બિચારા ગુજરાતવાસીઓને ભાગે તો ફોરવર્ડેડ ફોટા અને જોક્સ જ આવે છે.
(8) કાવ્ય-સર્જક મેહ
ક્યાંક પડેલો જરી અમથો વરસાદ સોશિયલ મિડિયાના સુષુપ્ત કવિઓને ‘દાદૂર-સેના’ની માફક જથ્થાબંધ કાવ્ય સર્જનો કરવા માટે ‘ઉદ્દીપક’નું કામ કરે છે. ( છતાં કોઈ કવિતામાં ‘હે ઉદ્દીપક !’ એવું લખેલું આવતું નથી.)
(9) હવાઈ નીરીક્ષણ મેહ
નેતાજી વિમાનની બારીમાંથી નીચેનું બ્રાઉન-બ્રાઉન પાણી જોતા હોય તેવી તક આપતો વરસાદ.
(10) રાહત સામગ્રી મેહ
ચૂંટણીઓ નજીક હોય ત્યારે કાર્યકરો આ પ્રકારના મેહની રાહ જોતા હોય છે કારણ કે…
આફત એ જ ‘અવસર’ !
(11) સેલ્ફી મેહ
આના માટે બે સ્થિતિ જરૂરી છે. (૧) વરસાદ આછો હોવો જોઈએ. (૨) મોબાઈલ વોટરપ્રુફ હોવો જોઈએ.
(12) કેરળ મેહ
હકીકતમાં આ મેહ પ્રથમ નંબરે આવે છે, જ્યારે આપણને ન્યુઝ મળે છે કે…. “કેરળમાં ચોમાસું બેસી ગયું !”
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment