CIDની હોટ ઉનાળુ શાયરીઓ ...

હજી ગરમી કેમ ઘટતી નથી ? હવે વરસાદ ક્યારે થશે ? આ બધા સવાલોના જવાબ તો CID પાસે પણ નથી… કારણકે ACP પ્રદ્યુમ્ન અને આસિસ્ટન્ટ દયા બન્ને જણા ગુજરાતની ગરમીથી ત્રાસીને શાયરીઓ કરતા થઈ ગયા છે !

***

ક્યાંક કોઈ લૂંટ થાય છે

ક્યાંક કોઈ ખૂન થાય છે

એસીપી બોલ્યો, દયા

તારી બારી બંધ રાખને,

બહારથી લૂ વાય છે !

***

પિસ્તોલથી છૂટેલી ગોળી

ક્યાં જઈને ઘૂસે છે

ખૂનીઓ બી આપણાં

કેવાં દિમાગ ચૂસે છે

એસીપી કહે છે દયા,

મને તો ઇર્ષ્યા આવે છે

ટપોરીઓ શૂટ-આઉટમાં પણ

બરફના ગોળા ચૂસે છે !

***

ડૉનનો અડ્ડો જુઓ, સર !

એનાં બારણાં હલે છે !

એસીપી બોલ્યો, દયા

તારી આંખો છે કે બટન ?

આ તો કચ્છના હાઈવે પર

બપોરનાં ઝાંઝવાં હલે છે !

***

પુરાવાઓ અને ફાઈલો

સત્યને ગળી જશે…

(વાહ વાહ.. આ ઊંચી લાગે છે)

પુરાવાઓ અને ફાઈલો

સત્યને ગળી જશે…

એસીપી બોલ્યો, દયા

સત્યની ચિંતા છોડ

નહિતર, ડંડી રહેશે હાથમાં

ને આઈસ્ક્રીમ ઓગળી જશે !

***

ફુલ-પ્રૂફ ગુનાની કડીઓ

મળતી નથી હોતી...

ભૂંસાઈ જાય છે પગલાં

છાપ મળતી નથી હોતી...

એસીપી કહે છે, દયા

કોઈ મોટું ષડયંત્ર છે

ક્યાંક ચાલુ હશે મુશાયરા…

કયાંક હશે કવિઓ FB પર…

નહિતર, સામાન્ય જોખમોથી

વાદળીઓ ડરતી નથી હોતી !

- મન્નુ શેખચલ્લી

Comments