આઈપીએલને "સ્ત્રીયલાઈઝ" કરો !

કહે છે કે  આઇપીએલની વ્યૂરશીપ ઘટી રહી છે. કારણ શું ? કારણ એક જ છે, આ બધી મેચો માત્ર પુરુષો જ  જુએ છે. બહેનોને એમાં રસ પડતો જ નથી.

અને પડે ય ક્યાંથી ? નથી આમાં ઈમોશન્સ, નથી ડ્રામા, નથી કાવાદાવા, નથી સસ્પેન્સો કે નથી વિલનો (યાને વિલનાણીઓ !) ઉપરથી સાલી  4 કલાકમાં મેચ પતી  જાય! એ પછી? તો કહે કાલે... પણ કાલે શું ? તો કહે બસ, બીજી મેચ...

હવે તમે જ કહો, આમાં શું મઝા પડે ? માત્ર બહેનોને નહિ, આખા ફેમિલીને રસ પડે એ રીતે આઇપીએલની મેચો બતાડવી જોઈએ...

***

પરિવારો હોવા જોઈએ

ટીવીમાં પરિવાર ના હોય તો ઘરના પરિવારોને શેમાં રસ પડે ?

એટલે સૌથી પહેલાં તો પરિવારો બનાવો.
જેમ કે અંબાણી પરિવાર, શાહરુખ પરિવાર, ઝિન્ટા પરિવાર, ધોની પરિવાર, કોહલી પરિવાર...

ના ના, તમે જ કહો,  IPLની મેચોમાં જ્યારે મુકેશભાઈ  અને નીતાભાભી એમના બાબાઓ સાથે ભુરા સોફાઓમાં બેઠેલા દેખાય છે તો જોવું ગમે છે કે નહિ ? આપણને તો એમ થાય કે ભાઈ, પેલા મોટા દીકરાની સગાઇ જેની જોડે થઇ એ 'વહુ'ને પણ બતાડો ને ! બોલો, એ છોકરી  મઝાના ચણિયાચોળી પહેરીને આવે તો બહેનોને ગમે કે નહીં ?

પણ પેલી બાજુ શાહરુખ બળેલા કોલસા  ડાચું લઈને લઈને આખી મેચ ઉભો ઉભો જોયા કરે એમાં શું મઝા પડે? જોડે એની પત્ની ગૌરી હમણાંજ બ્યૂટીપાર્લરમાં ફેશિયલ કરાવીને આવી હોય (નીતાભાભીને જેમ), સાથે બાબો આર્યન  કંઈ નવી હેર-સ્ટાઈલમાં હોય અને બેબી (શું નામ એનું? જોયું ? આ પરિવારોને બતાડતાં નથી એમાં નામોય યાદ નથી રહેતાં) એ ક્યુટ છોકરી હાથમાં ટેડી-બેર લઈને ખિલખિલ હસતી બેઠી હોય તો જોવું ગમે કે નહિ ?

અચ્છા, ધોનીના મમ્મી-પપ્પાને આપણે કોઈ દહાડો જોયા ? સાક્ષીને તો જોઈ પણ સાક્ષીનો પરિવાર મેચ જોવા બેઠો હોય તો જોવું ગમે કે નહિ ? બિચારો વિરાટ કોહલી રમતો હોય ત્યારે આપણે એક ઝલક  માટે અનુષ્કાને જોવા માટે તરસી જઈએ છીએ, તો યાર, વિરાટની સાળી, સાસુજી કે મામી સાસુને જોઈને બહેનોને ટાઢક વળે કે નહિ ?

અમે તો કહીયે છીએ કે ડગ-આઉટમાં પેલા સૌ ઘરડા થઇ ગયેલા જુના ક્રિકેટરોને ચડ્ડીઓ પહેરાવીને બેસાડી રાખો છો એના કરતા આવા બધા પરિવારોને સજાવી ધજાવીને બેસાડોને ?

***

પારિવારિક ચર્ચા હોવી જોઈએ 

દરેક મેચની પહેલાં એક કલાક લાગી પેલા ત્રણ મહા-બોરિંગ કોમેન્ટેટરોને લાલ-ભૂરા પટ્ટાવાળા ગ્રાફિક્સ ઉપર ઉભા ઉભા ચપડ-ચપડ કરીને જે 'એનાલિસિસ' ના કોગળા કરે છે એમાં હોય છે શું ?

એનું એ જ... પિચ રિપોર્ટ, હવામાન રિપોર્ટ, ટીમમાં ફેરફારો, ફલાણાએ આમ રમવું જોઈએ અને ઢીકણો તેમ રમશે કે કેમ ?..... યાર, જેને 'મેચો' જોવી છે એ લોકો પણ આ કકળાટ નથી જોતા.

એના બદલે 'પરિવારોને લાવો ને ?

ધોનીની મમ્મી સાડીના પાલવ વડે આંખો લૂછતી લૂછતી કહેતી હોઈ  "હમરા બેટા બહુત હોનહાર હૈ, મગર ના જાને કિસ કી નજર લગ ગઈ હૈ ? આખરી બોલ પે સિક્સર હી નહિ લગા પાતા  ?"

અનુષ્કા શર્મા શરમાતી શરમાતી કહેતી હોય, "વૈસે તો જબ ભી મૈં  પેવેલિયન મેં બૈઠકર વિરાટ કી ગેમ દેખતી હું, વો બેચારા ઝીરો મેં આઉટ હોતા હૈ ! ઇસલિયે અબ મૈને વ્રત રખ્ખા હૈ કી મૈ ઘર પે હી બૈઠકર ટીવીમેં દેખુંગી... ભગવાન મેરે સુહાગ કી સદા રક્ષા કરે ...."

અરે, પેલો નવો નવો આવેલો બોલર માર્કંડેય પહેલી જ મેચમાં ત્રણ-ત્રણ વિકેટો ખેરવી નાંખે, પછી ઈન્ટરવલમાં એના મમ્મી-પપ્પા (કે નાની બહેન)નો ઇન્ટરવ્યૂ હોય ! એમની આંખમાંથી હર્ષના આંસુઓની ગંગા-જમુના વહેતી હોય "મંઈ તો પહિલે સે મ્હણાલી હોતી, આમચા વ્યંકટેશ એકા દિવશી આમચા નામ ખૂપ રોશન કરણાર ..."

બોલો, આવું બધું બતાડે તો બહેનોને જોવાનું ગમે કે નહિ ?

એના બદલે યાર, તમે કોઈ કાળીયાને કે ધોળિયાને કંઈ ગોળ-ગોળ સવાલ પૂછો અને પેલો "યાયાયા..." કરતો જવાબમાં શું ગબડાવી જાય, એનાં બે વાક્યો પણ પલ્લે ના પડે, એમાં શું મઝા આવે ?

***

કાવતરાં હોવા જોઈએ

ડફોળ કોમેન્ટેટરો 'ગેમ-પ્લાન' અને 'રણનિતી 'ના ફીફાં ખાંડે રાખે છે પણ એમાં શું ધૂળ રસ પડે ? ખરેખર તો 'પરદે કે પીછે' યાને કે પેવેલિયનની અંદર ગ્રીન રૂમમાં શું ગેઇમ રમાઈ ગઈ છે એ બતાડવું જોઈએ !

દાખલા તરીકે વિરાટ કોહલીનું સૌથી ફેવરિટ બેટ છે તેની અદલાબદલી કરવાનો પ્લાન ઘડાઈ ચૂક્યો છે !

કોઈ જાણભેદુ વ્યક્તિ પાછલા બારણેથી અંદર ઘૂસી ગયો છે અને 'કોફીના કપમાં માખી પડી ગઈ છે' એવું નાટક કરીને, તેને 'ગુમરાહ કરીને' બેટની અદલાબદલી કરી નાંખે છે ! હવે શું થશે ? દેખિયે અગલે એપિસોડ મેં...

અથવા તો યુસુફ પઠાણનું એક નસીબવંતુ તાવીજ છે, જે તેને અજમેર શરીફની દરગાહ પાસે બેસતા એક ફકીરે આપ્યું હતું, તેને ચોરી લેવાનો પ્લાન ઘડાઈ ચૂક્યો છે !

પણ યુસુફના નાના ભાઈ ઈરફાન પઠાણને  આખા કાવતરાની  ગંધ આવી જાય છે ! તે મોહાલીના મેદાનમાં કોમેન્ટ્રી કરવાનું પડતું મૂકીને મારતા વિમાને છેક હૈદરાબાદ ધસી જાય છે !

... ક્યા ઈરફાન અપને બડે ભાઈ કા તાવીજ બચા પાયેગા ? દેખિયે અગલી મેચ મેં ..

***

જાયદાદના ઝગડા હોવા જોઈએ 

કૃણાલ પંડ્યા  અને હાર્દિક પંડ્યા વચ્ચે જાયદાદનો ઝગડો થાય ! (બહેનોને જણાવવાનું કે બંને એકબીજાના ભાઈ છે.) હાર્દિક પંડ્યા કહે છે કે હું ફોરેનમાં મેચો રમવા ગયો હતો એ દરમ્યાન કૃણાલે 'જાયદાદ'ના 'નકલી કાગજાત' બનાવડાવીને પપ્પા પાસે સહી કરાવી લીધી છે...

આ તરફ મુકેશભાઈ નીતાભાભી જોડે ભૂરા સોફા પર બેઠા બેઠા ગ્રાઉન્ડમાં મેચો જોતા હતા એ વખતે અનિલભાઈએ મુકેશભાઈના બેડરૂમમાંથી એમના ઓશિકા નીચે સંતાડેલી એક 'સિક્રેટ ફાઈલ'ની ચોરી કરાવી લીધી છે...

પેલી બાજુ વિજય માલ્યાનો હૅન્ડસમ દીકરો આડો ફાટ્યો છે. કહે છે કે બાપા, IPLની ફ્રેન્ચાઇઝી મારે નામે કરી દો , નહિતર પેલી ટીપુ સુલતાનની તલવાર વડે હું તમારી ટચલી આંગળી કાપી નાંખીશ...

અને હા, અનુષ્કા શર્માની સાસુએ માંગણી કરી છે કે મને દહેજમાં તારો નવો ફિલ્મફેર એવોર્ડ જોઈએ છે !

બસ, આટલું કરો. પછી જુઓ  IPLની સિઝન 45 દિવસને બદલે 4500 એપિસોડ સુધી ચાલતી રહે છે કે નહિ ? મેચ વહી, સોચ નઈ !

- મન્નુ શેખચલ્લી

Comments