રાહુલબાબા ખરેખર વડાપ્રધાન બને તો...?


રાહુલ ગાંધી કહે છે કે 2019માં જો કોંગ્રેસ સૌથી વધુ સીટો જીતે તો પોતે વડાપ્રધાન બનવા માટે ‘તૈયાર’ છે !

યાર, ખરેખર કલ્પના કરવા જેવી છે કે જો રાહુલબાબા વડાપ્રધાન બની જાય તો શું શું થાય…

***

ભારતમાં મોટી કોન્ફરન્સ યોજાઈ હોય, વિદેશના મોટા મોટા વડાપ્રધાનો, પ્રમુખો અને મહાનુભાવો પધાર્યા હોય… અને ઉદ્ઘાટન બાદ રાહુલબાબાના સ્વાગત પ્રવચન આપવાના હોય…

ત્યાં અચાનક છેલ્લી ઘડીએ ખબર પડે કે રાહુલબાબા ક્યાંય દેખાતા નથી !

ક્યાં ગયા ? છે ક્યાં ? હોહા મચી જાય… કોન્ફરન્સનો ફિયાસ્કો થઈ જાય.

છેવટે 44 દિવસ પછી રાહુલબાબા ક્યાંકથી પ્રગટ થાય ! લોકો પૂછે તો મંદ મંદ સ્મિત કરતાં એ કહેશે “હું તો આઈસલેન્ડ ગયો હતો… ચિંતન કરવા માટે !” લો, બોલો.

***

જ્યારે બીજી વાર આવી કોન્ફરન્સ યોજાવાની હોય ત્યારે સોનિયાજીએ સખત તાકીદ કરી હોય કે “ક્યાંય જવાનું નથી, સમજ્યો ?”

રાહુલબાબાએ પ્રોમિસ આપ્યું હોય કે એ ક્યાંય નહીં જાય… અને પ્રોમિસ પાળે પણ ખરા !

છેવટે ઉદ્ઘાટન સમારંભમાં સ્વાગત પ્રવચન કરતાં રાહુલબાબાના લોચા શરૂ થઈ જાય.

“માનનીય મહેમાનોં…. ચીન કે પ્રાઈમ મિનિસ્ટર, સોરી, પ્રેસિડેન્ટ, ઝી જિન પિંગ, સાઉથ કોરિયા કે પ્રેસિડેન્ટ કિમ જોંગ, સોરી, સાઉથ કોરિયા નહીં, નોર્થ કોરિયા ! એક મિનિટ, વો લિસ્ટ કહાં હૈ ?.... ક્યા ? મેરી જેબ મેં હૈ ? સોરી….”

પછી ખિસ્સામાંથી મોબાઈલ કાઢતાં કહેશે “સોરી, મૈં ને પુરી સ્પીચ મોબાઈલ મેં સેવ કી હૈ… વો પઢ કે સુનાતા હું. ઓકે ?”

***

આવું તો જાતજાતનું ચાલતું રહેવાનું.

ક્યારેક એક બાજુથી ‘આલુ’ નાંખીને બીજી બાજુથી ‘આલુ પરાઠા’ નીકળે એવા મશીનની વાત કરશે તો ક્યારેક HSC શું છે એની મને ખબર નથી એવું જાહેરમાં બોલી નાંખશે !

પણ બે વાત નક્કી છે. એક, પપ્પુ જોક્સમાં અણધારી તેજી આવશે. અને બે, પપ્પુ જોક્સ વાંચીને ફોરવર્ડ કરનારા કોંગ્રેસીઓની હાકલપટ્ટીમાં પણ ધરખમ વધારો નોંધાશે !

***
આખરે 29 પક્ષોના ટેકા વડે બનેલી 'સેક્યુલર' ગઠબંધન સરકાર ત્યારે તૂટી પડશે ....

જ્યારે રાહુલબાબા કહેશે “બસ, યે રાજ્ય કે ચૂનાવ કે બાદ....  મૈં અયોધ્યા મેં રામમંદિર કે દર્શન કે લિયે જાનેવાલા હું !”

- મન્નુ શેખચલ્લી

Comments