સારું છે કે વોટ્સએપ છે!


લોકો કહેતા હોય છે કે આ વોટ્સેપ-ફોટસેપનો બહુ ત્રાસ છે. પણ જરા વિચારો…

***

રોજ સવારના પહોરમાં તમારાં સગાવ્હાલાં, ફ્રેન્ડઝ અને વડીલોના ધડાધડ ફોન આવવા મંડે કે
“ગુડ મોર્નિંગ બેટા !” “ઊઠી જાવ બકા !” 
“જુઓ, જુઓ, કમળ ખિલ્યું… ચકલી બોલી… હંસ ઉડ્યો… ” તો તમારી કેવી હટી જાય ?

એટલે, સારું છે કે વોટ્સએપ છે.

***

અરે, તમે ઓફિસના કામમાં હો ત્યાં અચાનક કોઈ આવીને સાત વાર પૂછાયેલી વાત  પૂછે કે, “બોલ, આ પઝલ સોલ્વ કરતાં આવડે છે ? IITના એન્ટ્રન્સ ટેસ્ટમાં પૂછાઈ હતી !” તો તમારી છટકે કે નહીં ?

એટલે, સારું છે કે વોટ્સએપ છે.
***

અચ્છા, તમે રસ્તે જતા હો ત્યાં કોઈ વડીલ તમારા ખભે હાથ મુકીને કહેવા માંડે કે “દિકરા, સુખી જીવન જીવવાની માત્ર સાત જ ચાવીઓ છે, વચમાં બોલતો નહિ, અંત સુધી સાંભળજે… અને સંમત થાય તો બીજાઓને પણ જ્ઞાનનો લાભ આપજે… લે. સાંભળ…”

આવે વખતે પેલા વડીલના ગાલ ઉપર કચકચાવીને એક લાફો મારવાનું મન થાય કે નહિ ?

- એટલે વોટ્સએપ તો સારું છે !

***

એ તો ઠીક, તમે ટોઈલેટમાં બેઠા હો, કબજિયાતને કારણે ‘મહેનત’ કરીને કંટાળ્યા હો, ત્યાં દરવાજે ટકોરા મારીને બહારથી કોઈ ચાંપલો કહેવા માંડે કે, “મિત્ર, આયુર્વેદમાં લખેલો 1000 વરસ જુનો કબજિયાત દૂર કરવાનો નુસખો મને હમણાં જ જડ્યો છે, મિત્ર, સાંભળો…”

તો તમે ‘ધોયા વિના’ ઊભા થઈને પેલાને ‘ધોઈ’ નાંખો કે નહીં ?

- એટલે જ કહું છું, વોટ્સએપ છે તો સારું છે !

***

અહીં તલાટીની નોકરી માટે ઇન્ટરવ્યુનો કોલ આવશે કે નહીં એનું ટેન્શન હોય ત્યાં કોઈ દોડતો આવીને તમને કહે કે “બોસ, CBSCનું બારમાનું પેપર લીક થઈને આપડી કને આઈ ગયું છે ! બોલ, બતાડું ?”

તો એને મણમણની જોખવવાનું મન થાય કે નહિ ? એટલે જ કહું છું કે….

***

અને હા, ચાર દિવસ પહેલાં જે જોક તમે તમારા દોસ્તને કીધી હોય એ જ નફ્ફટ, જાણે બહુ નવી, બહુ ઊંચી અને એકદમ લેટેસ્ટ આવી હોય એ રીતે તમને એ જ જોક સંભળાવે…

… અને ઉપરથી કહે કે “માર્કેટ મેં નયા હૈ !" તો…?

એટલે ભઈ, સારું છે કે આ બધું વોટ્સએપમાં જ છે !

- મન્નુ શેખચલ્લી

Comments