શિક્ષણ સુધારવાનાં સાધનો ...


અમદાવાદની એક સ્કૂલ વિદેશની એક યુનિવર્સિટી સાથે મળીને ‘ટિચિંગ મટિરિયલ્સ’ની રિસર્ચનું કામ કરશે.

લો બોલો, અમે તો અહીં ઓલરેડી અમારી રિસર્ચ કરીને બેઠા છીએ ! જુઓ, સારું સારું ભણાવવા માટે કેવાં કેવાં ‘મટિરિયલ’ કામમાં આવે છે…

***

સોટી (જુનું મટિરિયલ)

એક જમાનામાં માત્ર આ જ ટિચિંગ મટિરિયલ હતું ! “સોટી વાગે ચમચમ, ને વિદ્યા આવે ધમધમ !” પણ હવે જમાનો બદલાઈ ગયો છે.

વિદ્યા નહિ, આપણે પરસેન્ટ લાવવાના છે, પરસેન્ટ…

***

ટાઈ

જોયું ? તમે માર્ક કરજો કે જે સ્કુલના છોકરાંઓ ગળામાં ટાઈ પહેરીને ભણે છે એ હંમેશા ટાઈ વગરનાં છોકરાં કરતાં વધારે હોંશિયાર હોય છે !

અમારા હિસાબે તો ‘ટાઈ’ બેસ્ટ ટિચિંગ મટિરિયલ છે.

***

એસી

“અમારી સ્કુલના ક્લાસરૂમો તો એસી છે !”
જ્યારે સંચાલકો આવું કહે છે ત્યારે માબાપો ફટાફટ વધારે ફી ભરી દે છે !

આમાં હિસાબ સીધો છે. જેના રૂપિયા વધારે આપવા પડે એ વસ્તુને સારી જ  કહેવી પડે ને! (મલ્ટીપ્લેક્સના પોપકોર્નની જેમ.)

***

સ્કુટી

બાબો કે બેબી 10મા 12માની નજીક આવે ત્યારે તેને આ ટિચિંગ મટિરિયલ લાવી જ આપવું પડે છે.

આના લીધે તે ઘરથી ટ્યૂશન, ટ્યૂશનથી ઘર, ઘરથી સ્કૂલ, સ્કૂલથી ટ્યૂશન અને ટ્યૂશનથી ઘરના ધક્કા વધારે ઝડપથી ખાઈ શકે છે.

અને આજે તો ટાઈમ ઈઝ મની ! (એન્ડ મની ઈઝ ધ બેસ્ટ ટિચિંગ મટિરિયલ.)

***

સ્કુલની કેન્ટિન

અહીં વિવિધ સ્વાદવાળાં ટિચિંગ મટિરિયલ્સ મળવાં જરૂરી છે.

પિત્ઝા, બર્ગર, સેન્ડવિચ, દાબેલી વગેરે જેવાં જાતભાતનાં ફાસ્ટફૂડ ઉપરાંત વેફર્સ, ક્રન્ચિઝ વગેરેનાં હવાથી ફુલાવેલાં રંગબિરંગી પડીકાં હોય તો...

ઢેબરાં અને છુંદો ખાનારા છોકરાંઓ કરતાં સ્માર્ટનેસના પરસન્ટેજ વધી જાય છે.

હવે સમજયા? નિશાળોની ફી શા માટે વધારે હોવી જરૂરી છે?

- મન્નુ શેખચલ્લી

Comments