અલ્યા, ફરી પાછાં બેન્કોનાં ATM કેશ-લેસ થઈ ગયાં ? યાર, આ કેશ વસ્તુ જ એવી છે…
સાંકડો ઉચ્ચાર કરો તો માથે બેસી જાય અને પહોળો ઉચ્ચાર કરો તો નવા નવા અર્થ થાય ! લો, ઉચ્ચાર કરીને જાતે વાંચો…
***
કેશવાહિની
યાને કે ATMમાં કેશ ભરવા માટે જે વાન આવે છે તે !
કેશકર્તન
તમે જ્યારે કેશ-લેસ ટ્રાન્ઝેક્શન કરો છો ત્યારે 100 રૂપિયામાંથી જે 1 કે 2 રૂપિયા ‘કપાઈ’ જાય છે તે !
કેશકાલા
આ કંઈ હેર-ઓઈલનું નામ નથી. કેશકાલા યાને કાલા ધન !
કેશપીઠ
આમાં પણ કંઈ વ્યાસપીઠ જેવું નથી. કેશ-પીઠ એટલે કેશ-બેક (પીઠ એટલે બેક! ભૂલી ગયા ?)
***
કેશવાળી
જે રીતે અમુક સમયે પોલીસને ‘ડંડાવાળી’ કરવી પડે છે એ જ રીતે અમુક ગુનામાં ફસાયા હોઈએ ત્યારે જે ‘કેશવાળી’ કરીને છૂટવું પડે છે, તે !
***
કેશવિસર્જન
દરોડાના ડરથી જ્યારે કેશને બાળી નાંખવી પડે, દાટી દેવી પડે કે જનધન ખાતાંઓમાં વહેંચી નાંખવી પડે તે !
***
દ્વારકેશ
બેન્કના દરવાજે ઊભેલો પેલો ચોકીદાર.
બ્રીફકેશ
ઓછા રૂપિયા રાખવાની પેટી.
પંચકેશ
મોં ઉપર મારવાના રૂપિયા. (પંચ)
વ્યોમકેશ
ચોપડા દ્વારા આકાશમાં ઊડી ગયેલી રકમ.
રિશીકેશ
ઢોંગી બાવા પાસેથી ઝડપાયેલી રોકડ.
હાટકેશ
હાટ એટલે દુકાન ! હાટકેશ એટલે દુકાનમાં યાને કે ગલ્લામાં પડેલી કેશ.
***
કેશાકર્ષણ
બસ, બધી જફાઓની જડ આ જ છે. આજના જમાનામાં ‘કેશ’નું આકર્ષણ સુંદરી તથા સ્વર્ગ કરતાં યે વધી ગયું છે.
એમાં ય જ્યારે એવી અફવા ફેલાય કે બેન્કોમાંથી કેશ ખેંચાઈ રહી છે ત્યારે ‘કેશાકર્ષણ’નો નિયમ લાગુ પડી જાય છે... અને બાકીની કેશ પણ ખેંચાવા માંડે છે !
***
કેશાભિમાન
એ તો માત્ર અરૂણ જેટલી પાસે જ ટક્યું છે !
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment